back to top
Homeગુજરાતરાજકોટવાસીઓ બહારનું ખાતા હોવ તો ચેતી જજો:ગત વર્ષની સરખામણીમાં ફૂડ વિભાગે 50%...

રાજકોટવાસીઓ બહારનું ખાતા હોવ તો ચેતી જજો:ગત વર્ષની સરખામણીમાં ફૂડ વિભાગે 50% વધુ અખાદ્ય ચીજવસ્તુઓ ઝડપી, બે વર્ષમાં ભેળસેળિયા તત્વો પાસેથી 62 લાખનો દંડ વસૂલ્યો

રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ ચેકિંગ છતાં વેપારીઓ ભેળસેળ કરવાનું બંધ કરતા નથી. રાજકોટ શહેરમાં વર્ષ 2023 કરતા 24માં અખાદ્ય ચીજ-વસ્તુમાં 50% જેટલો વધારો નોંધાયો છે. મનપાએ ગતવર્ષે 24,000 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની સામે ચાલુ વર્ષે નવેમ્બર સુધીમાં જ 36,000 કિલો જથ્થો ઝડપાયો છે. ભેળસેળ કરતા વેપારીઓ પાસેથી ગતવર્ષે રૂ. 11.80 લાખ અને ચાલુવર્ષે નવેમ્બર સુધીમાં રૂ.51.10 લાખ મળી બે વર્ષમાં કુલ રૂ. 62.90 લાખનો દંડ વસુલાયો છે. ત્યારે લોકોએ બહારની વસ્તુ આરોગતા સાવચેત રહેવું જરૂરી છે. નેગેટિવ રિપોર્ટ બદલ વેપારીઓ સામે એજ્યુડિકેશન કાર્યવાહી
રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ તહેવારો પૂર્વે ખાસ ડ્રાઈવ ચલાવી અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા પ્રયાસ કરવામાં આવે છે. આ સિવાય સામાન્ય દિવસોમાં પણ ફૂડ વિભાગની ટીમો શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં આવેલા ખાણી-પીણીનાં વેપારીઓની તપાસ કરે છે. આ દરમિયાન વાસી તેમજ અખાદ્ય પદાર્થો મળી આવતા જ તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે. અમુક વસ્તુમાં સ્થળ પર ગુણવત્તા નક્કી કરવી શક્ય ન હોય ત્યાંથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. આ નમુનાઓનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જે-તે વેપારીઓ સામે એજ્યુડિકેશનની કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવતો હોય છે. ભેળસેળીયાઓને રૂ. 11.80 લાખનો દંડ ફટકારાયોઃ અધિકારી
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, રાજકોટમાં ગતવર્ષ 2023માં 1600 કિલો પનીર, 4,000 કિલો ચણા, 14,500 કિલો ફરસાણ ઉપરાંત 2,000 કિલો કરતા વધુ મુખવાસ સહિત કુલ 24,794 કિલો જુદી-જુદી અખાદ્ય વસ્તુઓ ઝડપી લઈને તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 4,000 કિલો કરતા વધારે કોટનસીડ (કપાસિયા) તેલ સહિત કુલ 5,239 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. તેમજ અલગ-અલગ વેપારીઓ પાસેથી કુલ 335 નમુના લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાંથી 30 જેટલા નમુના અનસેફ જાહેર થતા જ એજ્યુડિકેશનની કાર્યવાહી કરી ભેળસેળ કરનારા વેપારીઓની પાસેથી રૂ. 11.80 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ‘317 નમુનામાંથી 17 અનસેફ જાહેર થયા હતા’
વર્ષ 2024માં મનપાનાં ફૂડ વિભાગે અખાદ્ય વસ્તુઓનું વેચાણ અટકાવવા વધુ સઘન કામગીરી કરી હતી. જેમાં ટુટીફૂટી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા 20,000 કિલો કાચા પપૈયા, 5,500 કિલો ચણા, મગ અને પંજાબી સ્ટીક તેમજ 2,000 કિલો મીઠો માવો અને મલાઈ સહિત કુલ 36,268 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે સનફ્લાવર ઓઇલ તેમજ ઘી સહિત 164 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો સિઝ પણ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન આ સાથે અલગ-અલગ વેપારીઓ પાસેથી કુલ 317 નમુના લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાંથી 17 જેટલા નમુના અનસેફ જાહેર થતા એજ્યુડિકેશનની કાર્યવાહી કરી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા અલગ અલગ વેપારીઓ પાસેથી રૂ. 51.10 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ‘સ્વાદ જરાપણ અલગ જણાય તો ફરિયાદ કરવી જોઈએ’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બહારનો ખોરાક લેતા પહેલા લોકોએ સાવચેતી રાખવી જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સારી રીતે પેક થયેલી બ્રાન્ડેડ વસ્તુઓ આરોગવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા એક્સપયારી ડેઈટ અને વસ્તુની ગુણવતા ચકાસવી જોઈએ. સૌથી વધુ ભેળસેળ ફરસાણમાં કરવામાં આવતી હોય છે. ત્યારે ફરસાણનો સ્વાદ જરાપણ અલગ જણાય તો તેને આરોગવાથી તો ખાસ બચવું જોઈએ. અમુક વસ્તુઓ ઉપર ફંગસ પણ લાગી જતી હોય છે, તેમજ અખાદ્ય પદાર્થનો કલર ફરી જતો હોય છે. આવી બાબતો ખોરાકને જોતા જ સામે આવી જાય છે. ત્યારે તેને આરોગવાને બદલે ફરિયાદ કરવી જોઈએ. સાથે જ વિવિધ આકર્ષક કલરનાં દેખાતા ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ‘અખાદ્ય ખોરાકથી કેન્સર સહિતનાં રોગ થવાની પણ શક્યતા’
અખાદ્ય પદાર્થનો ખોરાકમાં ઉપયોગ કરવાથી રોગનો ભોગ બનવાની શક્યતા વધે છે. જેમાં પેટ અને ચામડીનાં વિવિધ પ્રકારના રોગ થાય છે. તેમજ ગંભીર રિએક્શન પણ આવી શકે છે. જેમાં મોઢામાં ચાંદા પડવાથી લઈને એલર્જી, ઝાડા-ઊલટીની સાથે કેન્સર સહિતનાં રોગ પણ થવાની શક્યતા છે. બેક્ટેરિયામાં ફંગલ થયેલો ખોરાક આરોગવાથી ગેસ્ટ્રોને લગતી વિવિધ બીમારીઓ તેમજ આંતરડામાં ચાંદા પડવાની સાથે આંતરડાનાં કેન્સર જેવા રોગ થવાની શક્યતા છે. સાથે-સાથે મૂત્રાશય, મૂત્રપિંડ અને પ્રોસ્ટેટ સહિતનાં કેન્સર લાંબા ગાળે થવાની પણ શક્યતા છે. ત્યારે લોકોએ પણ અખાદ્ય ખોરાક ખાવાથી બચવું જોઈએ. માત્ર થોડા વધુ રૂપિયા કમાવવા માટે વેપારીઓએ આવી ભેળસેળ કરવી ન જોઈએ. રાજકોટમાં ખાસ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ થવી જરૂરી
ઉલ્લેખનીય છે કે, અમુક વેપારીઓ દ્વારા વધારે નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. જેમાં અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. જેના કારણે શહેરમાં રોગચાળો ફેલાવાની દહેશત રહેતી હોય છે. આવું ન બને તે માટે ફૂડ વિભાગ દ્વારા જુદા-જુદા તહેવારો પૂર્વે ખાસ ડ્રાઈવ ચલાવી અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા પ્રયાસ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ ફૂડ વિભાગની ટીમો શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલા ખાણી-પીણીનાં વેપારીઓની તપાસ કરે છે. દરમિયાન વાસી તેમજ અખાદ્ય પદાર્થો મળી આવતા જ તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે અને જરૂર પડ્યે નમુના લેવામાં આવે છે. જોકે, તેનો રિપોર્ટ અવવામાં લાંબો સમય લાગે છે. ત્યારે આ માટે રાજકોટમાં ખાસ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments