જંબુસર તાલુકાના કહાનવા ગામમાં 2014માં થયેલ બેદરકારીનું પરિણામ આંગણવાડીના 35 બાળકો ભોગવી રહયાં છે. આંગણવાડી બનાવવામાં આવી છે તેના માલિકોના નામમાં વિવાદના લીધે એક મહિનાથી ઓરડાને તાળુ મારી દેવામાં આવતાં હાલ બાળકો સંચાલકના ઘરે અભ્યાસ કરી રહયાં છે. કહાનવા ગામ માં શેખાવગા વિસ્તારમાં 2014માં આંગણવાડી ( બાળવાડી)નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી જે તે સમયે કાસમભાઈ રસુલ ભાઈના ખેતર માં બનાવવાની મંજુરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જે તે સમયના તલાટી, સરપંચ, સુપરવાઈઝર, એન્જીન્યર,તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આંગણવાડી ઇસ્માઇલભાઇના ખેતરમાં બનાવી દીધી હતી. 10 વર્ષ બાદ ઇસ્માઇલભાઇને ખોટી જગ્યામાં આંગણવાડી બનાવી દીધી હોવાની ખબર પડતાં તેમણે એક મહિનાથી આંગણવાડીને તાળુ મારી દીધું છે. આંગણવાડી બંધ થતાં 35 બાળકોના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો છે. જે તે સમયની પંચાયત બોડી તથા લાગતા વળગતા અધિકારીઓની બેદરકારીને કારણે આજે 35 નાના બાળકો આ બાળવાડી માં અભ્યાસ કરી શકતા નથી તેમના ભણતર નો પ્રથમ એક પાયો આ બેદરકાર લોકો એ છીનવી લીધો છે. 35 બાળકોમાંથી નજીક રહેતા બાળકો આજે ના છુટકે બાળવાડી ચલાવનાર બેનના નિવાસસ્થાને અભ્યાસ કરે છે પણ દૂર રહેતા બાળકો નું ભવિષ્ય નષ્ટ થઈ ગયું છે . સરકાર બાળકો ના ભવિષ્ય માટે ભણતર માટે અનેક પ્રયત્નો કરી રહી છે પણ વચેટિયા અધિકારીઓની સાંઠગાંઠ અને કમિશનની લાલચે આજે ઉછળતા ભૂલકાંઓની જીંદગી સાથે ખીલવાડ થયો હોવાની બૂમો ઉઠી છે. બાળકોને હાલ સંચાલિકાના ઘરે ભણાવવામાં આવી રહયાં છે.