દેશમાં સૌરઉર્જા થકી વીજ ઉત્પાદનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે. જેનો ફાયદો દેશના લોકો લઈ રહ્યા છે. ત્યારે પાકિસ્તાન બોર્ડરથી 40 કિમીના અંતરે આવેલા સુઈગામના મસાલીને દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બનવાનું બહુમાન મળ્યું છે. અહીં 800ની વસ્તી ધરાવતાં ગામમાં 119 ઘરે રૂફટોપથી 225.5 કિલોવોટ વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે. આ માટે 1 કરોડ 16 લાખનો ખર્ય કરાયો છે. બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ થકી સોલાર વિલેજની પહેલ
રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ માટે કમિટી બનાવવામાં આવી છે. બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે. મોઢેરા બાદ મસાલી રાજ્યનું બીજું સોલાર વિલેજ
કલેક્ટર મિહિર પટેલ જણાવે છે કે, બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે કે, રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ સુઈગામના મસાલીને મળ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 1 કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે, ત્યારે જિલ્લાના આંતરાષ્ટ્રિય સરહદને અડીને આવેલા 17 જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે, જે કામગીરી પ્રગતિ હેઠળ છે. વીજળીની સમસ્યાનો કાયમી અંત
માધપુરા મસાલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું કે, સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. હવે અમને લાઇટબિલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. તેઓ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માને છે. 30 હજારથી લઈ 78 હજાર સુધીની સબસિડી
અહી નોંધનીય છે કે, દેશમાં ‘ગ્રીન અને ક્લીન એનર્જી’ના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ.સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ 1 કિલોવોટથી 2 કિલો વોટ સુધી 30,000 અને 2 કિલો વોટથી 3 કિલો વોટ સુધી રૂ. 1,8000 તથા 3 કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂ.78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. 119 ઘર પર સોલાર રૂફ્ટોપ લગાવાયા
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે. કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફ્ટોપ લગાવવામાં આવ્યા છે. 119 ઘરોમાં 225.5 કિલોવોટ વીજળી ઉત્પાદન
રેવન્યૂ વિભાગ, યુ.જી.વી.સી.એલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો. જેમાં પી.એમ.સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ સી.એસ.આર થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે. ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે પ્રયાસ
રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યૂચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે. જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઊર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દૃષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે.