આજે બુધવારે સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ છે. ગઈકાલે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણ સાથે બંધારણ પરની ચર્ચા પૂર્ણ થઈ હતી. તેમણે કહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં બંધારણને લહેરાવીને જૂઠું બોલીને જનાદેશ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંધારણ લહેરાવાનો નહી, પરંતુ વિશ્વાસ અને શ્રદ્ધાનો વિષય છે. એક દેશ, એક ચૂંટણી માટે 129મો બંધારણ સંશોધન બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે તેને ગૃહમાં રજૂ કર્યુ હતું. અમિત શાહે ગૃહમાં કહ્યું કે જ્યારે બિલ કેબિનેટમાં આવ્યું ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે તેને જેપીસીમાં મોકલવામાં આવે. કાયદા મંત્રી આવો પ્રસ્તાવ મુકી શકે છે. સંસદની સામાન્ય કામગીરી આજથી 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આજે લોકસભા અને રાજ્યસભામાં બે-બે બિલ ચર્ચા માટે રજુ કરવામાં આવશે. લોકસભામાં, જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ નૂર પરિવહન સંબંધિત ‘ધ બિલ્સ ઑફ લેડિંગ બિલ, 2024’ રજૂ કરશે અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી ગૃહ સમક્ષ ‘ધ ઓઇલફિલ્ડ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એમેન્ડમેન્ટ બિલ, 2024’ રજૂ કરશે. બીજી તરફ, રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ‘ધ બેંકિંગ લો (એમેન્ડમેન્ટ) બિલ, 2024’ પસાર કરવાનો પ્રસ્તાવ મૂકશે. તેમજ, ગૃહમંત્રી અમિત શાહ ‘ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2024’ ગૃહમાં વિચારણા માટે મૂકશે. આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે.