કીમ ચોકડી પર યુનિયન બેંકમાં ત્રણ દિવસ પહેલાં તસ્કરો દ્વારા બાકોરૂ પાડી 6 જેટલા લોકરને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં 40 લાખ 36 હજારની ચોરી થયાનું બહાર આવ્યું હતું. જે બાદ આજે વધુ એક લોકર માલિક આવતાં તેમની પૂછપરછ દરમિયાન લોકર નંબર 73માંથી 95 તોલા સોનુ અને ચાર કિલો ચાંદી મળી કુલ 63 લાખ 60 હજારના મુદ્દામાલની ચોરી થયાનું જણાવ્યું હતું. આમ બનાવના ત્રણ દિવસ પછી પણ તપાસના ધમધમાટમાં 11 ટીમ લાગી હોવા છતાં પણ પોલીસને ચોરો સુધી પહોંચવામાં સફળતા મળી નથી. આ સાથે અત્યાર સુધીમાં ચોરીનો કુલ આંક 1.04 કરોડ પર પહોંચ્યો છે. તસ્કરોએ કુલ 06 જેટલા લોકર તોડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસની હદમાં આવેલી પાલોદ ચોકી નજીક યુનિયન બેંકના પાછળના ભાગે દિવાલમાં બાકોરૂ પાડી અંદર પ્રવેશેલા તસ્કરોએ કુલ 06 જેટલા લોકર તોડ્યા હતા. જે પૈકી 3 લોકર નોન ઓપરેટીવ હતા. જ્યારે લોકર નં.74માંથી 49 તોલા સોનુ અને 09 લાખ રૂપિયા રોકડા મળી કુલ 40 લાખ 36 હજાર રૂપિયાના મત્તાની ચોરી કર્યાનું બહાર આવ્યું હતું. જ્યારે અન્ય લોકર માલિક અમેરિકા હોય તેના લોકરમાંથી કોઈપણ વસ્તુ ગઈ ન હોવાની ગઈકાલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. ત્રણ દિવસ બાદ પણ પોલીસ નિષ્ફળ
લોકર નં.73નાં માલિક હિતેન્દ્રભાઈ પટેલ (રહે.કામરેજ) આજે બહાર ગામથી આવી પોતાનાં લોકર નં.73માં 95 તોલા સોનુ અને 04 કિલો ચાંદી મળી કુલ 63 લાખ 60 હજારનો મુદ્દામાલ હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જોકે ઘટનાનાં ત્રણ દિવસ પછી પણ તસ્કરો સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે. પોલીસની 11 ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
11 પોલીસની ટીમોના તપાસનાં ધમધમાટ વચ્ચે કીમ, કોસંબા, કામરેજ, કડોદરા સહિત જિલ્લાના અલગ અલગ સીસીટીવી ફુટેજ સહિત 30થી વધુ શકમંદની પોલીસે ઉલટ તપાસ કર્યા પછી પણ પોલીસ દિશાવિહીન હોવાનું જાણવા મળ્યું છે. પ્રોફેશનલ ગેંગે આયોજનપૂર્વક ચોરી કરી હોવાનું અનુમાન
કોઈ જાણભેદુ અને પ્રોફેશનલ ગેંગે આયોજનપૂર્વક ચોરી કરી હોવાનું જણાય છે. જોકે હાલ પોલીસ માત્ર સીસીટીવી ફૂટેજની ઝીણવટ ભરી તપાસનાં આધારે તસ્કરો કામરેજ તરફ ગયાનું અનુમાન લગાવી રહી છે. સુરત જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરનાં સીધા માર્ગદર્શન હેઠળ તમામ તપાસનીશ ટીમ અલગ અલગ દિશામાં આરોપી સુધી પહોંચવા વર્કઆઉટ કરી રહી છે. કેવી રીતે થઈ ચોરી?
કીમ ચોકડી પાસે સોમવારની મોડી રાત્રે યુનિયન બેંકની દિવાલમાં બાકોરુ પાડી ધૂમ સ્ટાઈલથી મોટી ચોરીને અંજામ આપતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તસ્કરોએ લોકરો તોડી ઠંડે કલેજે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ચોરીની ઘટનાને લઇને પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પ્રાથમિક તપાસમાં 9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરી થઈ હોવાનું પોલીસે નોંધ્યું હતું. જે આંક હવે 1 કરોડને પાર પહોંચી ગયો છે. ઘટનાને પગલે બેંકના લોકરધારકોના જીવ ઉંચાટમાં આવી ગયા છે. જિલ્લા પોલીસની ઉંઘ ઉડાડતી આ ઘટનામાં હવે અગિયાર ટીમ બનાવીને તપાસની દિશામાં દોડતી કરાઈ છે. માણસ ઘૂસી શકે તેવું મોટું ગોળ બાકોરૂં પાડ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલોદ ચોકી નજીક કીમ તરફ આવતા રોડ પર યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખા છે. સુરત સ્થિત મકાન માલીક દ્વારા બેંકની પાલોદ શાખાને જગ્યા ભાડે આપવામાં આવી છે. મકાન માલીકે બેંકની અન્ય એક રૂમ પણ રાખેલો છે. સોમવારે મોડી રાત્રે આ રૂમનો ફાયબરનો દરવાજો તોડી તસ્કરો ઘૂસ્યા હતા. રૂમ અને બેંક વચ્ચેની દિવાલમાં કટરથી માણસ જઈ શકે તેવું મોટું ગોળ બાકોરૂં પાડી બેંકના સેલ્ફ ડિપોઝીટ લોકરને નિશાન બનાવ્યા હતા. SP સહિતનો પોલીસકાફલો ઘટના સ્થળે પહોંચ્યો
તસ્કરોએ 6 જેટલા લોકરોને તોડી તેમાંથી સોનાનાં ઘરેણા અને રોકડની ચોરી કરી હતી. વહેલી સવારે બેંકને આ બાબતની જાણ થતા કોસંબા પોલીસનો સંપર્ક કરાયો હતો. કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલાની ગંભીર સમજતાં સુરત જિલ્લા પોલીસવડાને જાણ કરી હતી. એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ચોરીનો આંક 1.04 કરોડ પર પહોંચ્યો
ચોરીની ઘટનાનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધરવા સાથે બેંક મેનેજરની ફરિયાદ અનુસંધાને તપાસના ચક્રો ઝડપભેર ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ ચોરીનો આંક 1.04 કરોડ પર પહોંચ્યો હોવાનું પોલીસ દ્વારા જાણવામાં આવ્યું છે. પોલીસની 11 ટીમ તપાસમાં જોડાઈ
જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરનાં માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, કોસંબા, કીમ મળી કુલ 11 ટીમ તપાસમાં જોડાઈ છે. સુત્રોના કહેવા મુજબ, પ્રાથમિક તપાસમાં સિક્યુરીટી ગાર્ડ કે બેંકની આગળ પાછળ મુખ્ય પોઇન્ટો પર કેમેરા નહીં હોવાનો ગેરફાયદો તસ્કરોએ મેળવ્યો છે. પોલીસને બેંક પાછળની રૂમમાંથી ઠંડા પીણાની બોટલો, કાકડી, ગ્લાસ જેવી વસ્તુઓ મળી આવી છે. એ જોતાં આ ચોરી કોઈ ખૌફ વગર હડબડાટીમાં નહીં પણ બિન્દાસ્તપણે થઈ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.