રાજકોટ વિધાનસભા 69 (પશ્ચિમ) મત વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાનો આક્ષેપ ધારાસભ્ય ડો. દર્શિતા શાહે કર્યો હતો અને આ મામલે સંવેદનશીલ વિસ્તારોના લોકો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. એ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હવે આ તપાસમાં પોલીસે ઝંપલાવ્યું છે. વોર્ડ નંબર 2ના સુભાષનગર અને ધ્રુવનગર વિસ્તારમાં લગભગ 10 જેટલાં ઘરોમાં લઘુમતી સમાજના લોકો રહેતા હોવાની વિસ્તારવાસીઓની ફરિયાદના આધારે રાજકોટ મામલતદાર દ્વારા યાદી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશનને આ યાદી મોકલી તપાસ કરવા જાણ કરવામાં આવી હતી, જેના આધારે આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ આ તમામ મકાન ખાતે પૂછપરછ અને તપાસ કરવા પહોંચ્યો હતો, જોકે કેટલાંક ઘરોમાં તાળાં લાગેલાં જોવા મળ્યાં હતાં, એટલે કે આ લોકોને અગાઉથી પોલીસ ચેકિંગની જાણ થઇ ગઇ હતી કે કેમ? એ સૌથી મોટો સવાલ છે. કલેક્ટરના આદેશ બાદ પોલીસનું ચેકિંગ
રાજકોટ પશ્ચિમ વિધાનસભાનાં ધારાસભ્ય ડો. દર્શિતા શાહ દ્વારા વોર્ડ નં.2ના રહેવાસીઓને સાથે રાખી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમને આક્ષેપ કરતાં રજૂઆત કરી હતી કે વોર્ડ નંબર 2માં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આ વિસ્તારમાં યોગ્ય અમલવારી થતી નથી. આ માટે યોગ્ય કાર્યવાહી કરી ચુસ્ત અમલવારી કરાવવામાં આવે. આ આક્ષેપ સાથેની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. કલેક્ટર દ્વારા વિસ્તારવાસીઓની રજૂઆતના આધારે કઈ જગ્યાએ અશાંત ધારાનો ભંગ થયો છે એની માહિતી મગાવવામાં આવી હતી. આ યાદી મામલતદાર દ્વારા ગાંધીગ્રામ પોલીસને આપી એમાં તપાસ કરવા જાણ કરી હતી. બે વિસ્તારનાં બે મકાનમાં તાળાં મારેલાં સામે આવ્યાં
રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 2માં સુભાષનગર અને ધ્રુવનગર વિસ્તારમાં અશાંત ધારાની અમલવારી ન થતી હોવાની માહિતી મળી હતી, જેમાં હિન્દુઓના મકાનમાં લઘુમતી સમાજના લોકો ભાડે રહેતા હોવાની પણ માહિતી મળી હતી, જેમાં કોઈ ભાડા કરાર કરવામાં આવ્યા છે કે કેમ? અશાંત ધારાનો ભંગ થયો છે કે કેમ? અને જો થયો હોય તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આજે જ્યારે પ્રથમ સુભાષનગર શેરી નંબર 12 ખાતે પોલીસની ટીમ પહોંચી તો મકાનમાં તાળું મારેલું જોવા મળ્યું હતું. એ બાદ આગળ ધ્રુવનગર વિસ્તારમાં તપાસ કરતાં ત્યાં પણ એક મકાનમાં તાળું જોવા મળ્યું હતું, એટલે કે આ લોકોને અગાઉથી પોલીસ ચેકિંગની જાણ થઇ ગઇ હતી કે કેમ? એ સૌથી મોટો સવાલ છે. હિન્દુઓના નામે લઘુધુમતી સમાજના લોકો રહેતાની ફરિયાદ
ધારાસભ્યની ફરિયાદના પગલે સિટી પ્રાંત-1 અધિકારી ડો. ચાંદની પરમાર દ્વારા આ પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નં.2માં હિન્દુઓના નામે દસ્તાવેજ કરી લઘુમતી સમાજના સદસ્યો વસવાટ કરી રહ્યાની ફરિયાદમાં 12 જેટલા આસામીઓને પ્રાંત-1 કચેરી ખાતે રૂબરૂ બોલાવી તેમની સુનાવણી કરી નિવેદન નોંધવામાં આવ્યાં હતાં, જેમાં અમુક દસ્તાવેજો રદ થવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. અશાંત ધારાની ચુસ્ત અમલવારીને લઈ સવાલો
ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના તમામ ધારાસભ્યો દ્વારા અશાંત ધારામાં વધુ વિસ્તારોને આવરી લેવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ સંકલનની બેઠકમાં પણ આ અશાંત ધારાનો મામલો ઊઠ્યો હતો. ત્યારે અશાંત ધારા અંગે રજૂઆતના પગલે તંત્ર ચુસ્ત અમલવારી કરાવી શકશે કે કેમ? એ જોવું મહત્ત્વનું રહેશે. પોલીસે ત્રણ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો
રાજકોટ શહેરમાં અશાંત ધારા ભંગને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસને લઇ પશ્ચિમ વિસ્તારના ACP રાધિકા ભારાઈએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે અલગ અલગ વિસ્તારમાં અશાંત ધારાને લઈને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિસ્તારવાસીઓની રજૂઆત બાદ આજે અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 13 મકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એમાં પોલીસ કમિશનરના જાહેરનામાં ભંગ બદલ ત્રણ મકાનમાલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુભાષનગર, શ્રીજીનગર, અલકાપુરી વીમા નગરમાં ચેકિંગ કરતા તારીખ નૂરદીન હિમાની, ફિરદૌસ સબીર શેખ અને શૈલેષ અરજણ પટેલ સામે જાહેરનામા ભંગ કરવાનો ગુનો નોંધાયો છે.