સુરતના અડાજણમાં સ્પોર્ટ બાઈક પર ફૂલ સ્પીડમાં જતા ત્રણ યુવકો રોડ ક્રોસ કરતી કાર સાથે ટકરાતા બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે બાઈક કાર સાથે અથડાતા ચાલક હવામાં ફૂટબોલની જેમ 30 ફૂટ જેટલો ઊછળી દુર પટકાય છે. કાર સાથે ફૂલ સ્પીડમાં આવતી બાઈક અથડાઈ
અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે 3 વાગ્યે ભંયકર અકસ્માત સર્જાયો હતો. સ્પોર્ટ બાઇકના ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક હંકારી રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર અથડાવી હતી. આ અકસ્માતમાં બાઈકનો બુકડો બોલી ગયો હતો. સ્પોર્ટ્સ બાઈક પર ત્રણ યુવકો સવાર હતા, જે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આંખના પલકારામાં જ અકસ્માત
આ ઘટનાના સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક કાર રસ્તો ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન જ ફુલ સ્પીડમાં આંખના પલકારામાં જ બાઈક કાર સાથે ધડાકાભેર અથડાય છે. જેમાં બાઈક ચાલક યુવક 30 ફૂટ જેટલો ઊંચો ઊછળીને 20થી 25 ફૂટ દૂર પડે છે. જ્યારે બે યુવકો બાઇક સાથે ત્યાં રસ્તા પર પટકાય છે. ફુલ સ્પીડમાં બાઈક કારમાં અથડાવવાના કારણે કાર પણ ઊંચી થઈ જાય છે. ત્યારબાદ આસપાસથી લોકો દોડી આવે છે અને યુવકોને હોસ્પિટલ ખસેડે છે. હાલ તો અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય મિત્રો ચા પીવા ગયા હતાં
સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે નાનપુરા વિસ્તારમાં 18 વર્ષીય અંતિમ જ્ઞાનદાસ ગુપ્તા પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા-પિતા, ત્રણ ભાઈ અને બહેન છે. અંતિમ કૃષિ બજારમાં પટાવાળાનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છે. અંતિમ અને તેના બે મિત્રો આજે (16 ડિસેમ્બર) વહેલી સવારે ત્રણ વાગ્યે મિત્રની સ્પોર્ટ બાઈક લઈને ચા પીવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક અંતિમ ગુપ્તા ચલાવી રહ્યો હતો અને 20 ફૂટ દૂર ફંગોળાઈ જતા ઈજા થઈ હતી. ચાલકને માથામાં 22 ટાંકા આવ્યાં
આ ગંભીર અકસ્માતમાં અંતિમ ગુપ્તાને માથાના ભાગ, આંખના ભાગે, હાથ-પગ પર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ત્રણેય યુવકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સામાન્ય ઇજા હોવાથી બંને મિત્રોને ઘરે લઈ જવામાં આવ્યા હતા. તથા અંતિમ ગુપ્તાને આંખની ઉપર માથાના ભાગે 22 ટાંકા આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં તેની વધુ સારવાર કરવામાં આવી રહી છે.