તારીખ : 16 ડિસેમ્બર, સોમવાર
સમય : સાંજે સાડા છની આસપાસ
સ્થળ : ભરૂચના ઝઘડિયા નજીક શિયાળાની ઠંડક જોર પકડતી હતી. વાતાવરણમાં ગજબનો સન્નાટો હતો. ઝઘડિયાની જીઆઈડીસી અને આસપાસમાં કામ કરતા મજૂરો પોતપોતાના કામે ગયા હતા. એક ઓરડીમાં રહેતા પરિવારની બાળકી એકલી હતી. આસપાસ કોઈ વસ્તી નહીં, કોઈની અવરજવર નહીં. એવામાં ધોળા દિવસે એક ઓરડીમાંથી હેવાન બહાર આવે છે. વિજય પાસવાન એનું નામ. 36 વર્ષના આ મજૂરના મન પર અસુર સવાર હતો. તેની નજરમાં એ દસ વર્ષની બાળકી હતી, જેના પર એક મહિના પહેલાં બળાત્કાર કરી ચૂક્યો હતો. સન્નાટામાં બાળકીનું મોઢું દાબી, પાંચ ફૂટ દીવાલ કૂદીને ઝાડી-ઝાંખરામાં બાળકીના મોઢા પર પથ્થર મારીને અર્ધબેભાન કરી નાંખે છે. પછી એવી હેવાનિયત આચરે છે, એ સાંભળીને ભલભલાનાં રુવાંડાં ઊભાં થઈ જાય. કણસતી બાળકી મમ્મી… મમ્મી…ની બૂમો પાડે એટલી તાકાત આવી ત્યાં સુધીમાં સંધ્યા ઢળી ગઈ હતી. આ આખી ઘટનાનો ચિતાર જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ બુધવારની રાત્રે ભરૂચથી ઝઘડિયા પહોંચી. દિવ્ય ભાસ્કરની ટીમ કારમાં ભરૂચથી ઝઘડિયા તરફ આગળ વધી. એકદમ અંધારું. સૂમસામ રસ્તા. કાચા અને ઊબડખાબડ રસ્તાની આજુબાજુ ઝાડીઝાંખરાં… એ પણ એવા ગાઢ કે અંદર કોઈ છુપાઈને બેઠું હોય તો ય ખબર ન પડે. દિવ્ય ભાસ્કરની ટીમ ઘટના સ્થળે પહોંચી ને જોયું તો કેટલીક પતરાંની ઓરડીઓ જોવા મળી. આજુબાજુ પૂછ્યું તો એ બે મજૂરો મળ્યા, જેણે દોડીને, દીવાલ કૂદીને બાળકીને બચાવી હતી. આ બે મજૂરોએ શું જોયું? બાળકી જે ઓરડીમાં રહે છે તે કેવી હાલતમાં છે, આસપાસનો વિસ્તાર કેવો છે, તે તમામ વિગતો જાણીએ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં…. પહેલા આખી ઘટના વિશે જાણી લો…
ગ્રાઉન્ડ રિપોર્ટમાં આગળ વધતાં પહેલાં ઝઘડિયામાં શું ઘટના બની તે જાણી લો. ભરૂચથી આગળ, વન વગડા જેવો નિર્જન વિસ્તાર એટલે ઝઘડિયા. ઝઘિડાયામાં GIDC છે એટલે આસપાસ ઓરડી બાંધીને મજૂર વર્ગ મોટા પ્રમાણમાં રહે છે. કોઈ સ્થાનિક મજૂરો છે, કોઈ ગોધરાના છે અને ઘણા મજૂરો તો બીજાં રાજ્યોમાંથી આવીને રહે છે. 7 મહિના પહેલાં ઝારખંડથી એક પરિવાર મજૂરીકામ માટે આવીને અહીં બીજા મજૂરોની સાથે ઓરડી બાંધીને રહેવા લાગ્યો. આ પરિવારને દસ વર્ષની દીકરી. બીજાં બાળકો સાથે રમતી. ક્યારેક એકલી એકલી રમતી. આસપાસના મજૂરોની આવન-જાવન રહેતી. એવામાં વિજય પાસવાન નામના મજૂરની નજર આ બાળકી પર બગડી. તે તકની રાહમાં હતો. ગયા મહિને તેણે બાળકીને ફોસલાવીને પોતાની પાસે બોલાવી. રેપ કર્યો. બાળકી રડતી રડતી ઓરડીએ ગઈ ને તેની મમ્મીને વાત કરી. મમ્મીએ તેના પપ્પાને વાત કરી. ત્યારે એનાં મમ્મી-પપ્પાને એવું થયું કે આપણે ઝારખંડના, વિજય પણ ઝારખંડનો. જો વાત ફેલાશે તો બદનામી થશે. એટલે બાળકીનાં મમ્મી-પપ્પા કાંઈ બોલ્યાં નહીં. આ મૌનના કારણે વિજય પાસવાનની હિંમત વધી ગઈ.
