back to top
Homeગુજરાતભાંડો ફૂટ્યો:વોર્ડ પ્રમુખ બનવા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મના દાખલામાં ચેડાં કરી...

ભાંડો ફૂટ્યો:વોર્ડ પ્રમુખ બનવા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મના દાખલામાં ચેડાં કરી 6 વર્ષ ઉંમર નાની બતાવી

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને નવા સંગઠનની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં શહેરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉંમર 6 વર્ષ નાની બતાવવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મ તારીખમાં ચેડાં કર્યા હતા. આ મામલો જાહેર થતાં માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત શરૂ કરવામાં આવ્યાના નિર્દેશો મળી રહ્યા છે. વોર્ડ પ્રમુખ માટે ભાજપે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે અને ખાસ કિસ્સામાં મહત્તમ 45 વર્ષની વય નિશ્ચિત કરાઇ છે. રાજકોટ સહિત રાજ્યભરમાં વોર્ડ પ્રમુખ માટે ફોર્મ ભરાઇ ચૂક્યા છે અને નજીકના દિવસોમાં વોર્ડ પ્રમુખની જાહેરાત થવાની છે. શહેરના વોર્ડ નં.14માં પ્રમુખ બનવા માટે રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ ફોર્મ ભર્યું હતું અને ફોર્મની સાથે જન્મના પુરાવા રૂપે દસ્તાવેજો રજૂ કરવાના હતા તેમાં જન્મના દાખલાની ઝેરોક્સ કોપી તથા આધારકાર્ડ ફોર્મની સાથે સામેલ કર્યું હતું. વિપુલ માખેલાની ઉંમર 50 વર્ષની છે, છતાં તેણે વોર્ડના પ્રમુખ પદ માટે દાવેદારી કરતાં પક્ષના જ કોઇ જાગૃત નાગરિકે પત્ર લખી જાણ કરતાં શહેર ભાજપમાં હડકંપ મચી ગઇ હતી. રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણીએ વિપુલ માખેલાને બોલાવી જન્મનો સાચો દાખલો રજૂ કરાવતાં ભાંડો ફૂટી ગયો હતો. વિપુલ માખેલાનો જન્મ વર્ષ 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું. આ મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે અને વિપુલને પક્ષમાંથી સસ્પેન્ડ કરાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. નોંધણી ક્રમાંકમાં માત્ર વર્ષ બદલ્યું બાકીના 11 આંકડા યથાવત્ રાખ્યા
પોલીસની ભાષામાં કહીએ તો ગમે તેવો શાતીર દિમાગવાળો ગુનેગાર પણ એક પુરાવો તો હંમેશા છોડી જતો હોય છે. ભાજપના બક્ષીપંચ મોરચાના રાજકોટ હોદ્ેદાર માખેલાએ પણ નકલી જન્મનું પ્રમાણપત્ર વોર્ડ પ્રમુખ બનવા માટે રજૂ કર્યું તેમાં એક પુરાવો રાખી દીધો હતો. જે નવું પ્રમાણપત્ર કાઢ્યું તેમાં નોંધણી ક્રમાંક 1974ની જગ્યાએ 1980 તો કરી નાખ્યું પરંતુ તેની પાછળના જે 11 આંકડા હતા તે યથાવત રાખી મોટી ભૂલ કરી. આ રીતે ભાંડો ફૂટ્યો: નામ વગરની અરજીમાં કોર્પોરેટર જલુ સામે પણ આક્ષેપ કરાયા
વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉંમર નાની બતાવવા દસ્તાવેજમાં ચેડાં કર્યા છે તેવી કોઇ જાગૃત નાગરિકે ભાજપ કાર્યાલયમાં અરજી પહોંચાડી હતી અને તેના આધારે વિપુલના કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. નામ વગર લખાયેલી આ અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વિપુલને વોર્ડ પ્રમુખ બનાવવા માટે વોર્ડ નં.14ના કોર્પોરેટર નિલેશ જલુ અને વિપુલના મિત્ર વોર્ડ નં.7ના પ્રભારી શૈલેષે મળી આ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. ચૂંટણી નિરિક્ષક કોડનાણીએ હાપલિયાનો પણ ખુલાસો પુછ્યો હતો. મિત્રતાના દાવે સાથે ગયો હતો, ચેડાં બાબતે જાણ નથી પરંતુ તે 45 વર્ષથી વધુ વયનો છે: હાપલિયા
વિપુલ માખેલાના નકલી ડોક્યુમેન્ટમાં શૈલેષ હાપલિયાની પણ વરવી ભૂમિકા હોવાના આક્ષેપ થતાં ચૂંટણી નિરીક્ષક માયાબેન કોડનાણીએ શૈલેષ હાપલિયાની પૃચ્છા કરી હતી. શૈલેષ હાપલિયાએ દિવ્ય ભાસ્કર સમક્ષ કહ્યું હતું કે, વિપુલ માખેલા તેનો વર્ષો જૂનો મિત્ર છે. વિપુલે ફોર્મ ભર્યું ત્યારે તેની સાથે પણ રહ્યો હતો. જોકે તેણે ઉંમર અંગેના દસ્તાવેજમાં ચેડાં કર્યા અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું, પરંતુ વિપુલ માખેલા મિત્ર છે તો તેની સાચી ઉંમર કેટલી છે તેવા સવાલ સામે હાપલિયાએ કહ્યું હતું કે, વિપુલ 45 વર્ષથી વધુ વયનો છે તે બાબત નિશ્ચિત છે. પ્રદેશ નેતાગીરીને જાણ કરાઇ છે, કાર્યવાહી થશે: શહેર પ્રમુખ દોશી
શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા રજૂ કરેલા જન્મના દાખલામાં ચેડાં કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણીએ આ બાબતે પ્રદેશની નેતાગીરીને જાણ કરી છે. પાર્ટીમાં નિયમાનુસાર કાર્યવાહી થાય અને તંદુરસ્ત હરીફાઇ થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી છે. આ સંજોગોમાં પાર્ટી સાથે જ વિશ્વાસઘાત કરવાનું કૃત્ય અયોગ્ય છે અને પક્ષની ટોચની નેતાગીરી આ બાબતે નિર્ણય કરીને યોગ્ય પગલાં ભરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments