ગુજરાતમાં ખરેખરો ડિસેમ્બર મહિનાની ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. નલિયામાં છેલ્લા પાંચ દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. હજુ પણ ઉત્તર દિશા તરફથી આવતા ઠંડા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતાઓ છે. આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ યથાવત્ રહેશે. જોકે, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને રાત્રે લઘુત્તમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો કે ઘટાડો નોંધાઈ શકે છે. દિવસ દરમિયાન ફુકાતા ઠંડા પવનોને કારણે દિવસે પણ ઠંડીનો અનુભવ થશે. ઠંડા પવન ફૂકાતા દિવસે પણ ઠંડીની અસર
છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કેટલાક જિલ્લાઓમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોવાથી ઠંડીની અસર રહી હતી. આજેપણ ઠંડા પવનોના સુસવાટાને કારણે ઠંડકનો અનુભવ થશે. તો અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27થી 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. જ્યારે હજુ પણ આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાયું હતું. જેમાં નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો 10 વાગ્યા બાદ ખુલવા લાગી છે. તો વહેલી સવારના બસ સ્ટેશન પર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાય છે. મોટા ભાગની બસ નહિવત મુસાફરો સાથે ઉપડે છે. આગામી દિવસોમાં જેમજેમ ઠંડીનું જોર વધશે, તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન પર અસર થશે. અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું
મહત્વનું છે કે, અમદાવાદમાં ઠંડા પવનો હતા, પરંતુ રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 10.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાયું હતું, જેમાં અમરેલીમાં 10 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 8.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.઼ વડોદરાનો પારો 10 ડિગ્રી રહેવાની સંભાવનાઓ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવન રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર ભારતનાં રાજ્યમાં હિમવર્ષાની અસર પણ પવનોને કારણે ગુજરાત તરફ વર્તાઈ રહી છે. ત્યારે વડોદરામાં આજેપણ ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે. 6 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવનોથી લોકો ઠુંઠવાયા
હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ, વડોદરામાં મહત્તમ તાપમાનનો પારો 27.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 57 ટકા સાંજે 29 ટકા નોંધાયું હતું. જ્યારે 6 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં. ઝડપી પવનોને કારણે શહેરજનોને ઠંડીનો વર્તારો વધુ અનુભવાયો હતો, જેને પગલે દિવસભર લોકો ઠુંઠવાયા હતા.