શ્રી છારીયા ઉમેદવાર બ્રહ્મ સમાજ, અમદાવાદનો સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ 15મી ડિસેમ્બર, 2024ના રોજ ઠાકર થાળ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ સહિત કમિટી સભ્યોએ દિપ પ્રાગટ્ય કર્યું, ત્યાર બાદ માતાજીની સ્તુતિ કરી તેમજ અવસાન પામેલા જ્ઞાતિજનો માટે બે મિનિટનો મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પલ્લવીબેન જાનીએ શિવ તાંડવ સ્તોત્ર રજૂ કરી દરેકને ભક્તિમય કર્યા હતા. જયંતીભાઈ જાનીએ સ્વાગત પ્રવચન, નવા આવેલા લોકોનો પરિચય તથા બહારગામથી આવેલા જ્ઞાતિ બંધુઓની સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કમિટી સભ્ય નિલેશ જાનીએ વર્તમાન પરિસ્થિતિનો ચિતાર રજૂ કરી કમિટીની સભ્ય સંખ્યામાં ફેરફાર કરવો જોઈએ કે કેમ?, તેમજ સંગઠન મજબૂત બનાવવા માટે કૌટુંબિક ભાવના સુદ્રઢ કરવા માટે આપણે શું કરવું જોઈએ?, તે અંગેની પ્રસ્તાવના રજૂ કરી હતી. જેમાં હિતેષભાઈ પંડ્યાએ પણ જણાવ્યું હતું કે પરિવર્તન થતું જ રહેવું જોઈએ, આથી કારોબારી કમિટીની સભ્ય સંખ્યામા વધારો કરવા તેમજ નવા કમિટી સભ્યોની નિમણૂક બાબતે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચામાં દરેક જ્ઞાતિબંધુએ પોતાના સલાહ સૂચનો તથા મંતવ્ય રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને, લોકો સુધી સંગઠનનું કાર્ય પહોંચી શકે તે માટે, કમિટીની સભ્ય સંખ્યા વધારવાનું નક્કી થયું હતું. જે ચર્ચા દરમિયાન નિલેશભાઈ જાની, હિતેષભાઈ પંડ્યા અને વૈશાલીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, તેઓએ પરિવર્તન આવે તે હેતુથી કમિટી મિટિંગમાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ હાજર સભ્યોએ રાજીનામું સ્વીકાર્યું નહિ અને તેઓને કમિટી સભ્ય તરીકે યથાવત રહેવા માટે આગ્રહ કર્યો હતો. નવા સભ્ય તરીકે મનીષભાઈ જાની, જયેશભાઈ જોશી, સંજયભાઈ ઉપાધ્યાય તથા મહિલા સદસ્ય મમતાબેન મનીષભાઈ જાનીની વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ નિશ્ચય યોગેશભાઈ જાની તથા જશ બિપીનભાઇ જાનીએ હાઉસીની ગેમ રમાડી હતી. ભદ્રેશભાઈ જોશીએ આભાર વિધિ અને ધર્મેન્દ્રભાઈ જાની તથા ભદ્રશભાઈએ કાઉન્ટર વ્યવસ્થા સંભાળી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ જાની તથા વૈશાલીબેન પંડ્યાએ કર્યું હતું, સંચાલન દરમિયાન શેર શાયરીને બદલે નિલેશ જાનીએ ગીતાજી તથા સંસ્કૃતનાં શ્લોકનું પઠન કર્યું હતું. છેલ્લે સૌએ રાષ્ટ્રગાન કરી અને ત્યાર બાદ ભાવતા ભોજનનો સ્વાદ માણીને સૌ છૂટા પડ્યા હતા.