back to top
Homeગુજરાતરેપના મુદ્દે ઝારખંડના મંત્રીને ગુજરાતનાં મંત્રી ભાનુબેને એપોઇન્ટમેન્ટ ન આપી:ઝઘડિયાની પીડિતાને મળવા...

રેપના મુદ્દે ઝારખંડના મંત્રીને ગુજરાતનાં મંત્રી ભાનુબેને એપોઇન્ટમેન્ટ ન આપી:ઝઘડિયાની પીડિતાને મળવા આવેલાં દીપિકાસિંહ ગર્જ્યાં, ‘અમારા વગર ગુજરાત ઠપ થઈ જશે’

ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી 10 વર્ષની બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. ભોગ બનનારી ઝારખંડની બાળકી અને તેના પરિવારને ત્યાંના ગ્રામીણ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહ મળવા માટે વડોદરા આવ્યાં હતાં. તેમની સાથે દિવ્ય ભાસ્કરે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાને આડે હાથ લેતા કહ્યું, આટલી સંવેદનશીલ ઘટના બાદ હું અહીંયાં આવી ગઈ. પરંતુ ગુજરાતના મંત્રીએ મને મળવા માટે પહેલાં હા પાડી અને પછી એપોઇન્ટમેન્ટ જ ન આપી. બીજીતરફ આ અંગે અમે મંત્રી ભાનુબેન બાબરિયાનો પક્ષ જાણવા તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો ફોન બંધ હોવાની સાથે સતત ફોર્વર્ડ થઈ રહ્યો હતો. દીપિકા પાંડે સિંહ તો ત્યાં સુધી બોલી ગયાં કે ગુજરાતની સમૃદ્ધિ ઝારખંડ અને બિહારના શ્રમિકોના કારણે છે. જો એમને ગુજરાત આવતા રોકી દઈશું તો ગુજરાત ઠપ થઈ જશે. દીપિકા પાંડે સિંહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, આ બાળકી આદિવાસી નહિ પણ દલિત છે. ‘મંત્રી ભાનુબેન બાબરિયાએ પહેલા હા પાડી, પછી એપોઇન્ટમેન્ટ ન આપી’
તેમણે કહ્યું કે અમે ગુજરાતનાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને મળવા માગતાં હતાં, પણ તેમણે તો મળવા માટે એપોઈન્ટમેન્ટ જ ન આપી, મળવાનું ટાળ્યું હતું. ભાનુબેન મહિલા છે છતાં મળવાનું ટાળ્યું હતું. કેબિનેટ બેઠક તો સવારે હતી. અમે ગુજરાત પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે એ મળવા માંગતા નથી. નહીં મળવા માટે કારણ તો કોઇ આપ્યું નથી. આ સંવેદનશીલ ઇશ્યુ છે. આટલા દૂરથી અમે ગયા હતા, ઝારખંડના ડેલિગેશનમાં IAS-IPS અને મંત્રી હતા તો ભાનુબેને મળવું તો જોઇતું જ હતું. ગુજરાત ઠપ થઇ જશે એવી ચીમકી
તેઓ કહે છે, ગુજરાતની ઈકોનોમીમાં ઝારખંડના શ્રમિકો પોતાનો ફાળો આપે છે. બિહાર અને ઝારખંડ નિર્ણય લેશે તો ગુજરાત ક્યાંથી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે લોકોને લાવશે. ગુજરાત સરકારની જો માઇગ્રન્ટ્સ અંગે પોલિસી છે તો આવી ઘટના કેમ બની, માઇગ્રન્ટ્સનાં બાળકો શાળામાં ભણતાં કેમ નથી. કંપનીએ મદદ કેમ કરી નથી, માતા-પિતા કેમ શ્રમિક બનીને કામ કરે છે પછી આ ઘટના કેમ બની. આ ઘટનાને રાજકીય નથી બનાવવી પણ પોલિસી છે તો તેનું યોગ્ય અમલીકરણ થવું જોઈએ. ‘ગુજરાત, મહારાષ્ટ્ર બે હાથ જોડીને માઇગ્રન્ટ્સને પાછા લઇ ગયા હતા’
