વિશ્વપ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકામાં ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી નિધન થયું છે. આજરોજ (16 ડિસેમ્બર) MS યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા તબલા વગાડીને ઉસ્તાદ ઝાકિર હુસૈનજીને તાલાંજલિ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં ડીને ઝાકિર હુસૈન સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. તબલાવાદક ઝાકિર હુસૈન 8 ડિસેમ્બર, 2015ના રોજ વડોદરામાં આયોજીત એક કાર્યક્રમમાં આવ્યા હતા. આ સમયે તેઓએ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની મુલાકાત લીધી હતી. તેઓ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મળ્યા હતા અને કોલેજના વિવિધ વિભાગોનું નિરિક્ષણ કર્યુ હતું. તબલાના તમામ ઘરાનાની શૈલી તેમની પાસે હતીઃ ડીન
મ્યુઝિક કોલેજના ડીન પ્રો. ડો. ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે, ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે રહ્યા નથી, જેથી આજે પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તારાંજલીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેઓ એક મહાન તબલાવાદક હતા અને તેઓ પંજાબ ઘરાનાનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથેસાથે તબલાના તમામ ઘરાનાની શૈલી તેમની પાસે હતી. તેમના નિધનથી તેમના પરિવાર, દેશ અને સંગીત પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અચાનક નિધનથી સંગીત જગતને મોટી ખોટ પડી છે. તેઓએ તબલાને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચાડ્યા હતા. તેઓ વડોદરામાં અનેક વખત કાર્યક્રમ માટે આવી ચૂક્યા હતા. ‘તબલાને તેઓ ભગવાન માનતા હતા’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 2015માં જ્યારે તેઓ વડોદરા આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન એક વિદ્યાર્થીએ ઉસ્તાદ ઝાકીર હુસૈનને પૂછ્યુ કે, ગાયન અને વાદનમાં સૌથી મહત્વની વાત કઇ છે? તો તેઓએ જવાબ આપ્યો હતો કે, રિયાઝ કરવો એ જ કલાકારનું કર્મ છે. સફળતા પર ધ્યાન કેન્દ્રિત ના કરો. બને તેટલો વધુ રિયાઝ કરો. તેઓ એટલા સરળ હતા કે, ક્યારેય પોતાના તબલા કોઇને ઉપાડવા માટે આપતા નહીં. ગાડીમાંથી તેઓ જાતે જ તબલા લઇને સ્ટેજ ઉપર આવતા હતા. તબલાને તેઓ ભગવાન માનતા હતા. તેઓ હંમેશા અમારી સાથે રહેશેઃ વિદ્યાર્થી
પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી વેદ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તબલા વાદક ઝાકિર હુસૈનના નિધનના સમાચારથી અમે શોક થઈ ગયા હતાં. અમે માનવા જ તૈયાર નહોતા કે આ સમાચાર સાચા છે. અમે નાનપણથી જ ઝાકિર હુસૈનજીના વીડિયો જોઈને તબલા વગાડતા શીખ્યા છીએ. તેમની પાસેથી અમને ખૂબ શીખવા મળ્યું છે. અમે ફેકલ્ટીમાં આજે તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને ભગવાનના પ્રાર્થના કરી શકે તેમની આત્માને શાંતિ આપે. તેઓ હંમેશા અમારી સાથે રહેશે.