ગત તારીખ 5ની મોડી રાત્રે ઝાંઝરડા રોડ પર પૈસાની લેતી દેતી મામલે પૈસાની ઉઘરાણી મામલે હુમલો થયાની ઘટના બની હતી. જેમાં નાણાં લેનાર શખ્શે કાતર અને અસ્ત્રા વડે હુમલો કરી ઉઘરાણી કરવા આવેલ યુવકને ઇજાગ્રસ્ત કર્યો હતો. લોહી લોહાણ હાલતમાં યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને યુવકની હત્યાની કોશિશ કરતા બી ડિવિઝન પોલીસે રોહિત મૂડાસિયાની ફરિયાદ લઈ હિરેન,તેના માતા પિતા કિરીટ જોટંગીયા અને હિરેનની પત્ની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ કરી હતી. જે મામલે હુમલો કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરી જે હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ફરિયાદી રોહિતના મિત્ર મિહિર શરણભાઈ ભરડવાનું 12 દિવસની સારવાર બાદ મોત થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ નયન સોસાયટીમાં રહેતા રોહિત હમીર મૂળિયાસીયાએ સલૂન ની દુકાન ધરાવતા હિરેન કિરીટ જોટંગીયાને તેની પત્નીની સારવાર માટે દોઢેક વર્ષ પહેલા રૂપિયા 20,000 હાથ ઉછીના આપ્યા હતા.ત્યારે આ રાત્રે ઝાંઝરડા રોડ પર હિરેન નીકળતા રોહિતે નાણાને માગણી કરતા ગાળો કાઢી મોબાઈલ રોહિતને આપી ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ રોહિત અને તેનો મિત્ર મિહિર સરમણ ભરડવા હિરેનનો મોબાઈલ પાછો આપવા હિરેનના ઘરે જતા જ્યા તેની માતા, પત્ની અને હિરેન ઉભા હતા. તે સમયે હિરેને કાતર અને અસ્ત્રા વડે મિહિર અને રોહિત પર ખૂની હુમલો કર્યો હતો. મિહિર ને બચાવવા રોહિત વચ્ચે પડતા તેના ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. દરમિયાન હિરેનના પિતાએ પથ્થર ફેંકી હુમલો કર્યો હતો. આ સમયે રોહિતનો ભાઈ રાજુ આવી જતા ગંભીર ઇજા પામેલા મિહિરને કારમાં હોસિ્પટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બી ડિવિઝન પોલીસે ઘટના અંગે રોહિત હમીરભાઇની ફરિયાદ લઈ હિરેન તેની પત્ની ,અને માતા-પિતા સામે ગુનો નોંધ્યો હતો. તેમજ હિરેન કિરીટભાઇ જોટંગીયાએ રોહિત હમીરભાઇ મૂળીયાસિયા, રાજુ હમીરભાઈ મૂળીયાસિયા અને મિહિર પ્રજાપતી સામે પણ વળતી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર હિરેને નવી સલૂનની દુકાન બનાવવા માટે રોહિત અને રાજુ પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા 20,000 લીધા, હતા. જેમાં રૂપિયા 200-200ના 30 હપ્તા વ્યાજ સહિત ચૂકવી આપ્યા હતા અને બાકીના રૂપિયા આર્થિક સંકડામણ ને લીધે ન ચૂકવી શકતા ત્રણેય શખ્સ મૂળ રકમ અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે ગઈકાલે બાર દિવસ બાદ ફરિયાદી રોહિતના મિત્ર મિહિરનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે 5 ડિસેમ્બર 2024 ના રાત્રિના ઝાંઝરડા રોડ પર એક મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી રોહિત હમીરભાઇ મૂડાસિયાએ ગુનો દાખલ કરાવ્યો હતો જેમાં હુમલો કરનાર હિરેન કિરીટ જોટંગીયા, કિરીટ જોટંગીયા અને હિરેન જોટંગીયાના પત્ની, તેમજ હિરેન જોટંગીયાની માતા મળી ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રોહિત મુડાસીયા એ દોઢથી બે વર્ષ પહેલાં હિરેન જોટંગીયા ની પત્નીની સારવાર માટે 20,000 રૂપિયા હિરેનને ઉછીના આપ્યા હતા. તેની ઉઘરાણી કરવા જતા હિરેન જોટંગીયા તેના માતા-પિતા અને હિરેનની પત્નીએ રોહિત પર કાતર અને અસ્ત્રા વડે હુમલો કર્યો હતો. જેમાં રોહિત અને મિત્ર મિહિર ભરડવા પર આ પરિવારે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મિહિરને માથામાં,કાનના ભાગે, અને પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. જેને લઇ મિહિર સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ વધારે સારવારની જરૂર પડતા મિહિરને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે રાત્રિના સમયે સારવાર દરમિયાન મિહિરનું મૃત્યુ નીપજ્યું હતું. અગાઉ માથાકૂટ સમયે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જોટંગીયા પરિવારના હિરેન તેની પત્ની માતા અને પિતા કિરીટ જોટંગીયા વિરુદ્ધ ખૂનની કોશિશ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત મિહિરનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે જોટંગીયા પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે. તેમજ તમામ આરોપીઓને જેલમાંથી લાવી તેના વિરુદ્ધના વધુ પુરાવાઓ મેળવી પરિવારને ન્યાય મળે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી સંપૂર્ણ કામગીરી કરી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. હાલ આ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.