તેમણે ઉમેર્યું કે, માઇગ્રન્ટ્સના જવાથી ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારવાળા રાજ્યોમાં કામ ઠપ થઈ ગયાં હતાં ત્યારે બધા લોકો હાથ જોડીને આ માઇગ્રન્ટ્સને પરત લઈ ગયા હતા. તો આ કંપનીએ ખાલી પોતાનો જ સ્વાર્થ જોવો એ યોગ્ય નથી એટલે સરકાર પણ એ સુનિશ્ચિત કરે કે માઇગ્રન્ટ્સના કલ્યાણ તરફ જુએ. ગુજરાત સરકારે એવી પોલિસી બનાવવી જોઈએ જેમાં બહારથી આવીને ગુજરાતમાં કામ કરનાર લોકોના કલ્યાણ માટેનો સમાવેશ હોય. અમારી જવાબદારી એટલે બને છે કેમ કે અમારા રાજ્યના લોકો છે અને બહારના રાજ્યમાં જઈને કામ કરે છે. માઇગ્રન્ટ્સ માટે અમારી સરકાર સંવેદનશીલ છે. કોરોના સમયમાં પણ અમે દરેક રાજ્યમાં ગયેલા લોકોને પરત અમારા રાજ્યમાં લાવ્યા હતા. ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા
ગુજરાત સરકારની માઇગ્રન્ટ પોલિસી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, ઝારખંડના મુખ્યમંત્રીની સૂચના મળી હતી એટલે બાળકીને સારવાર કેવી મળી રહી છે તે જાણવા માટે અમે ગુજરાત આવ્યા હતા. ઝારખંડના મોટાભાગના લોકો સ્થળાંતર કરીને ગુજરાતમાં ગયા છે, ત્યાં કામ કરે છે અને મોટાભાગની ગુજરાતની કંપની બિહાર અને ઝારખંડના લોકોને આધારે ચાલી રહી છે. આ લોકોના સામાજિક કલ્યાણ માટે ગુજરાત શું કરે છે? કંપની કોઈ વ્યવસ્થા આપતી નથી. માતા-પિતાની મજબૂરી છે કે પરિવાર ચલાવવા માટે આટલે દૂર જાય છે. ઘણા લોકો સાથે આવી ઘટના બની શકે છે. ‘ગુજરાતની સામાજિક કલ્યાણ પોલિસી યોગ્ય નથી’
ગુજરાત સરકારની સામાજિક કલ્યાણ માટેની પોલિસી યોગ્ય નથી તેમ કહેતાં દીપિકા પાંડે સિંઘે જણાવ્યું કે, ગુજરાતમાં માઈગ્રન્ટ માટે કોઇપણ પ્રકારની સામાજિક સુરક્ષા નથી, બાળકો શાળાએ જતાં નથી , બાળકો સુરક્ષિત નથી અને બધા જ લોકો આ રીતે રહે છે. ‘કંપનીએ સુવિધા આપવી જોઇએ’
ગુજરાતમાં જો પોલિસી નથી એમ તમે કહો છો તો કેવી પોલિસી હોવી જોઈએ એ સવાલના જવાબમાં દીપિકા સિંહ કહે છે કે, જે કંપની આ લોકો પાસે કામ કરાવે છે તો એ કંપની માટે ફરજિયાત હોવું જોઈએ કે આવા લોકોને યોગ્ય રહેવાની સુવિધા આપે, યોગ્ય વસતી હોય, સ્વચ્છતા હોય અને સુરક્ષિત વિસ્તારમાં રહેતા હોય. સરકારી શાળામાં માઇગ્રન્ટ્સનાં બાળકો પણ ભણી શકતા હોવાં જોઈએ કેમ કે ઘણા પરિવાર એકસાથે નથી જતા. થોડા સમય પછી જાય છે એટલે વચ્ચે બાળકોનું ભણતર નથી થઈ શકતું. જેમ કે આ કિસ્સામાં મહિલા સાત મહિના પહેલાં જ આવી હતી અને પુરુષ 10-12 વર્ષથી કામ કરતો હતો. પરિવાર અહીંયાં હતો તો સરકારી