back to top
Homeગુજરાતરાજકોટના સમાચાર:ફરિયાદ સંકલનની બેઠક, હિરાસર એરપોર્ટ, ઇશ્વરીયા પાર્કમાં બોટિંગ, અટલ સરોવર સહિતના...

રાજકોટના સમાચાર:ફરિયાદ સંકલનની બેઠક, હિરાસર એરપોર્ટ, ઇશ્વરીયા પાર્કમાં બોટિંગ, અટલ સરોવર સહિતના પ્રશ્નો ઉછળ્યા

રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક આજે કલેકટર કચેરીમાં કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં રાજકોટના મહત્વના પ્રશ્નો પદાધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં. જેનું નિરાકરણ કરવા કલેકટર પ્રભવ જોશી દ્વારા બધા અધિકારીઓને તાકીદ કરાઈ હતી. બેઠકમાં કલેકટરએ હાલમાં ચાલી રહેલા સરકારના ખેલ મહાકુંભ, ટીબી નિર્મૂલન, જળ સંચય અભિયાન, રેશનકાર્ડનું ઈ-KYC વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી. તો ગ્રામ્ય-તાલુકા કક્ષાએ સોશિયલ મીડિયા હેંન્ડલર્સને સક્રિય કરવા માટે સૂચના આપી હતી. પદાધિકારીઓએ એરપોર્ટ હિરાસર ખાતે ઇમિગ્રેશન અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ સહિતની સુવિધાઓ, જનાના હોસ્પિટલમાં પાર્કિંગ અને જાહેર શૌચાલય, નેશનલ હાઇવે પરના બ્રિજ અંગે કામગીરી, શહેરના મુખ્ય વિસ્તારો અને ખાનગી પ્લોટમાં સ્વચ્છતા જાળવવા રજૂઆત કરી હતી. તેમજ રાજકોટ ખાતેના અટલ સરોવર અને ઇશ્વરીયા પાર્ક ખાતે બોટિંગ પ્રક્રિયા, એઇમ્સ ખાતે બસ સ્ટોપની સુવિધા, જર્જરિત ગવર્નમેન્ટ ક્વાર્ટર્સ, નવી પદ્મ કુંવરબા હોસ્પિટલમાં પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ, સ્માર્ટ મીટર વીજ બિલ માટે પેમેન્ટની કામગીરી અંગેના પ્રશ્નો, માલવિયા ચોકથી ત્રિકોણબાગ સુધીના રસ્તાઓ પહોળા કરવા, ઢેબર રોડથી અટીકા સુધીના રસ્તાઓ પરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા, રાજકોટના કમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ખુલ્લા મૂકવા વગેરે અંગે રજૂઆત કરી હતી. શક્તિ સેલ્સ એજન્સીને 18.25 લાખનો દંડ ફટકારાયો
રાજકોટ જિલ્લામાં રાશનના ઘઉં અને ચોખાનો જથ્થો નિયત સમયમાં નહિ ઉપાડીને વિલંબ કરનારા ઈજારેદાર શક્તિ સેલ્સ એજન્સી સામે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ કાર્યવાહી કરીને 18.25 લાખનો દંડ ફટકાર્યો છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2023થી 25 માટે M.S.P./P.S.S. અંતર્ગત ખરીદવામાં આવતી ખેત જણસીઓ (મગફળી સિવાય)ના પરિવહનનો ઈજારો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા શક્તિ સેલ્સ એજન્સી, રાજકોટને આપવામાં આવ્યો હતો. જે મુજબ, સંબંધિત એજન્સીએ ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ખાતેથી ઘઉં અને ચોખાનો જથ્થો સમયસર ઉપાડીને રાજકોટ જિલ્લાના તમામ ગોડાઉનો ખાતે પરિવહન કરી પહોંચતો કરવાનો હોય છે. પરંતુ શક્તિ સેલ્સ એજન્સી સપ્ટે. 2024ની ફાળવણીનો ઘઉં – ચોખાનો કુલ 1825.788 મેટ્રિક ટન જથ્થો નિયત સમય મર્યાદામાં ઉપાડવામાં નિષ્ફળ ગઈ હતી. જેને કારણે સરકારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. તથા એજન્સી દ્વારા સરકાર સાથે કરવામાં આવેલી ટેન્ડર અને કરાર ખતની શરતોનો ભંગ કરવામાં આવ્યો હોવાથી આ કડક પગલાં લેવામાં આવ્યા હોવાનું પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણીએ જણાવ્યું હતું. રાજકોટમાં ગરીબ પરિવારનાં 14 વર્ષનાં તરુણને ટીબી મુક્ત કરાયો
હાલ સમગ્ર દેશમાં ક્ષય નિર્મુલન ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં સરકારી સારવારથી હઠીલા ટીબીથી મુક્ત થયેલા એક તરૂણનો કિસ્સો નોંધાયો છે. જેમાં અઢી વર્ષ પહેલા રાજકોટના સ્લમ એરીયામાં રહેતા ગરીબ પરીવારનાં જયેશ બાબુભાઇ વાડોલીયા નામના દીકરાને ઉધરસ, તાવની તકલીફ હતી, આજુબાજુના ખાનગી દવાખાનેથી દવાઓ લેવા છતાં તકલીફ વધતી ગઈ અને તે દીકરો પથારીવશ થઈ ગયો હતો. તેમજ તેને શ્વાસની તકલીફ પણ થવા લાગતા વજન પણ 8 કિલો ઘટીને 31 કિલો થઈ ગયું હતું. 