16 ડિસેમ્બરની ઢળતી સાંજે તે ફરી બાળકીને ફોસલાવીને-મોઢું દબાવીને પાંચ ફૂટ દીવાલ કુદાવીને ઝાડી-ઝાંખરાં પાછળ લઈ ગયો. દીવાલ પણ ઝાડી-ઝાંખરાંથી ઢંકાયેલી છે એટલે કોઈને અંદાજો પણ ન આવે. અંધારામાં બાળકીને લઈને પહેલાં પછાડી. અવાજ ન કરે એટલે માથામાં પથ્થરનો ઘા મારીને અર્ધબેભાન કરી નાખી. પછી હોઠ પર બટકાં ભરીને લોહી કાઢ્યું. પછી રેપ કર્યો. અહીંથી વાત અટકતી નથી. બાળકી અર્ધબેભાન હતી ને કણસતી હતી. ત્યારે નજીકમાં પડેલો લોખંડનો સળિયો ગુપ્ત ભાગમાં નાંખ્યો ને લોહીનો ફુવારો છૂટ્યો. અર્ધબેભાન હાલતમાં હતી છતાં બાળકીએ ચીસ પાડી… ચીસ પાડી એટલે હેવાન વિજય પાસવાન બાળકીને એ જ હાલતમાં મૂકીને ભાગી ગયો. બાળકી મમ્મી… મમ્મી…. બૂમો પાડી. હું મોબાઈલની ટોર્ચ કરીને દોડ્યો ને જેમતેમ કરીને દીવાલ કૂદી ગયો…
ભાસ્કરની ટીમ રાત્રે સ્થળ પર પહોંચી તો કેટલાક મજૂરોએ કહ્યું કે, ટેકરામ અને ગોવિંદાએ બાળકીને પહેલાં જોઈ હતી. ભાસ્કરે ટેકરામ અને ગોવિંદાને શોધીને પૂછ્યું. બંને મજૂરોએ રુવાંડાં ઊભી કરતી ઘટના વર્ણવી. બાળકીની ઓરડીની બાજુની જ ઓરડીમાં રહેતા ટેકરામ કુમારે ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, સાંજે સાડા છ-સાત જેવું થયું હશે. હું જમવાનું બનાવી રહ્યો હતો ત્યારે બાળકીનો રડવાનો અવાજ આવ્યો. મમ્મી… મમ્મી… કરીને અવાજ સંભળાયો. અવાજ એવો હતો કે, હું સમજી ગયો કે કાંઈક થયું લાગે છે. અંધારું હતું એટલે હું મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને બહાર ગયો અને બહાર જતાં જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશામાં ગયો. એટલામાં તો બાળકીની મમ્મી પણ દોડતી દોડતી મારી પાછળ આવી. હું બાળકીની મમ્મી અને ગોવિંદા નાગેશ અમે ત્રણેય એ દિશાામાં દોડ્યાં, જ્યાંથી અવાજ આવી રહ્યો હતો ત્યાં ઝાડી ઝાંખરામાં ગયાં. થોડા નજીક ગયાં તો બાળકીનો જોર જોરથી મમ્મી… મમ્મી… કરીને રડતાં રડતાં અવાજ સંભળાયો. ઝાડી-ઝાંખરાં ચીરીને થોડા આગળ ગયાં તો એક દીવાલની પાછળથી આ અવાજ આવી રહ્યો હતો. આ દીવાલ પાંચ ફૂટ ઊંચી હતી. હું જેમ-તેમ કરીને દીવાલ ઉપર ચડી ગયો અને દીવાલ પર ચડીને જોયું તો બાળકી એક ટાયરમાં બેસીને રડી રહી હતી. આ જોઈને હું અચાનક જ કંઈ વિચાર્યા વગર દીવાલ કૂદી ગયો. જ્યાં મેં ગોવિંદ નાગેશની મદદથી બાળકીને દીવાલ કુદાવીને તેની મમ્મીને સોંપી દીધી. મેં દીવાલની આ તરફથી બાળકીને લીધી તો કપડાં લોહીલુહાણ હતાં
