બનાસકાંઠા જિલ્લામાં દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવી અને દૂધ મંડળીના મંત્રી સહિત બે કર્મચારીઓ અને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ કરવામાં આવતા બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને 20 લાખ રૂપિયા નો દંડ ફટકારવાની ઘટના સામે આવી છે. પાલનપુરના સેમોદરા ખાતે આવેલી દૂધ મંડળીમાં ડેરીના મંત્રી અને ટેસ્ટર તેમજ દૂધ ગ્રાહકોની મિલીભગતથી મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવવામાં આવતું હતું જે બાબતો બનાસ ડેરીને ધ્યાને આવતા બનાસ ડેરીની ટીમ દ્વારા તપાસ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને 20 લાખ રૂપિયા નો દંડ ફટકારતા દૂધ મંડળીના ચેરમેન દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ચાર ગ્રાહક ડેરીના મંત્રી અને બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલાને લઈને ડેરીના મંત્રી રામજી પટેલે જણાવ્યું હતું કે, ગેરરીતિનો જે મામલો સામે આવ્યો છે એ મામલે બનાસ ડેરીની ટીમે તપાસ કરી છે અને બનાસ ડેરી દ્વારા 20 લાખ નો દંડ કરવામાં આવ્યો છે.. જે દોષિત કર્મચારીઓ તેમને છુટ્ટા કરાયા છે અને દંડ પણ ભર્યો છે, પરંતુ એક વ્યક્તિએ દંડ ન ભરતા ડેરીની કમિટી ચેરમેનની સાથે રહીને અમે ફરિયાદ આપી છે જે મામલે તપાસ ચાલુ છે. આ અંગે પાલનપુર તાલુકા પીઆઇ એમ આર બારોટે જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામની દૂધ મંડળીના ચેરમેન ધનરાજભાઈ પાલનપુર તાલુકા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી ગયા છે. જે આજથી છ માસ અગાઉ દૂધ મંડળી ની અંદર ગામના વિક્રમભાઈ અબ્દુલભાઈ મેસૂરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી આપેલું જેમાં ટેસ્ટર આરોપી શૈલેષભાઈ ભીખાભાઇ તેમજ મંત્રી એ મંજૂર કરેલું અને ટેસ્ટિંગ કરી તેને એપ્રુવ કર્યું હતું. જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું. બનાસ ડેરીની ઓડિટ ટિમની તપાસ દરમિયાન જેમને સરપ્રાઈઝ ચેકિંગ કર્યું જે દરમિયાન આ લોકોના મિલાપીપણાના કારણે ઓછા ફેટનું દૂધ વધુ ફેટમાં ભાવ લઈ આપવામાં આવતું હતું તેનું 20 લાખ રૂપિયા નું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતે સેમોદ્રા ગામના ધનરાજ ભાઈ હાલ સેમોદ્રા મંડળીના ચેરમેન ને ફરિયાદ એમના વિરુદ્ધમાં આપી છે જેની આગળની તપાસ પોલીસ કરી રહી છે.