વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. 43 વર્ષ બાદ ભારતીય PMની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી પહેલા ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1981માં કુવૈત ગયા હતા. એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન મોદી માટે કથકલી નૃત્ય રજૂ કર્યું હતું. આ પછી PM અમીર શેખ મેશાલ અલ-અહમદને મળશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા, હાઈડ્રોકાર્બન, સંરક્ષણ સંબંધો પર વાતચીત થશે. કોંગ્રેસ પાર્ટીએ PMના કુવૈત પ્રવાસ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, અવારનવાર પ્રવાસ કરનારા વડાપ્રધાન મોદી મણિપુરને બદલે કુવૈત જઈ રહ્યા છે. મણિપુરમાં છેલ્લા એક વર્ષથી હિંસા ચાલી રહી છે. જયરામ રમેશે વધુમાં કહ્યું- વડાપ્રધાન મોદી મણિપુરની મુલાકાત માટે કોઈ તારીખ નક્કી કરી શક્યા નથી. ત્યાંના લોકો PMની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેઓ કુવૈત જઈ રહ્યા છે. હકીકતમાં, મણિપુર હિંસા બાદ જ્યારે પણ વડાપ્રધાન વિદેશ પ્રવાસે જાય છે ત્યારે કોંગ્રેસ તેમને મણિપુર આવવાની યાદ અપાવે છે. તાજેતરમાં જ્યારે વડાપ્રધાન મોદી નવેમ્બરમાં ત્રણ દેશો બ્રાઝિલ, નાઇજીરિયા અને ગયાનાની મુલાકાતે હતા ત્યારે કોંગ્રેસે PM મોદીને મણિપુરની મુલાકાત અંગે પણ સવાલો કર્યા હતા. હવે આ ટ્વીટ જુઓ… શ્રેયા જુનેજા નામની એક સામાન્ય મહિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટમાં ટેગ કરીને એમ કહ્યું, કે કુવૈતમાં 101 વર્ષના મારા પૂર્વ IFS નાનાજી મંગલ સૈન હાંડાની સાથે મુલાકાત કરજો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક રિટ્વીટ કરીને કહ્યું- ચોક્કસ! હું મીટિંગ માટે આતુર છું. અમીરના મહેલમાં ગાર્ડ ઓફ ઓનર દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવશે
PM મોદીને કુવૈતના બાયન પેલેસમાં ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવશે. આ પછી તેઓ અમીર શેખ અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે અલગ-અલગ બેઠક કરશે. દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં વેપાર પર પણ ચર્ચા થઈ શકે છે. આ વર્ષે 12 જૂને કુવૈતમાં એક લેબર કેમ્પમાં આગ લાગી હતી. જેમાં 50 લોકો દાઝી ગયા હતા. જેમાંથી 45 ભારતીય હતા. પીએમ મોદી પણ આ કેમ્પની મુલાકાત લેશે. આ સાથે તેઓ ‘હાલા મોદી’ કાર્યક્રમમાં ભારતીય મૂળના 5 હજાર લોકોને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી ગલ્ફ કપ ફૂટબોલના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે. કુવૈતમાં ભારતીય સમુદાયના લગભગ 10 લાખ લોકો રહે છે. ત્યાં રહેતા વિદેશીઓની આ સૌથી વધુ સંખ્યા છે. PM મોદીના કુવૈત પ્રવાસ પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અને કુવૈત પરંપરાગત રીતે ઊંડા સંબંધો ધરાવે છે, જેનું મૂળ ઇતિહાસમાં છે. તે લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે. ભારત કુવૈતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે. આનાથી ભારત અને કુવૈત વચ્ચેના બહુ-આયામી સંબંધો વધુ મજબૂત બનશે. કુવૈત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)નું અધ્યક્ષ છે. તેમાં સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, ઓમાન અને કતાર પણ સામેલ છે. કુવૈત એકમાત્ર એવો ગલ્ફ દેશ છે જ્યાં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ એક પણ વખત મુલાકાત લીધી નથી. ઉર્જા, રોકાણ અને વેપારના આધારે ગલ્ફ દેશો ભારત માટે મુખ્ય ભાગીદાર છે. JCC સંસ્થા શું છે?
ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (JCC) ગલ્ફ દેશોની સંસ્થા છે. જેમાં બહેરીન, કુવૈત, કતાર, ઓમાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. વર્ષ 2022-23માં ભારતનો JCC દેશો સાથે 18 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતને ક્રૂડ ઓઈલ સપ્લાય કરનારા દેશોમાં કુવૈત છઠ્ઠા સ્થાને છે. વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે લગભગ 1000 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. ભારત મુક્ત વેપાર કરાર માટે GCC સાથે સતત વાતચીત કરી રહ્યું છે. PM મોદીની આ મુલાકાત ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) વચ્ચેના સંબંધો વધુ સુધરશે. વર્ષો પહેલાથી બંને દેશો વચ્ચે ચાલી રહ્યો છે વેપાર
ભારત અને કુવૈત વચ્ચે રાજદ્વારી સંબંધો 1961માં સ્થાપિત થયા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને કુવૈત વર્ષોથી મિત્ર છે. જ્યારે કુવૈતમાં તેલનો કોઈ વ્યવસાય નહોતો. તે સમયે કુવૈતની અર્થવ્યવસ્થા માટે ભારત સાથેનો દરિયાઈ વેપાર મહત્વનો હતો. ત્યાર બાદ કુવૈતથી નવા જહાજો, કિંમતી મોતી, માછલી, ખજૂર, અરેબિયન ઘોડા અને લાકડા ભારત મોકલવામાં આવ્યા. આ ઉપરાંત બંને દેશો વચ્ચે મસાલા, અનાજ અને કપડાનો વેપાર થતો હતો. કુવૈતમાં 1961 સુધી ભારતીય ચલણમાં વ્યવહારો થતા હતા. જે બંને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરે છે.