બાળકીના ઘરની પાસે રહેતા શ્રમિક ગોવિંદા નાગેશે ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, હું મારા રૂમમાં બેઠો બેઠો મોબાઈલ જોઈ રહ્યો હતો. અચાનક મેં બાળકીનાં મમ્મીને રડતાં અને દોડીને જતાં જોયાં. તેમની હાલત જોઈને હું પણ તેમની પાછળ પાછળ દોડ્યો. મારી સાથે ટેકરામ કુમાર પણ હતો. અમને જ્યાંથી બાળકીનો અવાજ આવી રહ્યો હતો ત્યાં એ બાજુ જઈને જોયું તો 5 ફૂટ દીવાલની પાછળ બાળકીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. અમે અંધારામાં દીવાલ કૂદીને લાઈટ મારીને જોયું તો બાળકીની હાલત જોવાઈ એમ નહોતી. મોઢામાંથી સતત લોહી નીકળી રહ્યું હતું. બાળકીનાં કપડાં લોહીથી લથબથ ભીંજાયેલાં હતાં. આ બધું જોઈને અમે તરત જ બાળકીને ઊંચી કરીને દીવાલની સામેની બાજુ તેની મમ્મીને સોંપી દીધી. બાળકીની હાલત જોઈ મમ્મી પણ બૂમો પાડીને સતત રડવા લાગી. બાળકીના પપ્પાને પણ જાણ કરી. અમે બધા ભેગા થઈ ગયાં. એક રિક્ષામાં તેને ઝઘડિયાની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. અમે રિક્ષાની પાછળ થોડે સુધી ગયા ને પછી પાછા આવતા રહ્યા. વિજય પાસવાન ત્યાં જ હતો ને ઝડપાઈ ગયો
આ આખી ઘટના સામે આવી ત્યારે બાળકીનાં મમ્મી-પપ્પાએ વિજય પાસવાનનું નામ આપ્યું. પોલીસ સ્થળ પર પહોંચી તો વિજય પાસવાન ઓરડીની આસપાસ જ હતો. પોલીસે તેને દબોચી લીધો ને આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો. બાળકીની ઓરડીની બરાબર પાછળ આવેલી એક ઓરડીમાં આરોપી રહેતો હતો. ઓરડીમાં નરાધમ આરોપી વિજય પાસવાન એકલો રહે છે. એ મૂળ ઝારખંડનો છે અને તેને પણ બે દીકરી છે. તેનો પરિવાર ઝારખંડમાં રહે છે. શરૂઆતમાં આરોપીએ કંઈ ન કર્યું હોવાનું રટણ કર્યું કેસની તપાસ અંગે વાત કરતા Dy.sp કુશલ ઓઝા જણાવે છે કે,જ્યારે અમને ખબર પડી ત્યારે હું તાત્કાલિક ટીમ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરો સાથે સંકલન કરીને જાણવા મળ્યું કે આ કોઈ સામાન્ય દુષ્કર્મની ઘટના નથી કારણ કે બાળકીને પેટમાં છેક આતંરડા સુધી ગંભીર ઈજા પહોંચી હતી અને આ રીતના ગંભીર ઈજા અપ્રાકૃતિક કૃત્ય દ્વારા જ થઈ શકે. જેથી પ્રાથમિક દ્રષ્ટીએ એવું લાગ્યું કે બાળકીના ગુપ્તાંગમાં લોખંડના સળીયાનો ઉપયોગ થયો હોય શકે છે. જેથી એવો સવાલ થયો કે આ પ્રકારનું જધન્ય કૃત્ય કોણ કરી શકે? તેથી અમે આસપાસમાં રહેતા તેવા શકમંદોને રાઉન્ડ અપ કરવાનું શરુ કર્યું. 