back to top
Homeગુજરાતમાતાના મઢે જતી બસ પલટી, નવ ઇજાગ્રસ્ત:ગાંધીનગરથી નીકળેલી લક્ઝરી હળવદ નજીક પહોંચીને...

માતાના મઢે જતી બસ પલટી, નવ ઇજાગ્રસ્ત:ગાંધીનગરથી નીકળેલી લક્ઝરી હળવદ નજીક પહોંચીને અચાનક નીલગાય આડે આવી, બસમાં સવાર 56માંથી ઈજાગ્રસ્તોને મોરબી સિવિલે ખસેડાયા

ગાંધીનગરના પોર ગામથી 56 જેટલા લોકો કચ્છ, ભુજ, અંજાર અને માતાના મઢ જઈ રહ્યા હતા. જે મોરબી જિલ્લાના માળિયા-અમદાવાદ હાઇવે રોડ ઉપરથી રાતના સમયે નીલગાય આડી આવતા અકસ્માત સર્જાયો હતો અને બસ પલટી મારી જતાં બસમાં બેઠલા 56 પૈકીનાં 9 લોકોને ઈજા થઈ હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી અને એક ઇજાગ્રસ્તને રાજકોટ લઈ જવામાં આવ્યા છે. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસેથી પસાર થતાં અમદાવાદ માળીયા હાઇવે રોડ ઉપરથી ગાંધીનગર પાસે આવેલા પોર ગામના લોકો ખાનગી લક્ઝરી બસમાં બેસીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેથી કરીને કચ્છમાં માતાના મઢ દર્શન કરીને કચ્છ, ભુજ અને અંજાર ફરવા માટે જઈ રહેલા ગાંધીનગરના પોર ગામના એક જ કુટુંબના લોકોને અકસ્માત નડ્યો હતો અને આ બનાવમાં મહિલાઓ તેમજ વૃધ્ધો સહિતના કુલ મળીને 56 લોકો બેઠેલા હતા. જેમાંથી 9 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. હાલમાં હોસ્પિટલેથી મળી રહેલ માહિતી મુજબ જે બસ પલટી મારી હતી તે બસમાં 56 જેટલા મુસાફરો બેઠેલા હતા. જેમાંથી 9 જેટલા વ્યક્તિઓને ઇજા થઈ છે. તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. જેમાં દિવાબેન અમરાજભાઈ (65), બાબુભાઇ મારુભાઈ (60), શરદાદેવી ઠાકુર (60), મંગુબેન શિવજીભાઈ (60), રહીબેન ચતુરભાઈ (57), ફૂલીબેન લાલજીભાઈ (55), બાજાજી સોમજી ઠાકુર (80), રાજેશભાઇ પટેલ (45) અને મંજીબેન પ્રતાપભાઈ (65)નો સમાવેશ થાય છે તથા આ ઇજા પામેલા લોકોમાંથી ફૂલીબેન લાલજીભાઈને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. વધુમાં બસના માલિક અને ઇજાગ્રસ્ત રાજેશભાઇ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરના પોર ગામથી લોકોને લઈને કચ્છ બાજુ જઈ રહ્યા હતા. ત્યારે હળવદ નજીક રસ્તા ઉપર નીલગાય આવવાના લીધે બસને કંટ્રોલ કરવા જતાં તે બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી કરીને અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક મહિલાને વધુ ઇજા થતા તેમના પગમાં ફેક્ચર થયું છે જો કે, અન્ય ઇજાગ્રસ્ત લોકોને નાના મોટી ઇજાઓ થઈ હોવાની વિગતો સામે આવી છે. તો બીજી તરફ ગાંધીનગરથી બીજી બસને બોલાવી તમામને ગાંધીનગર પરત લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments