કેનેડાના ડેપ્યુટી PM અને નાણા મંત્રી ક્રિસ્ટિયાએ સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ક્રિસ્ટિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા શુક્રવારે તેમને નાણાંમંત્રીનુ પદ છોડીને અન્ય મંત્રાલયની જવાબદારી સંભાળવા કહ્યું હતું. આનાથી નારાજ ક્રિસ્ટિયાએ કેબિનેટમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે લખ્યું કે છેલ્લા કેટલાક સમયથી ટ્રુડો અને તેઓ નિર્ણયો પર સહમત ન હતા. ક્રિસ્ટિયા લાંબા સમયથી ટ્રુડોના સૌથી પ્રભાવશાળી અને ઈમાનદાર મંત્રી માનવામાં આવે છે. હાલમાં, ક્રિસ્ટિયાએ ટ્રુડો દ્વારા નાગરિકોને મફતમાં 15,000 રૂપિયા આપવા સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડા અમેરિકામાં નિકાસ પર ટેરિફની ધમકીનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વધારે ખર્ચ કરવાથી બચવું જોઈએ. ક્રિસ્ટિયા અમેરિકા સાથેના સંબંધો અંગેની સમિતિના અધ્યક્ષ હતા નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ યુએસ સંબંધો પરની કેબિનેટ સમિતિના અધ્યક્ષ પણ હતા. આ સમિતિ અમેરિકાના સંબંધો સુધારવા અને મામલાઓને ઉકેલવા માટે કામ કરે છે. ક્રિસ્ટિયા ગઈકાલે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકી અંગે નિવેદન આપવાના હતા. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને ધમકી આપી છે કે જો તેઓ માઈગ્રન્ટ્સ અને ડ્રગ્સની દાણચોરી બંધ નહીં કરે તો યુએસ તેમના પર 25% ટેરિફ લાદશે. તેના નિવેદનમાં, ક્રિસ્ટીઆ કેનેડાને ટેરિફથી સુરક્ષિત રાખવાની રીતો વિશે માહિતી આપવાના હતા. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિતા આનંદે પણ ક્રિસ્ટિયાના રાજીનામા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ સમાચાર ચોંકાવનારા છે. મંત્રી આનંદે હાલમાં આ બાબતે કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે પહેલા આખો મામલો સમજવાની જરૂર છે. કેનેડાના મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોલીવરે જણાવ્યું હતું કે ટ્રુડોએ સરકાર પરથી નિયંત્રણ ગુમાવ્યું છે. તેઓ સત્તામાં રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પિયરે કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાની ધમકીના સમયે દેશ નબળો પડી ગયો છે. આવતા વર્ષે કેનેડામાં ચૂંટણી યોજાવાની છે કેનેડામાં 2025માં વડાપ્રધાન પદ માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓ ઓક્ટોબર પહેલા યોજવામાં આવશે. વડાપ્રધાન ટ્રુડોએ કહ્યું કે તેઓ આગામી ચૂંટણી લડવા માટે લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવાની યોજના ધરાવે છે. જો કે, પાર્ટીના ઘણા નેતાઓ ટ્રુડોને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરતા નથી. ટ્રુડો ચોથી વખત વડાપ્રધાન પદનો દાવો કરી રહ્યા છે. છેલ્લા 100 વર્ષમાં કેનેડામાં કોઈ પણ વડાપ્રધાન સતત ચાર વખત ચૂંટણી જીત્યા નથી. ટ્રુડોની લિબરલ પાર્ટી પાસે પોતાના દમ પર સંસદમાં બહુમતી નથી. ટ્રુડો 2015માં પ્રથમ વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તેઓ એક ઉદારવાદી નેતા તરીકે પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા હતા. જો કે, છેલ્લા કેટલાક સમયથી ટ્રુડો કેનેડામાં કટ્ટરવાદી દળોનો વધારો, ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અને કોવિડ-19 પછી સર્જાયેલી પરિસ્થિતિને કારણે રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે.