એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યોરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં ભૂવો બિન્દાસ્ત ICU સુધી પહોંચી જતા સવાલો ઊઠ્યા છે. ICUમાં ભૂવાની વિધિનો વીડિયો વાઈરલ
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ભૂવો અમદાવાદ સિવિલના ICUમાં પહોંચી અહીં સારવાર લઈ રહેલા એક દર્દીની વિધિ કરતો જોવા મળી રહ્યો છે. સિવિલ સિક્યોરિટીના ધજાગરા ઊડ્યા
સિવિલ હોસ્પિટલના વાઇરલ વીડિયોને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત હોસ્પિટલનો દાવો કરતી સિવિલ હોસ્પિટલમાં કડક સુરક્ષા વચ્ચે જ્યાં નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો નથી ત્યાં ભુવાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની અંદર ફોટો વીડિયો લેવા પર મનાઈ કરવામાં આવે છે. ત્યાં આ ભૂવાએ ગેટથી લઈને આઈસીયુ તરફ જતા રસ્તા ઉપર વીડિયો ઉતારીને રીલ બનાવી છે. એટલું જ નહીં આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની બાજુમાં ઊભા રહીને પણ ભૂવાએ રીલ બનાવી છે જેથી સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ સવાલ થઈ રહ્યા છે. દર્દીનો સગો બનીને ભૂવો ICUમાં પહોંચ્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાઇરલ વીડિયો અંગે સુપરિન્ટેન્ડ્ન્ટે કહ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરતા આ વ્યક્તિ દર્દીનો સગો બનીને હોસ્પિટલમાં ગયો હોવાનું માલૂમ પડ્યું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. આઇ.સી.યુ.માં દાખલ દર્દીની સંપૂર્ણપણે સિક્યોરિટી અને ઇન્ફેક્શન ન લાગે તે પ્રમાણે કર્ટેન્સ સાથે ગોપનીયતા રાખવામાં આવે છે. તેનો દૂર ઉપયોગ કરીને આ વ્યક્તિ દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું માનવું છુ. વધુંમાં આ વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યો છે તે ઓલરેડી વેન્ટિલેટર પર છે પરંતુ તે વેન્ટિલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપડાઉન થઇ રહ્યું છે એટલે કે સાજું થઇ રહ્યું છે. એટલે ભૂવા કે અન્ય કોઇ વિધિ, માન્યતા દ્વારા આ દર્દી સંપૂર્ણપણે સાજું થયું છે તે કહેવું અંધશ્રદ્ધાથી ભરેલું છે. દર્દીઓની સારવાર, સુરક્ષા તેમની જિંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે. અને તેનું સંપૂર્ણપણે ધ્યાન સિક્યોરિટી દ્વારા પણ રાખવામાં આવે છે.
પરંતુ હવે દર્દીના સગા બનીને એ કોટ (ખાટલા) સુધી આ વ્યક્તિ પહોંચ્યું છે તો તેવા કિસ્સામાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.
આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઇ તપાસ કરવામાં આવશે.