સુરતમાં લિંબાયત વાહન ડેપોમાંથી ડિમોલિશનના કાટમાળમાંથી નીકળેલા આશરે 30 ટન સળિયાની ચોરી થઈ ગઈ હોવાના આક્ષેપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે જગ્યાએ કરોડોના સરકારી વાહનો પડ્યા રહે છે ત્યાં સુરક્ષા માટે CCTV જ નથી ત્યારે ભવિષ્યમાં પણ કોઈ મોટી ચોરી થાય તો જવાબદાર કોણ? તે અંગે પૂર્વ કોર્પોરેટરે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ ઘટના અંગે વિજિલન્સ તપાસની માંગ કરી હતી. આંજણા વાહન ડેપોમાં આશરે 30 ટન કાટમાળના સળિયા પડ્યા હતા
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે, ઓગસ્ટ -2024માં જર્જરિત માન દરવાજા ટેનામેન્ટનાં એ, બી અને સી ટાઈપને ડિમોલિશન કરવાનો ઈજારો આપવા માટે “કામનું નામ:- સાઉથ-ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં ટી.પી. 07 (આંજણા),ફા.પ્લોટ નં. 188 પૈકીમાં માન દરવાજા ખાતે આવેલ એ-બી અને સી ટાઈપ ટેનામેન્ટને ઉતારી પાડી માલસામાન લઈ જવાના કામ બાબત” ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ટેન્ડર શરત નં. 1માં સ્પષ્ટપણે હયાત ઈમારત જ્યાં જે હાલમાં છે, તે હાલતમાં ત્યાંથી ફાઉન્ડેશન, ફૂટીંગ ગ્રીલ સહિત તોડી પાડી જગ્યા હયાત રસ્તા લેવલે સમતલ કરી માલસામાન લઈ જવાની શરતે આપવામાં આવે છે. આંજણા વાહન ડેપોમાં આશરે 30 ટન સળિયાની સંપૂર્ણ માલિકી અને હક એ માત્ર સુરત મહાનગરપાલિકાનો હોય એ જવાબદાર કર્મચારી/અધિકારીની જાણમાં હોય એ સ્પષ્ટ છે. ડેપો પર કોઈપણ પ્રકારના CCTV જ નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, માન દરવાજાથી બે કિલોમીટર દૂર આંજણા વાહન ડેપો ખાતે ડિમોલિશનના કાટમાળમાંથી નીકળેલા આ સળિયા મૂકવામાં આવ્યા હતા. જોકે, આ સળિયાઓને અત્યારના ઇજારદાર દ્વારા સગેવગે કરી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કામગીરીની મજૂરી પેટે ચાર લાખ રૂપિયા નું બિલ પણ ચૂકવી દેવામાં આવ્યું છે. જોકે, વાહન ડેપો પર કોઈપણ પ્રકારના CCTV નથી એટલે ચોરી કોણે અને કેવી રીતે કરી તે અંગે જાણી શકાય નહી. અહીં સિક્યુરીટીના નામ પર એકમાત્ર 65 વર્ષનો સિક્યોરિટી ગાર્ડ છે. આ ઘટનાની વિજિલન્સ તપાસ કરીને તાત્કાલિક અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. 2021માં મનપા તંત્ર દ્વારા માનવ વસવાટ ખાલી કરાવ્યું હતું
સુરતમાં કે. ટી.પી.-7 (આંજણા), ફાયનલ પ્લોટ નં. 188 પૈકીની જગ્યા પર આવેલા જર્જરિત માન દરવાજા ટેનામેન્ટમાંથી વર્ષ 2021માં મનપા તંત્ર દ્વારા માનવ વસવાટ ખાલી કરાવી હતી. માન દરવાજા એ- ટેનામેન્ટનાં એ-3નાં પાછળનાં ભાગે ગેલેરી તૂટવાનો બનાવ બન્યો હતો. જેનાથી સ્થળ પર કોઈ વ્યક્તિને સદનસીબે ઇજા નહોતી પહોંચી પરંતુ, પાર્ક કરેલ એક રિક્ષાને નુકશાન થયું હતું.