રશિયાના ન્યુક્લિયર ચીફ ઇગોર કિરિલોવની મંગારે એક બ્લાસ્ટમાં મોત થઈ ગઈ છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે જનરલ કિરિલોવ અપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા તે સમયે નજીકમાં જ પાર્ક સ્કૂટરમાં બ્લાસ્ટ થઈ ગયો. જેમાં કિરિલોવ સાથે-સાથે તેમનો આસિસ્ટન્ટ પણ મૃત્યુ પામ્યો છે. કિરિલોવને એપ્રિલ 2017માં ન્યુક્લિયર ફોર્સેસના ચીફ બનાવવામાં આવ્યા હતા. તેઓ રશિયાના રેડિએશન, કેમિકલ અને જૈવિક હથિયાર જેવા વિભાગોના ચીફ રહી ચૂક્યા હતા. કીવ ઇન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ પ્રમાણે કિરિલોવ પર ગઈકાલે એટલે સોમવારે યુક્રેનની સિક્યોરિટી સર્વિસે યુદ્ધમાં પ્રતિબંધિત કેમિકલ હથિયારના ઉપયોગ કરવાના આરોપમાં દોષી માનીને સજા ફટકારી હતી. યુક્રેન યુદ્ધમાં ભૂમિકાને લઇને ઓક્ટોબરમાં બ્રિટન અને કેનેડાએ તેના ઉપર પ્રતિબંધ લગાવ્યા હતા. રશિયાની તપાસ એજન્સીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે કિરિલોવની હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ માટે 200 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કિરિલોવના મૃત્યુ બાદ રશિયન સાંસદના ડેપ્યુટી સ્પીકરે કહ્યું છે કે તેમની હત્યાનો બદલો લેવામાં આવશે. યુક્રેન પર ડર્ટી બોમ્બ બનાવવાનો આરોપ હતો ઇગોર કિરિલોવે ઓક્ટોબર 2024માં યુક્રેન પર અમેરિકાની મદદથી ડર્ટી બોમ્બ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ડર્ટી બોમ્બ બનાવવામાં રેડિયોએક્ટિવ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને બનાવવાની કિંમત પણ ઓછી છે. આ સિવાય 2018માં તેમણે અમેરિકા પર રશિયા અને ચીન બોર્ડર પાસે જ્યોર્જિયામાં ગુપ્ત બાયોલોજિકલ વેપન્સ લેબોરેટરી ચલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. બીજી બાજુ, યુક્રેન સિક્યોરિટી સર્વિસિસ (એસબીયુ) એ પણ કિરિલોવ પર તેમના નેતૃત્વ દરમિયાન લગભગ 5,000 વખત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.