7-8 શકમંદોની પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા, આસપાસના CCTV કેમેરાની તપાસ કરીને અને હ્મુમન ઈન્ટેલિજન્સ દ્વારા પોલીસે બાળકીના પડોશમાં રહેતા એવા 36 વર્ષના આરોપી વિજય પાસવાનની ઘરપકડ કરી. શરુઆતમાં તો આરોપીએ આવું કોઈ કૃત્ય ન કરવાનું જ રટણ કર્યું હતું આરોપી એટલા હદ સુધી ના પાડતો હતો કે માનો તેનું મોત પણ થઈ જાત છતા તે ન સ્વીકારત કે તેને આ ગુનો કર્યો છે. જોકે પોલીસે પોતાની રીતના પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ કરી લીધો હતો. ડો. કુશલ ઓઝા આગળ વાત કરતા જણાવે છે કે, મને મેડીકલ લાઈનની થોડી જાણકારી હોવાથી આ કેસ ડીટેક્ટ કરવામાં ઘણી મદદ મળી છે. આરોપી વિજય પાસવાન વિકૃત માનસિકતા ધરાવતો આરોપી છે. અગાઉ પણ આ આરોપીએ આ જ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સમાજમાં બદનામીના ડરે બાળકીની માતાએ આ બાબતે કોઈને જાણ નહોતી કરી. આરોપીની પૂછપરછમાં 1 મહીના અગાઉ થયેલ દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આરોપીને પકડવા માટે સમગ્ર જિલ્લાની LCB, SOG સહીત સ્થાનિક પોલીસની ઘણી ટીમો શોધખોળમાં લાગીને ગણતરીના કલાકોમાં મોડી રાત સુધીમાં આરોપીને ઝડપી પાડ્યો હતો બાળકી જ્યાં ઓરડીમાં રહે છે ત્યાં બાકોરાંમાંથી ભાસ્કરને શું દેખાયું?
અમારી ટીમ બાળકી જ્યાં રહે છે અમે ત્યાં પહોંચ્યા. અહીં પહોંચીને જોયું કે બાળકી અને તેનો પરિવાર અતિશય ગરીબ સ્થિતિમાં રહેતો હોય એવું લાગ્યું. પરિવાર ચારેય બાજુથી ઢંકાયેલા પતરાંવાળી નાની એવી ઓરડીમાં રહે છે. બાળકીનાં મમ્મી પિતા વડોદરાની SSG હોસ્પિટલમાં બાળકી પાસે હોવાથી બાળકીનું ઘર બંધ હતું, તેમાં તાળું મારવા જેવી પણ જગ્યા નહોતી. માત્ર એક દોરીથી ઘરનો દરવાજો બંધ કરેલો હતો. જોકે, હજી પોલીસ તપાસ ચાલુ હોવાથી અમારી ટીમે ઘરમાં જવાનો પ્રસાસ ન કર્યો પરંતુ બહારથી ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ નજરે પડતી હતી. જેમાં એક ટેબલ પંખો, કેટલાંક વાસણ અને રાત્રે સૂવાની ચાદર દેખાતી હતી. આગળ જતાં અમે એ જગ્યાએ પહોંચ્યા જ્યાંથી બાળકી મળી આવી હતી. આ જગ્યા પીડિતા અને આરોપી એમ બન્નેના ઘરથી માત્ર 100 મીટરથી દૂર આવેલી છે જ્યાં ઉબડ ખાબડ રોડ રસ્તાની સાથે દૂર દૂર સુધી માત્ર સૂમસામ વિસ્તાર જોવા મળે છે આસપાસ માત્ર ઝાડી-ઝાંખરા જ નજરે પડે છે. ઘટના સ્થળે અમને કેટલાક લોહીના ડાઘ પણ જોવા મળ્યા જે બાળકી પર વીતેલી હેવાનિયત ભરેલી ક્રૂરતાની યાદ અપાવે છે. જમીનમાં છાપ છોડી ગયેલા આ લોહીના ડાઘા જોઈને અંદાજ લગાવીએ તો પણ મનમાં ઘૃણા થાય કે એક 10 વર્ષની બાળકી પર શું વીતી હશે. ‘શારીરિક ઈજા મટી થઈ જશે. પરંતુ માનસપટલ પરથી ઘટના ક્યારેય નહીં જાય’ બાળકીની સારવાર કરનાર ભરુચ સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. ઝીલ શેઠે ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે,16 ડિસેમ્બરના રોજ રાત્રે આઠ સાડા આઠ વાગ્યાની આસપાસ મારી પર