અમદાવાદ શહેરના નવા વિકસતા જતા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાણીની ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાણીપ અને જુહાપુરા વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા માટેની સિંગલ ટેન્ડર કામ આપવાની વિવાદિત દરખાસ્ત વોટર સપ્લાય અને સુએજ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. રાણીપ બસ સ્ટેશન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે 20 લાખ લિટરની અને મકતમપુરા વોર્ડમાં મુસ્કાન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે 25 લાખ લિટરની ટાંકી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. બંને પાણીની ટાંકી બનાવવા પાછળ AMC 9.52 કરોડ રૂપિયાના ખર્ચ કરશે. ટાંકી બન્યા પછી દોઢથી બે લાખ લોકોને ફાયદો થવાનો અંદાજ છે. અંદાજિત ભાવથી વધારે ભાવે ટેન્ડર ભરાયા હતા
શહેરના રાણીપ વિસ્તારમાં નવા વિસ્તારો અને પાણીનું ઓછું પ્રેશરને લઈને અનેક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનને મળતી હતી. રાણીપ બસ સ્ટેન્ડ વોટર ડિસ્ટ્રીબ્યુશન ખાતે 24 મીટર ઊંચી ટાંકી બનાવવામાં આવશે. તેને બનાવવા માટેનું 4.19 કરોડ રૂપિયાનું કામ આજે મળનારી વોટર અને સુએજ કમિટીમાં આવ્યું છે. આ પાણીની ટાંકી બનાવવા માટે અંદાજિત ભાવથી 35.09 ટકા વધુ ભાવે એકમાત્ર ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કંપનીએ ટેન્ડર ભર્યું હતું. આ સિવાય મકતમપુરા વોર્ડમાં પણ પાણીને લઈને અવારનવાર ફરિયાદો આવતી હતી. તેથી, મુસ્કાન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે 25 લાખ લિટરની ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. તેને બનાવવા માટેનું 5.33 કરોડ રૂપિયાનું કામ વોટર અને સુએજ કમિટીમાં આવ્યું છે. આ પાણીની ટાંકી બનાવવા માટે અંદાજિત ભાવથી 29.05 ટકા વધુ ભાવે એકમાત્ર એસ.એન એસોસિએટે ટેન્ડર ભર્યું હતું.