બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. છેલ્લા બે દિવસ શુક્રવાર અને ગુરુવારે બાંગ્લાદેશમાં ત્રણ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ આ મંદિરો પર હુમલો કર્યો અને ઘણી પ્રતિમાઓને ખંડિત કરી હતી. બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લાની હલુઘાટ પોલીસે જણાવ્યું કે હુમલાખોરોએ શુક્રવારે સવારે શાકુઈ સંઘમાં બોંડેરપારા મંદિરો પર હુમલો કર્યો અને બે મૂર્તિઓ ખંડિત કરી હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી અને કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ગુરુવારે સવારે હલુઆઘાટના પોલાશકંડા કાલી મંદિરપર હુમલો કરીને મૂર્તિ તોડી પાડવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 27 વર્ષીય શંકમંદની ધરપકડ કરી છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર આ વર્ષે 8 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાના 2200થી વધુ મામલા સામે આવ્યા છે. મંગળવારે બીરગંજમાં મંદિર પર હુમલો થયો હતો આ પહેલા મંગળવારે બીરગંજના ઝારબારી શાસન કાલી મંદિરમાં 5 મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. આ ઘટના પર મંદિર સમિતિના અધ્યક્ષ જનાર્દન રોયે કહ્યું હતું કે અમે આ પહેલા ક્યારેય આવી કોઈ ઘટના જોઈ નથી. આ વર્ષ સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર 2200 હુમલા થયા ભારતીય રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં કહ્યું કે આ વર્ષે 8 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના 2,200 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ મુદ્દાઓ બાંગ્લાદેશ સરકાર સામે ઉઠાવ્યા છે. કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે ઢાકામાં ભારતીય હાઈ કમિશન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું- ભારતને આશા છે કે બાંગ્લાદેશ સરકાર હિન્દુ ઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે. 9 ડિસેમ્બર, 2024ના રોજ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન પણ ફરીથી આ જ વાત કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પાકિસ્તાનમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાના 112 કેસ નોંધાયા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા સતત વધી રહ્યા છે બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીના સરકારના પતન પછી ભારત વિરોધી ભાવનાઓ મજબૂત થઈ છે. આ સિવાય લઘુમતીઓ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ નેતાઓને ધમકીઓ મળી રહી છે. ઈસ્કોન સાથે જોડાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ 25 નવેમ્બરથી રાજદ્રોહના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને ફાસીવાદી ગણાવ્યા છે. બાંગ્લાદેશ વિજય દિવસના એક દિવસ પહેલા 15 ડિસેમ્બરે જાહેર કરાયેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે મોહમ્મદ યુનુસ ફાસીવાદી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ સરકાર સ્વતંત્રતા વિરોધી અને કટ્ટરવાદીઓની સમર્થક છે.