સિવિલ હોસ્પિટલના મેડીકલ ઓફીસરનો ફોન આવ્યો કે એક 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બાળકીની હાલત ખૂબ જ ખરાબ છે બાળકીના આખા શરીર પર, નીચેના ભાગે બધી જ જગ્યાએ ગંભીર ઈજાઓ થઈ છે. આ સાંભળાતાની સાથે જ એકપણ મિનિટની રાહ જોયા વગર હું તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી. અહીં આવીને મેં બાળકીની હાલત જોઈ જે જોઈને હું એકદમ સ્તબ્દ થઈ ગઈ હતી. મેં મારા સાત વર્ષના કરીયરમાં આટલો ખરાબ કેસ ક્યારેય જોયો નથી. મારી પાસે ભૂતકાળમાં પણ આવા કેસ આવેલા છે પરંતુ આટલી ગંભીર હાલતના કેસ નથી જોયા. બાળકીની હાલત જોઈને મનમાં એક સવાલ થયો કે આરોપીની એવી તો કેવી માનસિકતા હશે કે જે 10 વર્ષની બાળકી સાથે રમવાની ઉંમર હોય તેની સાથે આવું કેવી રીતના કરી શકે.? બાળકીને શરુઆતમાં પ્રાથમિક સારવાર આપવામા આવી ત્યારબાદ ગાયનેકોલોજિસ્ટ અને સર્જનની મદદથી આગળની મેડીકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી. બાળકીને શરીર પર તો ગંભીર ઈજા હતી જ પરંતુ માસિક આવવાની જગ્યાએ ઉપર પણ ઘણી ગંભીર ઈજા થઈ હતી. જ્યાંથી બાળકીને સતત લોહી નીકળી રહ્યું હતું. જેથી જરુર પડતા બાળકીના તમામ મેડીકલ રિપોર્ટ કરાવી તાત્કાલિક પીડીયાસ્ટ્રીશ્યનની મદદથી બાળકીને ઓપરેશન થિયેટરમાં ખસેડાઈ. કારણ કે બાળકી અર્ધ બેભાન અવસ્થામાં હતી. જેથી એનેસ્થેસિયાની મદદથી એક્ઝામિનેશન કરવામાં આવ્યું. બાળકીને થયેલી ગંભીર ઈજાઓ વિશે વધારે ન કહી શકાય પરંતુ એક્ઝામિનેશન કરતા જાણવા મળ્યું કે બાળકીને શરીરમાં ખૂબ જ અંદર સુધી હાની પહોંચાડતી ગંભીર ઈજાઓ થયેલી છે. જેથી તેના રિલેટેડ વસ્તુઓની પણ સારવાર આપવામાં આવી. બાદમાં બાળકીનું જરુરી ઓપરેશન કરીને તેને વધુ સારી સારવાર મળી રહે તે માટે ગેસ્ટ્રોસર્જન ઓપિનિય સહીત ઈન્ટરમેન્શન ઓપિનિયન માટે વડોદરાની SSG હોસ્પિટલના HOD સાથે વાત કરીને બાળકીને વડોદરા રીફર કરવામાં આવી. બાળકીને જ્યારે ભરુચ સિવિલમાંથી રિફર કરાઈ ત્યારે બાળકી સભાન અવસ્થામાં આવી ગઈ હતી. એટલે અત્યારે તો એવી જ પ્રાથના કરી શકાય કે બાળકી હાલમાં જે કન્ડીશનમાં છે તેમાંથી બહાર આવે કારણે અત્યારે પણ બાળકી ગંભીર સ્થિતિમાં છે. બાળકીની સ્થિતિ અંગે વધુ વાત કરતા ડો. ઝીલ શેઠ જણાવે છે કે બાળકીના શરીર પર થયેલી શારીરિક ઈજાઓ તો સારી થઈ જશે પરંતુ તેના માનસપટલ પર આ બધી વસ્તુઓ કાયમ માટે રહી જશે. હું ભગવાનને પ્રાથના કરીશ કે ભવિષ્યમાં આવો કોઈ બનાવ જોવા ન મળે.. કોઈપણ બાળકી પર આવું કૃત્ય ન થાય તેના માટે આરોપીની કડકમાં કડક સજા મળે તેવી પણ માંગ છે. પોલીસ ફરિયાદમાં શું લખેલું છે?
