વડોદરા કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણના ઓથા હેઠળ આડેધડ બ્રિજો મંજૂર કરી શરૂ કરવામાં આવેલા કામોનો વિરોધ શરૂ થયો છે. શહેરના વાસણા રોડ જંક્શન પર ડી-માર્ટ સર્કલ પાસે માત્ર 800 મીટરનો ફ્લાયઓવર બ્રિજ બનાવવાના વિરોધમાં રહસ્યમય ક્રાંતિકારી સેના દ્વારા ‘આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં પહેલા વ્યવસ્થા આપો. મોદી સાહેબ…’, ‘પહેલા વ્યવસ્થા પછી વિકાસ’ના લખાણ વાળા પોસ્ટરો લગાવવામાં આવતા ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્યએ પણ આ બ્રિજનો વિરોધ કર્યો છે. મોદી તરફી અને ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યાં
વડોદરા મહાનરપાલિકા દ્વારા બિનજરૂરી થોપી દેવામાં આવેલા વાસણા જંકશન ઉપર બનનાર બ્રિજનુ કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ એકત્ર થઇને મહાનગરપાલિકા કમિશનરની મુલાકાત લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા હવે ડી-માર્ટ સર્કલ પાસે પોસ્ટરો લગાવી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં પોતે મોદી તરફી અને ભાજપ વિરોધી હોવાનું તેમાં જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, હાલ ભાજપના મોટાભાગના હોદ્દેદારો દ્વારકાના પ્રવાસે છે, ત્યારે શહેરમાં પોસ્ટર વોર શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. બ્રિજનો વિરોધ ઉગ્ર બને તેવા એંધાણ
તાજેતરમાં મહાનરપાલિકા દ્વારા વાસણા રોડના ડી-માર્ટ જંક્શન અને સનફાર્મા રોડ-ભાયલીને જોડતા ફ્લાયઓવર બ્રિજની કામગીરીનો સળવળાટ શરૂ કરતા વિરોધ શરૂ થયો છે. બંને બ્રિજ માટે અલગ-અલગ કારણોસર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં લોકોના સમર્થનમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ પણ આવ્યા છે, છતાં તંત્ર દ્વારા નિર્ણય પરત લેવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા આ બ્રિજનો વિરોધ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. લોકોમાં વેપાર-ધંધા ભાંગી પડવાનો ભય
આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, વાસણા રોડ જંક્શન પરનો બ્રિજ માત્ર 800 મીટરનો હોવાથી તે બિનજરૂરી છે અને તેનાથી લોકોના વેપાર-ધંધા પડી ભાંગશે. સ્થાનિક લોકોના વિરોધ બાદ પણ તંત્ર દ્વારા બ્રિજનો નિર્ણય મોકૂફ રાખવામાં ન આવતાં હવે પોસ્ટરો લગાવી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પોસ્ટરો ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ મારવામાં આવ્યા છે. પોસ્ટરોમાં એમ પણ લખ્યું છે કે, મોદી તરફી અને ભાજપ વિરોધી. વર્ષોથી ભાજપને મત આપ્યા, છતાં કોઈ સાંભણતું નથીઃ સ્થાનિક
આ અંગે કિશન માથુર નામનાં સ્થાનિકે જણાવ્યું હતું કે, અમે 20 વર્ષથી રહીએ છીએ અને અમારો રોજગાર પણ અહિંયા છે. બેનરો લાગ્યા છે, તેની અમને હાલ જ ખબર પડી છે. બેનરો ખરેખર જે તે વ્યક્તિની હૈયાવરાળ છે. બહુ આશા અને અપેક્ષા સાથે ભાજપને મત આપ્યા હોય, વર્ષોથી ભાજપને મત આપ્યા હોવાથી અમને દુ:ખ છે કે અમને કોઇ સાંભળતું નથી. બ્રિજ કોના માટે બનાવે છે, સ્થાનિકો માટે? બ્રિજ અંગે સ્થાનિકોને એક પણ વખત પૂછવામાં આવ્યું નથી. ‘ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ અમને સમર્થન આપ્યું છે’
મીડિયાના માધ્યમથી વધુમાં જણાવ્યું કે, આ તાનાશાહી નિર્ણય છે. થોપી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને ખબર પડે છે કે અહિંયા બ્રિજની જરૂર છે કે નહિ. વધારે અગવડ પડે તો અમેજ બ્રિજની ડિમાન્ડ કરીએ, પણ તેવું નથી. વર્ષો પહેલાના સર્વે પર આ બ્રિજ થોપી દેવામાં આવ્યો છે. પાલિકા પોતાની જીદ પુરી કરવા માટે કરી રહી છે. આખી સિસ્ટમમાં અમે રજૂઆતો અને નિવેદન આપ્યા છે. ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ અમને સમર્થન આપ્યું છે. બાકી બીજા કોઇ નેતાઓનું સરાહનીય નિવેદન આવ્યું નથી. બ્રિજ બનશે તો 800 મીટરની સોસાયટીઓ કોઇ પણ રાજકીય પક્ષને આવવા નહીં દે અને વોટિંગ પણ નહિં કરે.