રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી 20 ડિસેમ્બર, 2024ના રોજ યોજાનાર છે. ત્યારે આ વખતે બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ વખતે કાર્યદક્ષ પેનલ, સમરસ પેનલ અને એક્ટિવ પેનલે ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. જ્યારે ભાજપની લીગલ સેલને ગત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોવાથી આ વખતની ચૂંટણીમાં લડવાનું ટાળ્યું છે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જીત માટે ત્રણેય પેનલ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ત્રિ-પાંખિયા જંગમાં કઈ પેનલ કોના મત તોડી કોને નુકશાન પહોંચાડશે અને કોને ફાયદો કરાવી જીત અપાવશે, તે જોવું મહત્વનું રહેશે. અલાયદું વકીલ ભવન તૈયાર થાય તે માટે કામ કરીશુંઃ દિલીપ જોષી
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર એડવોકેટ દિલીપ જોષીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું રાજકોટ બાર એસોસિએશનમાં છેલ્લા 24 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અગાઉ વર્ષ 2008 અને 2010માં બાર એસોસિએશનમાં કારોબારી તરીકે સેવા આપી ચૂક્યો છું. વર્ષ 2012, 2014, 2018 અને 2023માં સિનિયર પ્રમુખો સાથે સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યો છું. આ વર્ષે મેં મારી ટીમ સાથે કાર્યદક્ષ પેનલ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મારી ટીમના સભ્યો પૈકી ઘણા સભ્યો અગાઉ પણ બાર એસોસિએશનમાં કોઈને કોઈ રીતે સેવા આપી ચૂક્યા છે. તમામ પેટા બાર દ્વારા અમને સમર્થન કરી કાર્યદક્ષ પેનલને ટેકો જાહેર કર્યો છે. રાજકોટમાં નવું કોર્ટ બિલ્ડિંગ કાર્યરત થઇ ગયું છે, પરંતુ વકીલ ભવન માટેની જે જગ્યા ફાળવેલ હતી, ત્યાં અમારૂ અલાયદું વકીલ ભવન આ વર્ષે પૂર્ણ થાય તે માટે કામ કરીશું. વકીલોના જે કોઈ પ્રશ્નો હશે તે પૂર્ણ કરવા માટે અમે તમામને સાથે રાખી પ્રયત્ન કરીશું. મારી વકીલ આલમમાં કાકા અને 108ની છાપ છેઃ બકુલ રાજાણી
એક્ટિવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને હાલના રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 27 વર્ષથી વકીલાતની સિવીલ તેમજ ફોજદારીની પ્રેક્ટીસ કરે છે. હાલમાં મારી વકીલ આલમમાં કાકા અને 108ની છાપ છે. રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં 3 વખત પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે. ચાલુ વર્ષે પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી વકીલ હિતના કાર્યો કરેલા છે. ચાલુ ટર્મ દરમિયાન નવા કોર્ટ બિલ્ડિંગનું સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ સાહેબના હસ્તે ઉદ્દઘાટનનો ભવ્ય કાર્યક્રમ કરી નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ‘ટેબલ રાખવાના પ્રશ્નનું સમન્વયથી નિવેડો લવાયો હતો’
આ ઉપરાંત નવા કોર્ટ બિલ્ડિંગ કેમ્પસમાં વકીલો માટેના 3 માળના બિલ્ડિંગને 5 માળનુ કરવા અંગે હાઇકોર્ટમાં સફળ રજૂઆત કરીને વકીલો માટેના 5 માળના ભવ્ય બિલ્ડિંગનું ખાતમુર્હુત ગુજરાત હાઇકોર્ટના જજોના હસ્તે કરવામાં આવેલું હતુ. નવા બિલ્ડિંગના પ્રારંભ સમયે વકીલોમાં ઉદ્ભવેલા ટેબલ રાખવાનો પ્રશ્નનો રાજકોટના જજ તેમજ હાઇકોર્ટના જજ સાથે સમન્વય કરીને સુખદ નિવેડો લાવી મહત્વના પ્રશ્નનું નિરાકરણ કરેલ છે. ‘ચોથી વખત પ્રમુખ બનાવવા વકીલો થનગની રહ્યાં છે’
વધુમાં ઉમેર્યું કે, વર્ષ દરમિયાન મુખ્ય દરવાજો બંધ હતો તે ખોલાવીને વકીલોને પડતી મુશ્કેલીઓના પ્રશ્નોને વાચા આપી તેનો સુખદ નિવેડો લાવેલ છે. પોલીસ કમિશનર અને કલેક્ટર સાથે મુલાકાત કરીને વકીલોને લગતા પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી વકીલોને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત વકીલો માટેની ડિરેકટરનું ભગીરથ કાર્ય કરીને તેનુ ડિજિટલ લોચિંગનો સફળ કાર્યક્રમ કરેલો છે. ભવિષ્યમાં પણ વકીલો માટે સતત કામ કરવાની લગન અને ધગશને લઇને આ વખતે પણ ઉમેદવારી નોંધાવી છે. વિશ્વાસ છે કે તમામ વકીલો હોશે હોશે ચોથી વખત પ્રમુખ બનાવવા માટે થનગની રહ્યા છે. વકીલોનું સ્વપ્ન હોય કે પોતાની એક ઓફિસ હોયઃ અર્જુન પટેલ
રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુન પટેલે જણાવ્યું હતું કે, એ જ બનશે રાજકોટ બારના અધ્યક્ષ જે છે ખરેખર કાર્યદક્ષ. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી 20 તારીખના રોજ યોજાનાર છે અને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. રાજકોટ બારમાં લગભગ 3400થી વધુ મતદારો છે અને હવે ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે, ત્યારે અમારો સંપૂર્ણ ટેકો કાર્યદક્ષ પેનલ છે. કારણ કે, અમને વિશ્વાસ છે કાર્યદક્ષ પેનલ રાજકોટ બાર માટે રાજકોટના વકીલો માટે સતત કાર્યરત રહી વકીલોના હિતમાં જરૂર કાર્ય કરશે. આ તમામ ઉમેદવરો અગાઉ પણ સાર કામ કર્યા છે અને આગળ પણ કરશે, તેવો મને પૂરો વિશ્વાસ છે. આમાં એવા વકીલો છે, જેઓ હોદા ઉપર હોય કે ન હોય છતાં વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉભા રહે છે. વકીલોનું સ્વપ્ન હોય પોતાની એક ઓફિસ હોય માટે વકીલોને પોતાની ઓફિસ મળે તે માટે સરકાર પાસે લેન્ડ ખરીદ કરી વકીલોને ફાળવવા માટે કામ કરશે તેવી મને પુરી ખાતરી છે. પ્રમુખ સહિતના 50 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન આગામી તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજવાનું છે. ત્યારે આ ચૂંટણીમાં કુલ 50 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદારો અને મહિલા અનામત સહિત 10 કારોબારી મળી કુલ 16 જગ્યાઓ માટે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 6, ઉપપ્રમુખ માટે 3, સેક્રેટરી માટે 4, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાયબ્રેરી સેક્રેટરી માટે 2, કારોબારી, મહિલા અનામત માટે 4 અને કારોબારી સભ્ય માટે કુલ 26 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.