શાળામાં ભણતર થતું હતું. જો કોઇ ઘટના બને તો કંપની ચોક્કસ વળતર આપે. આરોપી પણ ઝારખંડનો છે. જો રાજકીય રીતે આ ઘટનાને જોઈ રહ્યા હોત તો ક્યારેય આવ્યા ન હોત પણ અમને આ દીકરીની ચિંતા હતી. બળાત્કારની ઘટના હતી. એ સિવાય પણ અન્ય કોઈ ઘટનામાં લોકોને પરત લાવવા, વળતર આપવું એવાં હજારો ઉદાહરણ અમારી પાસે છે જેમાં અમે કામ કર્યું છે. એ લોકોની મજબૂરી છે કે કામ કરવા આવ્યા છે પણ ત્યાંની શાળામાં બાળકો ભણવા જઈ શકે, કંપનીના લોકોએ કેવા પ્રકારની મદદ કરી છે? ઘટનાના 4-5 દિવસ થઈ ગયા છે. ‘ભરૂચની હોસ્પિટલ બાળકી માટે યોગ્ય નહોતી’
ભરૂચની હોસ્પિટલમાં યોગ્ય સુવિધા ન હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ભરૂચમાં જે પહેલાં તાત્કાલિક સારવાર મળવી જોઈએ એ મળી નહોતી. બાળકીને જે રીતે ઊંચી મેડિકલ વ્યવસ્થાની જરૂર હતી એ મળી શકી નહોતી. મોટા સેન્ટરમાં તેને શિફ્ટ કરવા જેવી હતી.અમે તો કહ્યું કે, જો ડોક્ટર મંજૂરી આપે છે તો બાળકીને એરલિફ્ટ કરવી છે તો પણ મદદ કરીશું. અમે તો ખર્ચ ભોગવવા પણ તૈયાર હતા. જો કે એ લોકો બોલ્યા કે અમે સારવાર કરીએ છીએ તો અમે આભાર વ્યક્ત કર્યો. ‘ઝારખંડ સરકારે પીડિત પરિવારને 4.50 લાખ રૂપિયા આપ્યા’
બાળકીની હાલત અંગે તેઓ કહે છે કે, બાળકી બહુ ખરાબ રીતે ઘાયલ છે, જીવનું જોખમ છે. નિર્ભયા જેવી હાલત છે. ઝારખંડ મુખ્યમંત્રીનું કહેવું છે કે બાળકીને એરલિફ્ટ કરીને મોટી જગ્યાએ સારવાર માટે લઈ જવી છે તો ઝારખંડ સરકાર તૈયાર છે. એ સિવાય પણ ઝારખંડ સરકાર તરફથી 4 લાખ રૂપિયાનો ચેક અને 50 હજાર રોકડા રૂપિયા પરિવારને આપ્યા છે જેથી સારવાર માટે મદદ મળી શકે. અમે બાળકીને સારવાર માટે દિલ્હી ખાતે લઈ જવા તૈયાર હતા. એઈમ્સમાં સારવાર અપાવી શકીએ છીએ. ઝારખંડમાં જ સારવાર કરાવવી એવું નથી જ્યાં મેડિકલ સુવિધા સારી છે ત્યાં લઈ જઈશું. ગુજરાતના ડોક્ટર જેમ સૂચન કરે એમ કરીએ. પણ ગુજરાતના ડોક્ટરે કહ્યું કે અમે સારવાર કરી શકીએ એમ છે તો અમે એ વાત સ્વીકારી લીધી. ‘અમે સવાલ નહીં, સપોર્ટ કરવાની વાત કરી’
ઝારખંડમાં માઇગ્રન્ટ્સ સેલ હોવાનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે, ઝારખંડમાં માઇગ્રન્ટ્સ સેલ છે. ફક્ત ગુજરાત કે બીજા રાજ્ય જ નહીં પણ વિદેશમાં જો અમારા શ્રમિકો ફસાય છે તો એ લોકોને સુરક્ષિત લાવવા, તેમને સતત મદદ કરીએ છીએ. જ્યાં જેવી જરૂરિયાત ઊભી થાય તો ઝારખંડ સરકાર તરત એક્શનમાં આવે છે. ગુજરાત જઇને અમે સ્થાનિક તંત્રને સવાલ નથી કર્યા પણ અમે તો સપોર્ટ કરવાની વાત કરી છે. લાખોની સંખ્યામાં ઝારખંડથી લોકો ગુજરાત આવ્યાનો દાવો
તેમણે જણાવ્યું કે, ઝારખંડમાં લોકોના જવાનો પ્રશ્ન છે, લોકોના આવવાનો પ્રશ્ન છે. અમે અહીંયાંથી જનારા લોકો માટે વધારે કામ કરીએ છીએ. અહીંથી જનારા લોકોના હજારો પ્રકારના કેસ આવે છે એટલે અમે અહીંથી જનારા લોકોના રજિસ્ટ્રેશન માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ થાય છે શું કે કેટલાક લોકો જ્યાંથી જાય છે અને જ્યાં કામ કરે છે એ કંપનીમાં રજિસ્ટ્રેશન પોલિસી હોય તો સારું રહે. લેબર કાર્ડ બન્યું હોય તો સગવડ મળી શકે છે પણ જો કોઈ કહ્યા વગર પરિવાર સાથે નીકળી જાય છે તો અમે પૂરી રીતે તપાસ કરી શકતા નથી. રાજ્ય સરકારે આવા લોકો માટે કોઈ કડક સજાની જોગવાઈ નથી કરી કેમ કે લોકો બહાર જઇને પોતાના વિકાસ માટે કામ કરવા માંગે છે. પણ જો સરકારને જાણ કરીને જાય તો ક્યારેક કોઈ ઘટના બને તો એ સમયે પરિવારને સપોર્ટ કરી શકીએ, સુરક્ષા પૂરી પાડી શકીએ. મારી પાસે ચોક્કસ આંકડા નથી કે કેટલા લોકો ઝારખંડથી ગુજરાતમાં ગયા છે પણ લાખોની સંખ્યા તો હશે જ. ‘ગુજરાત સરકારે બહારથી આવતા લોકોની કાળજી રાખવી જોઇએ’
તેઓ વધુમાં કહે છે કે, ગુનાઓને રોકવા માટે લાગે છે કે લોકોએ રાજકારણથી ઉપર ઊઠીને ક્રાઈમને કેવી રીતે રોકી શકાય એની પર ધ્યાન હોવું જોઈએ. અને એટલે જ રાજ્ય તરીકે પરિવારને સપોર્ટ કર્યો. ક્રાઈમ લોકેશન ગુજરાત છે તો જવાબદારી એમની પણ બને જ છે. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં લાખોની સંખ્યામાં માઇગ્રન્ટ્સ આવે છે અને તે રાજ્ય માટે પોઝિટિવલી ફાળો આપે છે તો રાજ્યએ પણ બહારથી આવનારા લોકોની કાળજી રાખવી જોઈએ. ‘ગુજરાત સરકારે મહિલા અને બાળકોની સુરક્ષા માટે પ્રયાસ કરવો જોઇએ’
આવા ગુના રોકવા માટે ઝારખંડ સરકાર સક્રિય હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, જ્યારે અમારા રાજ્યમાંથી બીજા રાજ્યમાં માઈનોર લઈ જાય છે તેવા કિસ્સામાં પણ અમે સજા કરીએ છીએ. એ સજા પામનારા લોકોમાં પણ મોટાભાગના લોકો ઝારખંડના જ છે પણ અમે આવા ક્રાઈમ રોકવા માંગીએ છીએ. આવો જ એપ્રોચ ગુજરાત સરકારનો પણ હોવો જોઈએ. ગુજરાત સરકારે પણ રાજકીય રીતે ન જોવું જોઈએ અને હકારાત્મક લઈને મહિલા અને બાળકોની સુરક્ષા માટેનો પ્રયાસ કરવો જોઈએ. ક્રાઈમનું લોકેશન ગુજરાત છે. પોલીસ તપાસ કરીને ગુનેગારને સજા કરવાનું કામ ગુજરાત પોલીસ કરે છે. ઝારખંડ પોલીસ આવી અને તપાસ કરી શકે નહીં. આ ઇસ્યુ હતા એટલે અમે ત્યાં ગયા. બાળકી દુઃખી છે, ખરાબ હાલતમાં છે તો ત્યાં તાત્કાલિક ધ્યાન ગુજરાત સરકાર આપી શકે છે, કેમ કે ગુજરાતમાં બહારથી મોટી સંખ્યામાં આવે છે, લોકો કામ કરે છે, ગુજરાતની ઇકોનોમી આ લોકોને કારણે પણ વધે છે તો ગુજરાત સરકારે આ લોકો માટે પણ વિચારવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments