સુરતના ભાગાતળાવ જનતા માર્કેટમાં આઠ વર્ષ અગાઉ પાર્કિંગના નાણાં અંગે થયેલી ઝઘડાને કારણે યુવાનની કરપીણ હત્યાના કેસમાં આજે બે મહિલા સહિત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. એડિશનલ સેશન્સ જજ રાકેશ રજનીકાંત ભટ્ટે આ સજા સંભળાવી હતી. મોબાઇલના ધંધા સાથે સંકળાયેલા ફૈયાઝ ઉર્ફે વાટી વાહેદકલામ પર 36થી વધુ ઘા મારવામાં આવ્યા હતા. જ્યારે તે ગંભીર રીતે ઘવાઈ જમીન પર પડ્યો, ત્યારે એક મહિલા આરોપીએ ચપ્પુ વડે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. જજના અભિપ્રાય અને દલીલો
કોર્ટે આ કેસને “રેરેસ્ટ ઓફ રેર કેસ” માન્યો નથી, તેથી ફાંસીની સજા ના ફરમાવી. જોકે, સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ફાંસીની સજા માટે દલીલો કરી હતી. તેમણે જણાવ્યું કે, મરનાર યુવાનનો નાનો દીકરો છે, જેની જવાબદારી હવે 70 વર્ષના દાદા પર આવી છે. તારીખ 22મી જાન્યુઆરી, 2016ના રોજ ફૈયાઝ અને અમીન સુકરીના દીકરાઓ વચ્ચે પાર્કિંગના નાણાં બાબતે ઝઘડો થયો હતો. તે પછી, 5મી માર્ચ, 2016ની રાત્રે, ફૈયાઝ જો આમંત્રણ પત્રિકા વહેંચવા માટે દુકાનમાં ગયો, ત્યારે આરોપીઓએ તેની પર તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે ફૈયાઝનું મોત નિપજ્યું હતું. આજીવન કેદની સજા અને દંડ
કોર્ટ દ્વારા આ પાંચ આરોપીઓને આજીવન કેદ અને 20,000 દંડ ફટકારવામાં આવ્યો છે. સજા પામેલા આરોપીઓના નામ: 1. મોહંમદ અમીન ઉર્ફે અમીન સુકરી બરફવાલા 2. મોહમ્મદ વકાસ ઉર્ફે વકાસ સુકરી અમીન બરફવાલા 3. અબ્દુલ અલી ઉર્ફે આબેદઅલી હૈદરઅલી સૈયદ 4. શહેનાઝબાનુ ઉર્ફે મોહમ્મદ અમીન સુકરી 5. ગજાલાબાનુ ઉર્ફે ગજુ મોહમ્મદ ઇમરાનયાકુબ ચક્કીવાલા સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર
કેસમાં કુલ 47 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, પરંતુ મોટાભાગના સાક્ષી હોસ્ટાઇલ જાહેર થયા હતા. તોય, એક મહત્વના સાક્ષીની જુબાની પુરાવાના રૂપે ન્યાયાલયમાં ધારદાર સાબિત થઈ. નિર્દોષ છૂટેલા આરોપીઓ
કોર્ટમાં પુરાવાના અભાવે અન્ય 8 આરોપીઓને નિર્દોષ છોડી દેવાયા હતા. વિશેષમાં, સલમાન નામના આરોપીને એડવોકેટ કેતન રેશમવાલાની દલીલના આધારે છોડી દેવામાં આવ્યો હતો, જે ઘટના સ્થળે ફક્ત બાઈક લઈને પહોંચ્યો હતો. આ કેસમાં કુલ 99 દસ્તાવેજી પુરાવા રજૂ થયા
કેસની તપાસ દરમ્યાન પોલીસે 99 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ઈન્ડિયન પીનલ કોડની કલમ-302 હેઠળ આરોપીઓને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા આપવામાં આવી.