ભાજપા દ્વારા મહાનગરોના વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખોની પસંદગી માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પગલે સુસવાટા મારતી ઠંડીમાં ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે સાવલી તાલુકા પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પ્રમુખ પદના એક દાવેદારનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાંક હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે નિરીક્ષકોના ટેબલો ઉપર પડેલી ફાઈલો ઉછાળવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે આજે સાવલી તાલુકા પ્રમુખ પદ માટે નિરીક્ષકો અમીત ચૌધરી, જયદીપસિંહ ઠાકોર, સ્થાનિક મહેશભાઇ દાજી અને નટુભાઇ સોલંકીની ટીમ દ્વારા સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદના દાવેદારો તેમજ તાલુકાના બુથ પ્રમુખો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાવલી તાલુકા પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો સુરપાલસિંહ, વિવેક પંડ્યા, ભરત ભોઇ અને પિનલ પટેલે ફોર્મ ભર્યા હતા. આ ચાર દાવેદારો પૈકી ક્ષત્રિય સમાજમાંથી આવતા સુરપાલસિંહનું ફોર્મ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલી ઉંમર કરતાં વધુ ઉંમર, સંગઠનમાં નિષ્ક્રિય જેવા કારણોસર રિજેક્ટ કરવામાં આવતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાંક હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપાની આ ખોટી સિસ્ટમ હોવાનું જણાવી ભારે હોબાળો મચાવી મુક્યો હતો. કેટલાક કાર્યકરો દ્વારા ફાઈલોના છૂટા ઘા પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળ્યા મુજબ પ્રદેશ દ્વારા સાવલી તાલુકાના પ્રમુખનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે તે દાવેદાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિકટના હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ચાર દાવેદારોમાંથી એકનું ફોર્મ રદ થતાં હવે જિલ્લા કિશાન મોરચા મહામંત્રી પિનલ પટેલ, સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર અને યુવા મોરચા કાર્યાલય મંત્રી વિવેક પંડ્યા અને સદસ્યતા સભ્ય અભિયાનના ઇન્ચાર્જ ભરત ભોઇ મેદાનમાં છે. મળેલી માહિતી પ્રમાણે બુથ પ્રમુખો ચુપચાપ બેસી રહ્યા હતા. પરંતુ, કેટલાક હોદ્દેદારોએ ક્ષત્રીયોનું પક્ષમાં કોઇ મહત્વ નથી તેવો બળાપો પણ ઠાલવ્યો હતો અને સેન્સ પ્રક્રિયામાં હાજર રહેલા કેટલાક ક્ષત્રિયો સાથે સેન્સ પ્રક્રિયા હોલમાંથી બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળ્યા મુજબ આજે સાવલીની સાથે ડેસર તાલુકા પ્રમુખ પદ માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડેસર તાલુકાના પ્રમુખ પદ માટે ત્રણ કાર્યકરોએ ફોર્મ ભર્યા છે. આ બે તાલુકાના પ્રમુખ પદના સેન્સ લેવાની પ્રક્રિયામાં સાવલી તાલુકા પ્રમુખ પદની સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસના આયાતી કાર્યકરોએ હોબાળો મચાવતાં તાલુકા ભાજપામાં ચકચાર મચી ગઇ છે. આ હોબાળાની પ્રદેશ સુધી નોંધ લેવાઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના વોર્ડ નંબર 2 ના પ્રમુખ પદના દાવેદારના નામ અંગે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હોદ્દેદારે ભાજપાના સિનીયર મહિલા હોદ્દેદાર સાથે કરેલા ગેરવર્તણૂકે પણ ભાજપામાં ચકચાર જગાવી મૂકી છે. નોંધનીય છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરો ભાજપા માટે જોખમરૂપ બની રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.