ચૂંટણી નિયમોમાં ફેરફાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારે ચૂંટણીપંચ (ECI)ની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે. રવિવારે સવારે X પર એક પોસ્ટમાં ખડગેએ કહ્યું- પહેલાં મોદી સરકારે ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી પેનલમાંથી CJIને હટાવી દીધા હતા અને હવે તેઓ ચૂંટણીની માહિતી જનતાથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારના ચૂંટણી નિયમોમાં થયેલા ફેરફારો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મોદી સરકારનું આ પગલું બંધારણ અને લોકશાહી પર સીધો હુમલો છે. સરકારે ચૂંટણી આચાર નિયમો, 1961માં સંશોધન કરતા CCTV ફૂટેજ, વેબકાસ્ટિંગ અને ઉમેદવારોના વીડિયો રેકોર્ડિંગ જેવા કેટલાક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું જાહેર નિરીક્ષણ અટકાવામાં આવ્યું છે. ખડગેએ તેને ચૂંટણી પંચની સંસ્થાકીય અખંડિતતાને નષ્ટ કરવા માટેનું “સુવ્યવસ્થિત કાવતરું” ગણાવ્યું છે. ખડગેએ કહ્યું- મોદી સરકાર દ્વારા ચૂંટણી પંચની પ્રમાણિકતાને સુનિયોજીત રીતે ખતમ કરવી એ બંધારણ અને લોકશાહી પર સીધો હુમલો છે. જ્યારે પણ કોંગ્રેસે ચૂંટણીપંચને મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા અને EVMમાં પારદર્શિતા અંગે પત્ર લખ્યો ત્યારે ECIએ અપમાનજનક ભાષામાં જવાબ આપ્યો અને અમારી ફરિયાદો પણ સ્વીકારી નહીં. ખરેખરમાં, 20 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે મતદાન મથકોના CCTV, વેબકાસ્ટિંગ ફૂટેજ અને ઉમેદવારોના વીડિયો રેકોર્ડિંગ જેવા કેટલાક ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટને જાહેર કરવાથી રોકવા માટે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે AIના ઉપયોગથી, મતદાન મથકના CCTV ફૂટેજ સાથે ચેડાં કરીને ખોટી માહિતી ફેલાવી શકાય છે. બદલાવ પછી પણ તે ઉમેદવારો માટે ઉપલબ્ધ રહેશે. અન્ય લોકો તેને મેળવવા માટે કોર્ટમાં જઈ શકે છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્ણયથી નિયમો બદલાયા ચૂંટણીપંચ (EC)ની ભલામણ પર, કાયદા મંત્રાલયે 20 ડિસેમ્બરે ધ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલ-1961ના નિયમ 93(2)(A)માં ફેરફાર કર્યો છે. નિયમ 93 કહે છે- “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે.” તેને બદલીને “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો ‘નિયમો મુજબ’ સાર્વજનિક રૂપે ઉપલબ્ધ રહેશે.” પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક કેસમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત દસ્તાવેજો અરજદાર સાથે શેર કરવાના નિર્દેશ આપ્યા હતા. આમાં CCTV ફૂટેજ પણ નિયમ 93(2) હેઠળ માનવામાં આવ્યા હતા. જો કે, ચૂંટણીપંચે કહ્યું હતું કે આ નિયમમાં ઈલેક્ટ્રોનિક રેકોર્ડ સામેલ નથી. આ અસ્પષ્ટતાને દૂર કરવા માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ECએ કહ્યું- ઈલેક્ટ્રોનિક રેકોર્ડને જાહેર કરવાનો કોઈ નિયમ નથી
ECએ કહ્યું કે નોમિનેશન ફોર્મ, ચૂંટણી એજન્ટોની નિમણૂક, ચૂંટણી પરિણામ અને ચૂંટણી એકાઉન્ટ સ્ટેટમેન્ટ જેવા ડોક્યુમેન્ટ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલમાં ઉલ્લેખિત છે. આચારસંહિતા દરમિયાન, ઉમેદવારોના CCTV ફૂટેજ, વેબકાસ્ટિંગ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ જેવા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો તેમાં આવરી લેવામાં આવતા નથી. એક પૂર્વ EC અધિકારીએ જણાવ્યું હતું કે મતદાન મથકોના CCTV કવરેજ અને વેબકાસ્ટિંગ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલના નિયમ હેઠળ નથી, પરંતુ પારદર્શિતા માટે હોય છે. તેમજ કમિશનના એક અધિકારીએ કહ્યું કે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં નિયમોને ટાંકીને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ માંગવામાં આવ્યા હતા. સુધારો એ સુનિશ્ચિત કરે છે કે નિયમોમાં ઉલ્લેખિત દસ્તાવેજો જ જાહેર કરવામાં આવે. નિયમોમાં ઉલ્લેખિત ન હોય તેવા અન્ય દસ્તાવેજોને જાહેર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કોંગ્રેસે કહ્યું- ટૂંક સમયમાં કાયદેસર પડકારશે
નિયમોમાં ફેરફાર બાદ કોંગ્રેસે શનિવારે ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે પંચ પર ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાનો નાશ કરવાનો અને પારદર્શિતાને નબળી કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર લખ્યું- હાલના સમયમાં ભારતની ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા ઝડપથી ઘટી રહી છે. હવે આના સ્પષ્ટ પુરાવા સામે આવ્યા છે. ચૂંટણી સંબંધિત તમામ માહિતી શેર કરવાના પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્દેશને અનુસરવાને બદલે પંચ નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે.