રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જીગ્નેશ દેસાઈએ રૂપિયા 2 કરોડની ઉચાપતના ગુનામાં ભરેલ સી-સમરી કોર્ટે રદ કરી છે. ફરિયાદીએ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી હતી જેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપઈ હતી. જો કે, આમ છતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ દેસાઈએ સી-સમરીનો રીપોર્ટ રજૂ કરી દીધો હતો તેવી દલીલ થતા કોર્ટે સી-સમરી રિપોર્ટ રદ કરી ફેર તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવા આદેશ કર્યો છે. ફરિયાદી વજેશભાઈ પરસોતમભાઈ ગઢીયાનાની માલીકીની રૂષિ એન્ટરપ્રાઈઝ પેઢીનું એકાઉન્ટ સંભાળતા કર્મચારી બાલકૃષ્ણ પ્રવિણભાઈ ગઢીયાએ અંદાજે રૂ.2 કરોડ ખોટી રીતે ઉધારી ઓળવી જતા અને છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનું જણાતા માલવીયા નગર પાલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-409, 420 મુજબની ફોજદારી ફરિયાદ બાલકૃષ્ણ ગઢીયા સામે નોંધાવેલી હતી. જેની તપાસ માલવીયાનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી અને તપાસના અંતે પીઆઇ જે.આર. દેસાઈએ અદાલત સમક્ષ એવો રીપોર્ટ કરેલ કે, આરોપી બાલકૃષ્ણ બેંક એકાઉન્ટની સરકારી નિમણુંક પામેલ સી.એ. દ્વારા ખરાઈ કરતાં તેની રવિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી સને 2017 થી 2022 દરમિયાન કટકે કટકે રૂ. 40 લાખથી 45 લાખ જમા થયેલા છે. આરોપી બાલકૃષ્ણ ઉર્ફે બાલાને તેના અંગત કામ સબબ રૂપિયાની જરૂરીયાત હોય જેથી તેના પિતાએ જરૂરીયાત મુજબ રૂપિયા આપેલા અને રૂપિયાની સગવડ થઈ જતાં તેના પિતાના કહેવા મુજબ તેના પિતાના બેંક ખાતામાં તથા તેના ભાઈ કલ્પેશ અને પત્ની હિનાબેનના બેંક ખાતામાંથી આ રૂપિયા પરત આપી દીધેલ છે, જેથી આ ઉચાપતનો કેસ નથી તેમ જણાવી સી-સમરીનો રીપોર્ટ અદાલત સમક્ષ રજુ કરેલો હતો. જેથી ફરીયાદીએ તેમના એડવોકેટ અર્જુન પટેલ મારફતે સી-સમરી મંજુર થવા સામે લેખિત વાંધા રજુ કરી મૌખિક દલીલો કરેલી હતી. અદાલત સમક્ષ આ ઉચાપતનો કેસ હોવાનું જણાવેલું હતું અને ખોટા હેડીંગ દર્શાવી પોતાના ખાતામાં રકમો ટ્રાન્સફર કરે છે તે હકીકત પાઈમાફેસી ઉચાપત દર્શાવે છે. 135 જેટલી શંકાસ્પદ એન્ટ્રીઓ જણાયેલી અને નાણાં આરોપીની પેઢીમાં તેના ભાઈ પંકજ ગઢીયાની પેઢીમાં તેના કર્મચારીઓ સાગર ચાંગાણી અને મયુર ગજેરાના ખાતામાં તેમજ હિતેષ રાબડીયાના ખાતામાં અને બી. પટેલ એન્ડ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થયેલાનું જણાયેલું જે નાણાં શા માટે ટ્રાન્સફર થયેલા છે તેનું કોઈ ઈન્વેસ્ટીગેશન પોલીસે કરેલું નથી. અગાઉ પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેમાં તપાસ ક્રાઇમ બ્રાંચ પી.આઈ.ને સોંપવાનો હુકમ કરેલ તેમ છતાં પીઆઇ દેસાઈએ સી-સમરીનો રીપોર્ટ અદાલતમાં રજૂ કરેલો છે. દલીલના અંતે કોર્ટે દલીલો ધ્યાને લઈ સી-સમરી રિપોર્ટ નામંજુર કરી આ ગુનાની તપાસ ફરીથી ક્રાઈમ બ્રાંચને કરવા માટે આદેશ કરેલ છે. આ કેસમાં ફરીયાદી વતી ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા તથા જતીન ડી. પાંભર રોકાયેલ હતા.