સંસદમાં અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદીત નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે NSUIના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા, જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી. ACP, PI સહિત 150થી વધુ પોલીસકર્મીનો સ્ટાફ હોવા છતાં NSUIના કાર્યકરોએ પોલીસવાન પર ચઢીને વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં એક યુવકે કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે, જો અમિત શાહ દલિત સમાજની માફી નહીં માગે તો 48 કલાકમાં રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આત્મવિલોપન કરીશ. જ્યારે વડોદરામાં પણ કોંગ્રેસ-NSUIએ હાથમાં બેનરો લઇ અમિત શાહ માફી માગો, પોતાના પદેથી રાજીનામું આપોના સુત્રોચાર સાથે રોડ ચક્કજામ કર્યો હતો. પોલીસે વિરોધ નોંધાવનાર કાર્યકરોની અટકાયત કરી હતી. 10 સેકન્ડની ક્લિપ પર અમિત શાહને ખુલાસો કરવો પડ્યો, ખુદ મોદી ઢાલ બન્યા…જુઓ EDITOR’S VIEW: આંબેડકર પર આરપાર યુનિવર્સિટી વિસ્તાર પોલીસછાવણીમાં ફેરવાયો
આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે(19 ડિસેમ્બર) NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસછાવણીમાં ફેરવાઇ ગયો હતો. દાદાસાહેબના પગલા તરફથી NSUIના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ માટે આવી રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી કાર્યકરો પહોંચે એ અગાઉ જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી. કાર્યકરોને તાત્કાલિક પકડીને નીચે ઉતાર્યા
ACP, 2 PI સહિત 150 જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર હતા. પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કાર્યકરોની અટકાયત દરમિયાન પોલીસની હાજરીમાં જ NSUIના કાર્યકરો પોલીસવાન પર ચઢી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યકરોને પકડીને નીચે ઉતાર્યા હતા. ACPએ પણ બસ પર ચઢેલા કાર્યકરોને શર્ટના કોલરથી પકડીને પોલીસની ગાડીમાં ધકેલ્યા હતા. આ અંગે NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અમિત શાહના નિવેદન મામલે વિરોધ કરવા આવ્યા છીએ. અમારી માગ છે કે અમિત શાહે બાબાસાહેબના અપમાન મામલે માફી માગવી જોઈએ. રાજકોટના કોટેચા ચોકમાં NSUIનું રસ્તા રોકો આંદોલન
રાજકોટમાં પણ NSUI દ્વારા કોટેચા ચોક ખાતે ઉગ્ર વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અમિત શાહ માફી માગે અને વિવિધ બેનર દર્શાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ સાથે જ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના ફોટા સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનના લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો, બાદમાં પોલીસે ટીંગાટોળી કરી 10 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી હતી. દલિત યુવાનની કલેક્ટરને આવેદન આપી આત્મવિલોપનની ચીમકી
રાજકોટના દલિત આગેવાન શૈલેષ મોભેરાએ જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રી અમિત શાહે ચાલુ સંસદ સત્રમાં એવી ટિપ્પણી કરી છે કે, બાબા સાહેબ, બાબા સાહેબ, બાબા સાહેબ બોલવું અત્યારે ટ્રેન્ડ બની ગયો છે. તેને બદલે સાત વખત ભગવાનનું નામ લો તો તમે સ્વર્ગ પામો. જે વિવાદિત નિવેદનથી સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઈ છે. જેને લઈને રાજકોટ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને અમિત શાહ સમગ્ર દલિત સમાજની જાહેરમાં માફી માગે તેવી અમારી માંગણી છે અને ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મું જે પદ ઉપર છે તે બાબાસાહેબના કારણે છે. જેથી રાષ્ટ્રપતિએ પણ અમિત શાહને એવું કહેવું જોઈએ કે, જે સત્રમાં અમિત શાહે બાબા સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી દલિત સમાજની લાગણી દુભાવી છે તે જ સત્રમાં તેઓ દલિત સમાજની માફી માગે. જો ગૃહમંત્રી માફી નહીં માગે તો 48 કલાક બાદ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબના પૂતળા પાસે આત્મવિલોપન કરીશ. અમિત શાહના નિવેદન બાદ રોષ
સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના નેજા હેઠળ આજે(19 ડિસેમ્બર) સાંજે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રીંગરોડ માન દરવાજા સુરત ખાતે ઘરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના લોકો એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવશે. તે સિવાય પણ બૌદ્ધ સમાજ સાથે જોડાયેલા અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં કોંગ્રેસ-NSUIએ રોડ પર ચક્કજામ કર્યો
વડોદરા શહેરમાં પણ આજે કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માગ કરી હતી. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી મેઇન બિલ્ડીંગ ખાતે NSUIએ ભારે સુત્રોચ્ચારો કર્યાં હતા અને અમિત શાહ માફી માગો અને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા અને મુખ્ય રોડ પર બેસીને સુત્રોચ્ચારો કર્યાં હતા. જેથી સયાજીગંજ પોલીસે પહોંચીને NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી. બીજી તરફ વડોદરાના સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મધ્ય ગુજરાતના પ્રભારી આર.કે.ઓઝાની આગેવાનીમાં મૌન વિરોધ કરાયો હતો. જો કે, આ સમયે પણ કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને અમિત શાહ રાજીનામું આપોના નારા લગાવ્યા હતા અને અમિત શાહ માફી માગે તેવી માગ કરી હતી. જેથી કોંગ્રેસના એક આગેવાનની પોલીસે અટકાયત કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આ મામલે અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરવા માટે માગ કરી હતી.