ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે 15 ડિસેમ્બર રવિવારે ગુરુદત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ગધેથડમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં એકસાથે 551 પાટલા પૂજન પર બેસીને 1100 જેટલા શિષ્યોએ ગુરુપૂજન કર્યું હતું. દિવસ દરમિયાન અંદાજીત 10 હજારથી શિષ્યોએ ગુરુપૂજનમાં ભાગ લીધો. કાર્યક્રમની શાંતિપૂર્વક પૂર્ણાહુતિ થઈ. ગુરુપૂજનના કાર્યક્રમમાં લાલબાપુના આશીર્વાદ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગધેથડ આવ્યા હતા. અહીં તેઓ પોણા કલાક સુધી રોકાયા હતા અને ગુરુપૂજનને લઈ ગાયત્રી આશ્રમ અને તેમના આયોજનના ખૂબ વખાણ કર્યા હતા. કોઈ શિષ્ય જ્યારે ગુરુ દિક્ષા ઘારણ કરે ત્યારે આ રીતના ગુરુપૂજન કરવામાં આવતું હોય છે. સંત શ્રી લાલબાપુજી તેમના મંત્રોચ્ચારથી એકસાથે 1100 લોકોને પાટલા પૂજનમાં બેસાડીને ગુરુની દિક્ષા ધારણ કરાવવામાં આવી હતી. ગુરુપૂજનના પાટલામાં ગુરુ દત્તાત્રેય, ગણેશજી અને ગાયત્રી માતાજીના ફોટા મુકાયા હતા. ગુરુ દત્તાત્રેય એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, ગણેશજી પ્રથમ પૂજન માટે જ્યારે ગાયત્રી માતાજીનું મંદિર હોવાથી તેમના ફોટા મુકાયા હતા. લાલબાપુ પર લોકોની ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે
લાલબાપુના સેવકો કહે છે કે, ગુરુનો અર્થ થાય છે (ગુ કહેતા અંધારું અને રુ કહેતા પ્રકાશ) એટલે કે અંધારાથી પ્રકાશ તરફ લઈ જાય એવા અમારા ગુરુદેવ સંત શ્રી લાલબાપુજી. અષાઢ મહિનામાં ગુરુપૂર્ણિમાં આવે છે ત્યારે વરસાદની ઋતુમાં ભક્તો માટે પાર્કિંગની વ્યવસ્થા ન થઈ શકે તેમ હોવાથી તે માટે માગસર સુદ પૂનમના દિવસે 15 ડિસેમ્બરના રોજ આ ભવ્ય કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું હતું. ગધેથડના ગાયત્રી આશ્રમ પર અને લાલબાપુ પર લોકોની ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે. જેથી આજે રવિવારે હજારોની સંખ્યામાં શિષ્યો આવ્યા હતા અને ગુરુપૂજન કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો. મુખ્યમંત્રીને ગુરુપૂજનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેના પગલે ગુરુપૂજનના કાર્યક્રમમાં લાલબાપુના આશીર્વાદ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગધેથડ આવ્યા હતા. મુખ્યમંત્રી સહિત અનેક ક્ષત્રિય આગેવાનોને પણ ગુરુપૂજનમાં હાજર રહેવા આમંત્રણ અપાયું હતું. સૌરાષ્ટ સહિત સમગ્ર ગુજરાતમાં 18 વર્ણ જ્ઞાતિઓને પણ આમત્રંણ પાઠવાયું હતું. આ સિવાય વિવિધ પ્રદેશના રાજવીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકા તંત્ર દ્વારા ભક્તોને લાવવા લઈ જવા માટે બસોની પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી. મુખ્યમંત્રી સહિત ક્ષત્રિય નેતાઓએ લાલબાપુના આશીર્વાદ લીધા
મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આપણી સંસ્કૃતિ મુજબ જેટલા આપણે ગુરુના ચરણોમાં રહીએ તેટલા આપણે આગળ વધીએ આ આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. અહીં આવીને સેવા કોને કહેવાય તે સમજાય છે. કોઈ કાર્યક્રમ કરવા માટે પહેલાથી ગોઠવણ કરવામાં આવે છે. જોકે અહીં લાલબાપુ પાસે આવીએ ત્યારે ખબર પડે કે કોઈ જ આયોજનની જરુર નથી ફક્ત ને ફક્ત તમારો ભાવ મજબૂત હોવા જોઈએ. અહીં કોઈ ચીઠ્ઠી, ચબરખી કે પૈસા માંગવાના એવું કંઈજ અહીં જોવા નથી મળતું. છતા ગાયત્રી આશ્રમના ગુરુપૂજનના કાર્યક્રમમાં લાખો ભક્તો આરામથી જમે છે અને દર્શનનો લાભ લે છે. સરકારને આટલું કરવું હોય તો ઘણી વ્યવસ્થા ઉભી કરવી પડે છે જોકે અહીં તો વગર પૈસે બધુ જ થઈ જાય છે. એકવાર તો અહીં ગધેથડમાં તમામ લોકોએ આવવું જોઈએ અહીં આવવાથી ઘણી તકલીફો તો આપણા જીવનમાંથી એમનમ જ દૂર થઈ જાય છે. લાલબાપુએ મુખ્યમંત્રીના વખાણ કર્યા
લાલબાપુએ તેમના સંબોધનમાં એક વાત કરતા કહ્યું કે, તેમને પેટની ખૂબ તકલીફ રહેતી હતી જેથી તેઓ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા. ત્યારે બાપુ અમદાવાદમાં રાજુ ભાઈ ગજેરાના ઘરે રોકાયા હતા. આ વાતની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રને થતા તેઓ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય નીકાળીને મને મળવા આવ્યા હતા. અડધો કલાક પણ બેસવાનો ટાઈમ નહતો છતાં મુખ્યમંત્રી સાહેબ દોડ કલાક સુધી બેસ્યા હતા. વાતચીત દરમિયાન મેં તેમને ગધેથડ આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે મુખ્યમંત્રીએ વચન આપ્યું હતું કે, એકવાર હું ચોક્કસથી આપના આશ્રમ પર આવીશ. આજે મુખ્યમંત્રીએ તેમના વચનનું પાલન કરીને અહીં ગધેથડ પધાર્યા છે. સમગ્ર મુલાકાત દરમિયાન માત્ર તેમણે આદ્યાત્મિક વાતો જ કરી હતી. રાજકારણની કોઈ જ વાત નહોતી થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ આદ્યાત્મિક માણસ છે. ગુજરાતને આવા આદ્યાત્મિક મુખ્યમંત્રી પહેલીવાર મળ્યા છે અને આ વાતનો ખૂબ આનંદ થાય છે. ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે ભાસ્કરની વાતચીત
ગધેથડમાં ગુરુદત્ત જયંતી નિમિત્તે યોજાયેલા ગુરુપૂજનમાં ઘણા ક્ષત્રિય આગેવાનોએ હાજરી આપી જેમાં જામનગરના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રિવાબાએ ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ ગુરુપૂજન એટલા માટે વિશિષ્ટ છે કે આ ગુરુપૂજનમાં 115 ગામમાં ધુમાડાબંધ ભોજનનું આયોજન તો કરાયું જ છે, પરંતુ તેની સાથે સાથે અબોલ પશુના જમણવાર માટે પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. સગાઈ બાદ અમે બાપુના આશીર્વાદ લેવા આવ્યા હતા
ભાસ્કરે રિવાબાને પુછ્યું કે આપ લાલબાપુમાં ક્યારથી શ્રદ્ધા અને આસ્થા ધરાવો છો તો તેના જવાબમાં રિવાબાએ કહ્યું કે, જ્યારથી મારી સગાઈ થઈ ત્યારથી હું અને પારા પતિ અહીં અચૂક દર્શન માટે આવતા હોઈએ છીએ. સગાઈ બાદ તરત જ અમે મંદિરના અને બાપુના આશીર્વાદ લેવા અહીં આવ્યા હતા. લાલબાપુનો એક દયાળુ અને માયાવી સ્વભાવ છે. તેઓ કોઈપણ બાબત ખૂબ જ સરળતાથી સમજાવે છે અને આપણામાં આદ્યાત્મિકતા સામાજીક એકતા લાવવાના સતત પ્રયાસ કરતા રહેતા હોય છે. લમ્પી વાઇરસમાં પશુ માટે બનાવેલી દવા કારગર થઈ હતી
