આજે 20 ડિસેમ્બરે ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 3,704 મતદારો મતદાન કરશે. અહીં પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ જામ્યો છે, જેમાં ભાજપ લીગલ સેલ આ વખતે ચૂંટણી લડી રહ્યું નથી. પરંતુ ભાજપ પ્રેરિત કાર્યદક્ષ પેનલ ચૂંટણી જંગમાં ઉતર્યું છે. આ સાથે જ સમરસ પેનલ ઉપરાંત ભાજપ વિરોધી તેમજ છેલ્લા ચાર વર્ષથી તેઓ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે, તેવા બકુલ રાજાણીની આગેવાનીમાં એક્ટિવ પેનલ ચૂંટણી લડી રહી છે. તો સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે. સુરતમાં નોંધાયેલા 4978 મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 4:30 વાગ્યા સુધી ચાલશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થવાની શક્યતા છે.