20 ડિસેમ્બર 2022નાં રોજ સિવિલ હોસ્પિટલમાં બતાવતા ટીબી હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તુરંત સરકારની ગાઇડ લાઇન પ્રમાણે CBNAAT ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં રીઢો ટીબી (MDR TB) હોવાનું નિદાન થયું હતું. જેને પગલે દોઢ વર્ષ સુધી નિઃશુલ્ક સઘન સારવાર કરવામાં આવતા આ તરુણ ટીબી મુક્ત થયો હતો. પુત્રની તબિયતમાં સુધારો થતા પરિવારે ડોક્ટર અને સરકારનો આભાર માન્યો છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સિંઘે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દેશમાંથી વર્ષ 2025 સુધીમાં ટીબીને નિર્મૂળ કરવા આહવાન કર્યું છે. જેના પગલે ભારત સરકાર દ્વારા “100 દિવસની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ” શરૂ કરાઈ છે. રાજકોટ જિલ્લામાં ગત 7મી ડિસેમ્બરથી આ ઝુંબેશ વેગવાન બનાવાઈ છે. જેમાં અત્યાર સુધીમાં 17,844 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. અને 18 ટીબીના દર્દીઓ શોધીને સારવાર પર ભાર મુકવામાં આવ્યો છે. વોર્ડ નં.3માં સિટી બસના રૂટ અચાનક રદ્દ કરાતા સ્થાનિકોને હાલાકી
રાજકોટનાં સામાન્ય લોકો ઓછા ભાડામાં મુસાફરી કરી શકે તે માટે મનપા દ્વારા સિટી બસનું સંચાલન થાય છે. લોકોની સુવિધા માટે શરૂ કરેલ સિટી બસને હજુ પણ તમામ લત્તાવાસીઓને લાભ મળી રહ્યો નથી. વોર્ડ નં.3 ના સ્લમ કવાર્ટર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગની રૂટોની બસ રદ કરી દેવામાં આવી છે. જેને લઈ વોર્ડ નં.3ના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર દોઢ પોણા બે કલાકની વચ્ચે બસ આવે છે. જ્યારે બસની જરૂર હોય ત્યારે ન આવતી હોવાથી નાછુટકે લોકોએ મોંઘુ ભાડુ ચુકવી મુસાફરી કરવી પડે છે. હાલ વોર્ડ નં.3ના સ્લમ કવાર્ટરમાં નં.131 સામે બસનું સ્ટાર્ટીંગ પોઈન્ટ આવેલ છે. ત્યાંથી રૂટ નં.19 અને 25 ચાલે છે. ઘણીવાર બન્ને બસ 5 મીનીટના અંતરમાં એક સાથે જતી રહેતી હોવાથી કલાકો સુધી અન્ય બસ મળતી નથી. આથી 20 મીનીટના સમયગાળા દરમિયાન બસ મુકવા માંગ કરવામાં આવી છે. સાથે જ બસોને પહેલાની માફક રામકૃષ્ણ આશ્રમથી ચલાવવા પણ રજુઆત કરાઇ હતી. જુની જંત્રીનો દર યથાવત રાખવા CMને રજુઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ દ્વારા તાજેતરમાં જંત્રીદરમાં કરવામાં આવેલા વધારાને મોકૂફ રાખવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, હાલ રાજય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં જે સુચિત વધારો કરેલ છે. તેનો અલમ હજુ સુધી થયેલ નથી. તો રાજ્ય સરકારએ લીધેલા આ નિર્ણયને હાલની જુની જંત્રીના દરોને માન્ય રાખી ગણવા અરજ કરવામાં આવેલ છે. જંત્રીનો ભાવ ફેર કરવામાં આવે તો સરકારને અમારી માંગણી એ છે કે જીઆઈડીસીને જે જગ્યા ફાળવવામાં આવેલી છે તે જગ્યાનો ભાવ જુની જંત્રી પ્રમાણે કરવો, જેથી કરીને ઉદ્યોગકારોને ખરા અર્થમાં ફાયદો થાય અને વેગ મળી શકે છે. આ સાથે જ ચેમ્બરની રજુઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીન ઔદ્યોગીક એકમો માટે જંત્રીના દરે આપવા માટેનાં લીધેલ મહત્વપુર્ણ નિર્ણયને આવકર્યો હતો. સિમંધર ટોયઝમાંથી 25 લાખની કરચોરી ઝડપાઇ
રાજકોટ જીએસટી વિભાગે શહેરનાં જાણીતા રમકડાનાં વેપારી ‘સિમંધર’ ટોયઝ ઉપર કરચોરી અંગે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જીએસટી વિભાગે આ પેઢીની યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ સહિતની ત્રણ દુકાનો અને ગોડાઉનોમાં સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં ખાસ કરીને સ્ટોક ડિફરન્સ અને કાચી ચિઠ્ઠીનાં વેંચાણ અંગે જીએસટી વિભાગે તપાસ કરી હતી. આ તપાસ એકધારી ત્રણ દિવસ સુધી ચાલી હતી. જેમાં તંત્રએ આ પેઢીમાંથી જપ્ત કરેલ હિસાબી સાહિત્ય અને કોમ્પ્યુટર ચકાસણીનાં અંતે સ્ટોક ડિફરન્સ મળી આવ્યો છે. ખાસ કરી વેપારી દ્વારા કાચી ચિઠ્ઠી ઉપર ખરીદ-વેચાણ કર્યાનું પણ ખુલ્યું હતું. અને તપાસના અંતે રૂા.25 લાખ જેટલી કરચોરી મળી આવી હતી. આથી જીએસટી વિભાગે કરચોરી સબબ વેરાની વસુલાત વેપારી પાસેથી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments