સાક્ષરભૂમી તરીકે ઓળખાતું નડિયાદ શહેર ‘યોગાસન’ની દુનિયામાં સતત આગળ વધી રહ્યું છે. યોગ એ શરિરના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે અને વ્યક્તિની વિચારવાની શક્તિમાં વધારો કરે છે. નડિયાદની 28 વર્ષીય યુવતીએ સતત 5મી વખત યોગાસનમાં વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. તેણીએ ‘અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન’ સતત 17 મિનિટ 14 સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. નડિયાદમાં કપડવંજ રોડ પર નિર્મલ નગર એ-3માં રહેતી ટવીન્કલ હિતેશભાઈ આચાર્ય હાલ એસ્ટ્રોલોજી એન્ડ યોગ પર રિસર્ચ કરી રહી છે. તેણીએ તાજેતરમાં 2 સપ્ટેમ્બરના રોજ યોગાશ્રમ,ઓમ કારેશ્વર મંદિર ખાતે આસનોમાં કઠિન ગણાતું આસન ‘અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન’ સતત 17 મિનિટ 14 સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. ટવીન્કલે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવતા સ્થાન અપાયું છે. આ અગાઉ પણ ટવીન્કલ આચાર્યએ 27 માર્ચ 2022ના રોજ સંતરામ મંદિર નડિયાદમાં ‘પિંડાસનયુક્ત્તા સર્વાંગઆસન’ સતત 11 મિનિટ સુધી ટકાવી રાખી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 21 જુન 2022ના રોજ ‘મરિચ્યાસના’ માં સતત 9 મિનિટ 15 સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફરીથી સ્થાન મેળવ્યું હતું. આ સાથે 1 જાન્યુઆરી 2023ના રોજ સંતરામ મંદિરમાં પરમ રામદાસજી મહારાજના સાનિધ્યમા આસનોમાં કઠિન ગણાતું ” ‘પ્રણામા ગર્ભ પિંડાસના’ સતત 28 મિનિટ 55 સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. જ્યારે 22 મે 2023ના રોજ સંતરામ મંદિરમાં આસનોમાં કઠિન ગણાતું ‘ભ્રુનાસાના’ સતત 7 મિનિટ કરી ચોથી વાર વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. અને પાંચમી વખત 2 સપ્ટેમ્બર 2024ના રોજ ‘અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન’ સતત 17 મિનિટ 14 સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. આમ યોગાસનમા કુલ 5 રેકોર્ડ ટવીન્કલે પોતાના નામે કરી નડિયાદનુ નામ રોશન કર્યું છે. મહત્વનુ છે કે, ટવીન્કલ યોગ સાથે છેલ્લા 3-4 વર્ષથી જોડાયેલી છે અને ખુબજ ઓછા સમયમાં ગાળામાં 5 રેકોર્ડ બનાવ્યા છે.