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હું ધારાસભ્ય બની ત્યારે પણ અમે અહીં લાલબાપુના દર્શન માટે આવ્યા હતા. હાલમાં આવા કોઈ પ્રસંગ થાય એટલે અમે આવીએ જ છીએ. આ સિવાય અવાર નવાર દર્શન કરવા માટે પણ અહીં આવતા જ હોઈએ છીએ. માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ દરેક સમાજ માટે બાપુએ પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા છે. કોઈ રોગની બાપુ દવા સૂચવે ત્યારે તે ખરેખર અસર કરતી જોવા મળે છે જેથી લોકોમાં તેમના પ્રત્યે વધુ આસ્થા છે. જ્યારે પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો હતો ત્યારે બાપુએ જે દવા પશુઓ માટે બનાવી હતી તે દવા 100 ટકા પશુઓ માટે કારગર સાબિત થઈ હતી. 115 ગામમાં ધુમાડાબંધ પ્રસાદનું પણ આયોજન
આજના પાવન પ્રસંગમાં આશરે લાખો ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમને લઈ કુલ 3500 જેટલા સ્વંય સેવકોએ ખડેપગે સેવા આપી હતી. આ કાર્યક્રમને લઈ ઉપલેટાના 52 ગામ સહિત 115 ગામમાં ધુમાડાબંધ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર મનુષ્ય જ નહીં, પરંતુ અબોલ જીવો માટે પણ પ્રસાદનું ખાસ આયોજન કરાયું હતું. આ શુભ પ્રસંગે સમગ્ર ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નીરણ, ચકલા માટે ચણ, કુતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કીડી માટે કીડીયારું સહિતના તમામ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. બાપુએ 12 વર્ષ સુધી આશ્રમની બહાર પગ નહોતો મુક્યો
ગાયત્રી આશ્રમ પર અને લાલબાપુ પર લોકોની ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાના સવાલ પર લાલબાપુએ કહ્યું કે, જેટલા પણ ભાવિ ભક્તો અહીં દર્શન માટે આવે છે તેમના પર માતાજીની અસીમ કૃપા છે. વર્ષ 1997-98માં લાલબાપુએ ગધેથડ ગામમાં વેણુ ડેમના કાંઠે ટેકરા પર વડલો વાવી અહીં આશ્રમ બનાવવાની ટેક લીધી હતી. બાપુએ સંકલ્પ કર્યો હતો કે, જ્યાં સુધી આ ટેકરા પર મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી આશ્રમની બહાર પગ નહીં મુકે. બાપુનો આ સંકલ્પ 12 વર્ષ સુધી ચાલ્યો અને 12 વર્ષ સુધી બાપુએ આશ્રમની બહાર પગ પણ નહોતો મુક્યો. બાપુએ આ સમયગાળા દરમિયાન માત્ર અનુષ્ઠાન અને પૂજા પાઠ જ કર્યા. વર્ષ 2005માં સંત શ્રી લાલબાપુ તથા તેમના શિષ્ય રાજુભગત અને દોલુભગતના વરદ હસ્તે ગાયત્રી મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વર્ષ 2011માં મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભાવિક ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા
ગુરુદત્ત જયંતિ નિમિત્તે 25 વીઘામાં ભોજનાલયનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા હોવાથી વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને આ સિવાય આજે બાળકો માટે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો. સંત શ્રી લાલબાપુનું ગુરુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું હતું. જ્યારે ભોજન પ્રસાદ પણ સવારથી શરૂ કરી દેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું?
ગુરુપૂજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. આ સિવાય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા, જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, રાઘવજી પટેલ, હકુભા જાડેજા, અમરિશ ડેર અને પ્રદિપસિંહ ઝાલા સહીતના નેતા ઉપસ્થિત રહ્યા હતા.