જૈનુલ અન્સારી
શહેરમાં મિલકતોની સંખ્યા છેલ્લાં પાંચ વર્ષમાં વધીને 24.46 લાખ થઈ ગઈ છે, જોકે કોટ વિસ્તાર એટલે કે મધ્ય ઝોન આજે પણ ધંધો કરવા માટે પહેલી પસંદ છે. શહેરની કુલ ધંધાકીય એકમોમાંથી 21 ટકા એકમો માત્ર મધ્ય ઝોનમાં છે.
મ્યુનિ.ના ટેક્સ વિભાગમાં નોંધાયેલા આંકડા મુજબ, 2019-20માં રહેણાક અને કોમર્શિયલ મિલકતોની સંખ્યા 21.41 લાખ હતી, જે 2023-24માં વધીને 24.46 લાખ થઈ ગઈ છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરેરાશ મિલકતોની સંખ્યા 14.24 ટકા વધી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં છેલ્લાં 5 વર્ષમાં 31.89 ટકા અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 24.39 ટકા મિલકતોની સંખ્યા વધી છે. જ્યારે મધ્ય ઝોનમાં વિસ્તાર સીમિત હોવાથી ફક્ત 1.33 ટકા મિલકતોની સંખ્યા વધી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં રહેણાક મિલકતોમાં 2019-20ની સરખામણીએ 28.22 ટકા અને ધંધાકીય એકમોમાં 46.82 ટકાનો વધારો થયો છે. જોકે બિઝનેસ હબ હજી પણ મધ્ય ઝોન જ છે. એસજી હાઈવે, સીજી રોડ પર સતત કોમર્શિયલ એકમો તૈયાર થઈ રહ્યા છે છતાં હજી પણ મધ્ય ઝોનમાં કોમર્શિયલ એકમોની સંખ્યા સૌથી વધુ 1.29 લાખ એટલે કે 20.91 ટકા છે. જ્યારે પૂર્વ ઝોનમાં સૌથી વધુ 3.41 લાખ રહેણાક એકમો છે. છેલ્લાં પાંચ વર્ષમાં પ્રોપર્ટી ટેક્સ પેટે આવકમાં 62.27 ટકા વધારો થયો
મ્યુનિ.ની પ્રોપર્ટી ટેક્સની આવક સતત વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સની આવકમાં 62.27 ટકાનો વધારો નોંધાયો છે. 2019-20માં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સ પેટે 1035.28 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જે 2023-24માં વધીને 1679.98 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, તેમાં 644.7 કરોડ રૂપિયાનો વધારો થયો છે. પશ્ચિમ ઝોનમાંથી પ્રોપર્ટી ટેક્સ પેટે સૌથી વધુ 371.49 કરોડ રૂપિયાની આવક થઈ હતી.