નિશાંત દવે
વાઘોડિયા રોડ, આજવા રોડ સહિત પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને વધુ 5 કરોડ લિટર પાણી મેળવવા હજુ 6 મહિના રાહ જોવી પડશે. નિમેટામાં 15 મહિને પૂરી કરવાની 50 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આજવા સુધી 130 વર્ષ જૂની પાઇપ બદલવાનું કામ સવા ચાર વર્ષે અધૂરું છે. ગત વર્ષે 31 ડિસેમ્બર,2024 સુધીમાં કામ પૂરું કરવા અને છૂટછાટ કોન્ટ્રાક્ટર વેલ્જી રત્ના સોરઠિયાને ન આપવી તેવો સ્થાયીએ ઠરાવ કર્યો હતો, પણ 30 ટકા કામ હજુ બાકી છે. જૂન-2025 પહેલાં પ્રોજેક્ટ પૂરો થાય તેવા સંજોગો નથી. પાલિકાએ 68 કરોડનો કોન્ટ્રાક્ટ સપ્ટેમ્બર-2020માં વેલ્જી રત્ના સોરઠિયાને આપ્યો હતો. આ કામ એપ્રિલ-2022માં પૂરું કરવાનું હતું. જોકે તે મુદત સુધી 31 ટકા કામ પૂરું થયું હતું અને 2022ના ચોમાસા પછી કામ બંધ કરાયું હતું. કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા અને તેના ખર્ચે કામ કરાવવા પૂર્વ મ્યુ. કમિશનરે સ્થાયીને જૂન-2023માં દરખાસ્ત મોકલી હતી. જોકે ઓક્ટોબર-2023માં દરખાસ્ત મુલતવી કરાઈ હતી અને ડિસેમ્બર-2023માં કોન્ટ્રાક્ટરને 1 વર્ષમાં કામ પૂરું કરવા છૂટ અપાઈ હતી. હજુ 30 ટકા કામ બાકી છે ત્યારે કોન્ટ્રાક્ટરે 6 માસનું એક્સટેન્શન માગ્યું છે. કોન્ટ્રાક્ટરે નાક દબાવવા આર્બિટ્રેશનની નોટિસ આપી હતી,સ્થાયીએ લ્હાણી કરી
પાલિકાએ વેલ્જી રત્ના સોરઠિયાને કામ પૂરું કરવા 35-35 નોટિસ મોકલી હતી. કોન્ટ્રાક્ટરે પાલિકાનું નાક દબાવવા આર્બિટ્રેશનની નોટિસ પણ મોકલી હતી. દરમિયાન 18 એપ્રિલ,2023ના રોજ એડિ. સિટી એન્જિનિયર સાથેની બેઠકમાં કોન્ટ્રાક્ટરે રજૂઆત કરી હતી કે, સ્ટીલ, સિમેન્ટ, લેબર સહિતની કામગીરી માટે ભાવ વધારો મંજૂર કરાય.પ્રોજેક્ટની સમય મર્યાદા 30 જૂન, 2024 સુધી વધારાય. સ્થાયીએ ડિસેમ્બર-2024 સુધીનો સમય આપ્યો હતો. ઠરાવના ચુસ્ત અમલની હિંમત સ્થાયી બતાવશે?
સ્થાયીએ 31 ડિસેમ્બર,2024 સુધીમાં કામ પૂરું ન થાય તો કોન્ટ્રાક્ટરને છૂટ ન આપવી તેવો ઠરાવ કર્યો હતો. જોકે કામ અધૂરું છે અને 6 માસનું એક્સટેન્શન માગ્યું છે. હવે ઇજારદારને છૂટછાટ ન આપવાના ઠરાવનો ચુસ્ત અમલ કરાય છે કે કેમ તેના પર મીટ મંડાઇ છે. પૂરથી નુકસાનનો ફોટો રજૂ કરી એક્સટેન્શન માગ્યું છે
નિમેટામાં 50 એમએલડી ડબ્લ્યુટીપીનો ઇજારો ધરાવતા વેલ્જી રત્ના સોરઠિયા ઇન્ફ્રા પ્રા.લિ.તરફથી 6 મહિનાનું એક્સટેન્શન મગાયું છે. અત્યાર સુધીમાં 70 ટકા કામ પૂરું થયું છે. પૂરથી કામગીરીને નુકસાન થયું હોવાના ફોટા રજૂ કરાયા છે અને વધુ 6 મહિના લંબાવી આપવા માગ કરી છે.આ પ્રોજેક્ટ જૂન સુધીમાં પૂરો થવાની શક્યતા છે અને જૂલાઇમાં પાણી મળતું થાય તેવી સંભાવના છે. > ધાર્મિક દવે, કાર્યપાલક ઇજનેર (પાણી પુરવઠા)