રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ખાનગી કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરતાં યુવાને કોલેજના ગ્રુપમાં યુ-ટયુબર ધ્રુવ રાઠીનો ધરતીના જન્મને લગતો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેની આ પોસ્ટ પર બીજા વિદ્યાર્થીઓએ ટીપ્પણીઓ કરી માર મારવાની, અપહરણ કરવાની અને જાનથી મારી નાખવા અંગે ધમકી આપી હતી. આ મામલે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્હોટ્સએપમાં ‘એલએલબી કમ્બાઇન’ નામે ગ્રુપ બનાવ્યું હતું
યુનિવર્સિટી પોલીસે મવડી ઓમનગર 40 ફુટ રોડ પર પટેલનગર-2 ખોડિયાર પાન સામે રહેતાં અને કોલેજમાં એલએલબીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં વિવેક રસિકભાઇ કાલરીયા (ઉ.વ.39)ની ફરિયાદ પરથી ભરત જોષી અને યજ્ઞેશ મહેતા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિવેક કાલરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી કોલેજમાં માહિતીની આપ-લે કરવા માટે વ્હોટ્સએપમાં ‘એલએલબી કમ્બાઇન’ નામે ગ્રુપ બનાવેલુ હોઇ તેમાં કોલેજના બીજા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે. આ ગ્રુપનો ઉપયોગ અમારી કોલેજના સમાચારો તથા નોલેજની જાણકારી, માહિતીની આપ-લે કરવા માટે થાય છે. કાયદા વિરૂધ્ધની ખોટી અને કારણ વગરની ટીપ્પણીઓ કરી
ગત તા.08.12.2024ના રાતે બે વાગ્યે હું ઘરે હતો ત્યારે આ કોલેજના ગ્રુપમાં મેં ફેમસ યુ-ટયુબર ધ્રુવ રાઠીના એક વિડીયોની લિંક શેર કરી હતી. આ વિડીયોમાં પૃથ્વીનો જન્મ કઇ રીતે થયો તેના વિશેની વાત હતી. ધ્રુવનો આ વિજ્ઞાન વિષયક વીડિયોતા. 05.12.2024ના રોજ પબ્લીકશ થયેલો હતો. મેં આ વીડિયો08.12.2024 રાતે 2.54 કલાકે પોસ્ટ કર્યો હતો. આ પછી તેમાં ઘણા બધાએ ટીપ્પણીઓ કરી હતી. આથી મેં તેમાં તથ્યો અને તાર્કિકતા ઉપર ચર્ચા કરવા કહ્યું હતું અને ખોટા વિવાદ નહિ કરવા કહ્યું હતું. જેમાં ભરત જોષી અને યજ્ઞેશ મહેતા તથા અર્ચના સરવૈયા, ધ્રુવી સતાસીયા ઉર્ફ એન્કર ધ્રુવી તથા તેને ઉશ્કેરણીની પ્રેરણા અને અત્યાચારમાં સાથ આપનારા શક્તિભાઇ જાડેજા, રાહુલ પરમાર, નીધીબેન અકબરી, પ્રિન્સ રામાણી સહિતે મારા વીડિયો પર ખાસ વિચારધારા અને દુષ્પ્રેરણાથી પ્રેરાઇની વીડિયોમાં કહેલી વિજ્ઞાાનની વાતો, વીડિયો બનાવનાર તથા મારા પર વ્યક્તિગત કાયદા વિરૂધ્ધની ખોટી અને કારણ વગરની ટીપ્પણીઓ કરી હતી. મેં પુરાવા રૂપે ગ્રુપના આ લખાણના સ્ક્રીનશોટ લીધા હતાં
ત્યારબાદ આ બધાએ વિવાદ અને ઝઘડો કરી મને માર મારવાની ધમકી આપેલી અને અપહરણ કરવાની ધમકી આપી હતી. તેમજ ખાનદાન ખોઇ નાખવાની ધમકી પણ આપી હતી. એટલુ જ નહિ જાહેરમાં પણ મારુ અપમાન કરી ધર્મ ઉપર ટીપ્પણીઓ કરવા લાગ્યા હતાં અને કોલેજે આવી જા મળી અને જોઇ લઇશું, તને ખોઇ નાખશુ, ગોત્યો નહિ જડે આવી ધમકીઓ, જ્ઞાતિમાં ઉંચનીચ તથા ઘમંડ અને દાદાગીરી કરી ભેદભાવ કર્યો હતો. આ બધુ વ્હોટસએપ ગ્રુપમાં લખ્યું હતું અને મને હેરેસમેન્ટ કર્યુ હતું. મેં પુરાવા રૂપે ગ્રુપના આ લખાણના સ્ક્રીનશોટ લીધા હતાં. હું પ્રોફેસરના રૂમમાં ગયો ને ઘટનાની જાણ કરી
ત્યારબાદ સાંજે 5 વાગ્યે હું ઘરે હતો ત્યારે પ્રોફેસર આબીદભાઇ માકડાને મેં ફોન પર વિવાદની જાણ કરી હતી. એ પછી તેણે સમાધાન કરાવવા મને કોલ કર્યો હતો. ત્યારે કોન્ફરન્સ કોલમાં યજ્ઞેશ મહેતા અને શક્તિભાઇ જાડેજા સામેલ હોઇ પ્રોફેસર આબીદભાઇએ સમાધાનની વાત કરતાં યજ્ઞેશ મહેતાએ આ વખતે પણ ફોનમાં જેમ તેમ બોલી ગાળો દીધી હતી. આ પછી પ્રોફેસર આબીદભાઇએ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારપછી તા.09.12.2024ના બપોરે હું 2 વાગ્યે કોલેજમાં લેકચર ભરવા ગયો ત્યારે સાંજે 4 વાગ્યે લેકચર પુરા થતાં બાથરૂમ કરવા જતાં મારા ક્લાસમાં અભ્યાસ કરતાં ભરત જોશી અને યજ્ઞેશ મહેતા તેના ષડયંત્રના ભાગરૂપે આવ્યા હતાં અને મને ધાકધમકી દઇ ગાળો દઇ ઝઘડો કર્યો હતો. તેમજ ઇરાદાપુર્વક જીવલેણ હુમલો કરી તૂટી પડયા હતાં. ત્યારબાદ હું પ્રોફેસરના રૂમમાં ગયો હતો અને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ પછી પ્રોફેસર અને છાત્રોની હાજરીમાં પણ ભરત અને યજ્ઞેશ તથા બીજા આવી જતાં મેં મોબાઇલમાં વીડિયો શુટીંગ ચાલુ કરતાં બધાની હાજરીમાં પણ આ બંનેએ અભદ્ર વર્તન કરી ચાલુ વીડિયો કેમેરામાં પણ ધાકધમકી આપી હતી. ફરી આ લોકો હુમલો કરે તેમ લાગતું હતું પણ પ્રોફેસરોએ મને બચાવ્યો હતો અને આ લોકોને રવાના કરી દીધા હતાં. આ બનાવ અંગે ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.