રાજકોટ ગ્રીનલેન્ડ ચોક નજીક આવેલ માલધારી સોસાયટીમાં ગૃહકલેશથી કંટાળી ચાર બહેનના એકના એક ભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના પાંચ મહિના પહેલાં જ લગ્ન થયા હોવાનું અને પત્ની માવતરે ગયાં બાદ ગૃહ ક્લેશથી કંટાળી અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોક નજીક ગાર્ડન પરોઠા હાઉસ પાછળ માલધારી સોસાયટી શેરી નં.02માં રહેતા મયુર રમેશભાઈ ચુડાસમા (ઉ.વ.25) નામના યુવાને ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે હતો ત્યારે પોતાના રૂમમાં જઈ ઘઉંમાં નાંખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન તેમની નાની બહેન જોઈ જતાં પરિવારને જાણ કરી હતી અને પરિવારજનોને યુવાને પોતે ઝેરી દવા પી લીધાની જાણ કરી હતી. યુવક ઉલ્ટી કરવાં લાગતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં બી. ડિવિઝન પોલીસ સ્ટાફ આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મયુરે કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમના પિતાના ટ્રાન્સપોર્ટના ધંધામાં મદદ કરતો હોવાનું અને તેમના લગ્ન પાંચ મહિના પૂર્વે રાજકોટના જ મંછાનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયેલ હતાં. 10 દિવસ પહેલાં તેની પત્ની માવતરે ગયાં બાદ બંને વચ્ચે કોઈ અણબનાવ બન્યો હોય જેના કારણે લાગી આવતા તેને અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. ચાર બહેનના એકના એક ભાઈએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.