અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે એક મહિલાની મેટ્રોમાં આગ લગાડીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી છે. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા પ્રમાણે સવારે લગભગ 7.30 વાગ્યે મેટ્રોમાં મહિલા પાસે પહોંચ્યો અને સ્ટેશન પર ઉતરતા પહેલાં મહિલાના કપડામાં આગ લગાડી દીધી. આગ લાગવાથી મહિલાનું મોત થઈ ગયું છે. ન્યૂયોર્ક પોલીસ કમિશનર જેસિકા ટીશે જણાવ્યું કે આરોપીએ મહિલાના સફેદ ડ્રેસને લાઈટર વડે આગ લગાવી દીધી હતી. આગને કારણે થોડી જ સેકન્ડોમાં આગ મહિલાના અન્ય કપડામાં ફેલાઈ ગઈ હતી. પીડિત મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આગ લગાવ્યા બાદ આરોપી મેટ્રોમાંથી નીચે ઉતરીને સ્ટેશન પર બેસી ગયો હતો. પ્લેટફોર્મ પર બેસીને તે સળગતી મહિલાને જોઈ રહ્યો હતો. આગ લાગી ત્યારે મહિલા સૂઈ રહી હતી ટિશે કહ્યું કે મેટ્રો સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓએ ટ્રેનમાંથી ધુમાડો આવતો જોયો અને તેની ગંધ આવી. આ પછી તેઓ સ્થળ પર પહોંચ્યા અને જોયું કે પીડિતા આગમાં સળગી રહી હતી. આ પછી અધિકારીઓએ આગ ઓલવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ તપાસ બાદ મહિલાને મૃત જાહેર કરી હતી. પોલીસે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટના સમયે મહિલા સૂતી હતી. આગ લગાડતા પહેલા આરોપી અને મહિલા વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંને એકબીજાને ઓળખતા ન હતા. સીએનએનના અહેવાલ મુજબ આરોપીએ મહિલાના ધાબળામાં આગ લગાવી દીધી હતી. શાળાના બાળકોએ આરોપીને પકડી લીધો પોલીસના બોડી કેમેરામાં સ્ટેશન પર બેઠેલા આરોપીની તસવીરો કેદ થઈ ગઈ હતી. જોકે તે સમયે તેની ઓળખ થઈ શકી ન હતી. મેટ્રો સીસીટીવીમાંથી મળેલા વીડિયોમાં તેના દેખાવના આધારે આરોપીની ઓળખ થઈ હતી. આ પછી, પોલીસે બોડી કેમેરામાંથી મેળવેલા ફૂટેજને સાર્વજનિક કર્યા અને આરોપીઓને પકડવા માટે લોકોની મદદ માંગી. પોલીસે આરોપીને પકડવામાં મદદ કરવા બદલ 10,000 ડોલરનું ઈનામ આપ્યું હતું. આ પછી સ્કૂલના 3 બાળકોએ આરોપીને જોયો અને તેના વિશે માહિતી આપી. ઘટનાના માત્ર 8 કલાક બાદ જ પોલીસે અન્ય મેટ્રો ટ્રેનમાંથી તેની ધરપકડ કરી હતી.