બાળકીની મમ્મીએ વિજય પાસવાન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જે વિગતો નોંધાઈ છે તે મુજબ, તારીખ 16 ડિસેમ્બર સમય બપોરના 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા વચ્ચેનો આ એ સમયગાળો છે જે સમયગાળામાં એક 36 વર્ષીય બે બાળકીના પિતાએ ક્રૂરતાની તમામ હદ વટાવી નાખી. બાળકીની મમ્મીએ પોલીસમાં આપેલી પોતાની ફરિયાદ મુજબ 16 ડિસેમ્બરના સવારે 8 વાગ્યે તેઓ મજૂરી કામે ગયાં હતાં. બાદમાં બપોરે ઘરે જમવા આવ્યાં ત્યારે તેમના ચારેય બાળકો ઘરે હાજર હતાં. બપોરે જમી કરીને ફરી કામ પર નીકળી ગયાં હતાં. પતિ રાત્રે 8 વાગ્યે છૂટતા હોઇ અને મારે જમવાનું બનાવવાનું હોવાથી સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ઘરે આવી ગઈ હતી ત્યારે તેમની 10 વર્ષની બાળકી ઘરે નહોતી તે આસપાસ આડોશ-પાડોશમાં તપાસ કરતા તે મળી આવેલી નહોતી બાદમા સાંજે સાડા છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે હું વાસણ સાફ કરતી હતી ત્યારે મમ્મ મમ્મી… કરીને જોર જોરથી બૂમ સંભળાતા હું દોડીને જોવા ગઈ ત્યારે અમારા ઘરેથી થોડાક જ દૂર એક દીવાલ પાછળ બેઠા તે રડતી હતી. જ્યાં બે સ્થાનિક લોકોની મદદથી બાળકીને દીવાલ કુદાવીને મને આપી હતી. બાળકીની હાલત જોતાં તેને મોઢાના ભાગે ઈજાઓ થયેલી હતી અને લોહી નીકળતી ચામડી પર ઉઝરડાનાં નિશાન પડેલાં હતાં. આ સિવાય ગુપ્તાંગના ભાગેથી પણ લોહી નીકળતું હતું જેથી મેં મારા પતિને તાત્કાલિક ઘરે બોલાવ્યા રિક્ષામાં બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા. જોકે બાળકીને ગુપ્તાંગમાં વધુ લોહી નીકળતું હોવાથી તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. અહીંથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કરાઈ હતી. બાળકીને ગુપ્તાંગ સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા હોવાથી 3 કલાક સુધી તેની સારવાર કરવામાં આવી હતી. વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકી વડોદરામાં સારવાર હેઠળ છે. બાળકીના પિતા એકલા રહેતા હતા, 7 મહિના પહેલાં પરિવારને લઈ આવ્યા
દુષ્કર્મ પીડિત બાળકીના પિતા મૂળ ઝારખંડના છે અને છેલ્લાં 15 વર્ષથી ઝઘડિયામાં રહે છે. છેલ્લા 7 મહિનાથી પરિવારને ઝઘડિયા લઇને આવ્યા હતા. આ ઘટનાથી પિતા ખૂબ વ્યથિત છે. બીજી તરફ બાળકીની હાલત ખૂબ નાજુક છે. આરોપીએ બાળકીના હોઠ ઉપર પણ બચકાં ભર્યાં છે, જેથી તેનો ચહેરો પણ ખરાબ થઈ ગયો છે. હાલ તેની સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના ICUમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર છે. બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને ઝડપી રિમાન્ડ પર લીધો છે. બાળકી સાથે એટલી ક્રૂરતા થઈ હતી કે, તેના પડઘા ભારતભરમાં પડ્યા છે. પરિવાર અને આરોપી ઝારખંડનો છે એટલે ઝારખંડ સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. ઝારખંડ સરકારમાં કોંગ્રેસનાં મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે વડોદરા આવી પહોંચ્યાં હતાં. દુષ્કર્મ પીડિતા, તેનાં પરિવારજનો અને ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે બાળકીની હાલત નાજુક છે. તેને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરૂર હશે તો ઝારખંડ સરકાર તૈયાર છે.