સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમર અને મસ્કતી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ઓછા ખર્ચે સારવાર થઈ જાય તેના માટે અહીં આવીને મેડિકલ તપાસ કરાવી લેતા હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હોસ્પિટલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ કેટલીક ગંભીર બેદરકારી સામે આવી રહી છે. સૌથી વધુ જરૂરિયાતની દવાઓની ઘટ
સુરત મહાનગરપાલિકા સંચાલિત અને મસ્કતી હોસ્પિટલમાં 700 જેટલી દવાઓની ઘટ હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને ડાયાબિટીસ અને પ્રેશરની દવાઓની ઘટ જોવા મળી રહી છે. જે સૌથી વધુ આજે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જોવા મળે છે. RMO તરફથી સ્મીમેરના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને દવાની ઘટની અપડેટ આપવામાં ખાનગી મેડિકલ સ્ટોરને લાભ કરાવવાની પણ બેઠકમાં ફરિયાદ ઊભી થઈ છે. પથરીના દર્દીઓને મુશ્કેલી
સ્વચ્છતા પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ડ્રેનેજ લીકેજને કારણે ઇમર્જન્સી એકઝીટના તમામ દાદારો કાટ ખાઈ ગયા છે. ટોયલેટ બ્લોક ઉભરાય છે, અને સ્વચ્છતામાં ઘોર બેદરકારી દેખાઈ આવી છે. હોસ્પિટલોના બેડની આસપાસ પણ ગંદકી જોવા મળતી હોય છે. દૂરબીનથી પથરીનું ઓપરેશન 10 દિવસથી બંધ છે. ત્યાંના સિનિયર RMOને આ બાબતની જાણ પણ નથી. દર્દીઓ અસહ્ય દુખાવો થતો હોય છે ત્યારે હોસ્પિટલમાં આવે છે, પરંતુ અહીં તો સારવાર માટે કોઈ વ્યવસ્થા જ નથી. કોઈપણ હેલ્થ સેન્ટરોમાં મોટાભાગના ડૉક્ટરો પેશન્ટને હાથ લગાડ્યા વગર કે સ્થેટોસ્કોપ લગાડ્યા વગર જ તપાસ કરતા હોવાની ફરિયાદ હોસ્પિટલ સમિતિની બેઠકમાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.