ભારત સહિત વિશ્વના 217 દેશોમાં વિદ્યાર્થીઓને નાનપણથી જ કોઈપણ વિકટ સમસ્યામાંથી સમાધાન શોધવાની સાથે સમાજને ઉપયોગી થવા માટેની સ્કાઉટ એન્ડ ગાઈડની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જેમાં ભારતમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પરીક્ષા થકી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ મેળવનારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં વિદેશ જવા માટે સરળતાથી વિઝા મળે છે. તો કેન્દ્ર સરકારમાં રેલવે સહિતના વિભાગોમાં સરકારી નોકરી પ્રાપ્ત થાય છે. આ વખતે ગુજરાતમાં રાજ્યપાલ એવોર્ડ માટેની પરીક્ષામાં 1100 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં રાજકોટના 435 વિદ્યાર્થીઓ છે. વૈશ્વિક લેવલે ચાલતી આ પ્રવૃત્તિ ભારતમાં 36 વર્ષ બાદ આવેલી નવી શિક્ષણનીતિમાં પણ ફરજિયાત ગણવામાં આવી છે, જેને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આ વિદ્યાર્થીઓ માટે અન્ય રાજ્યની માફક ગુજરાતમાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. જો ગ્રાન્ટ શરૂ થાય તો ગુજરાતમાં હાલમાં સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓની સંખ્યા 53000 છે તે વધીને અઢી લાખ થઈ શકે છે. આ વિદ્યાર્થીઓ સ્વવિકાસની સાથે કુદરતી આફતો સમયે સમાજને મદદરૂપ પણ થઈ શકે છે. નવી શિક્ષણનીતિ ત્રણમાંથી એક પ્રવૃતિ રાખવી ફરજિયાતઃ ભરતસિંહ પરમાર
રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘનાં મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ભારત સરકારના યુથ એન્ડ અફેર્સ ડિપાર્ટમેન્ટ તરફથી જે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ચાલે છે, તેમાં NCC, NSS, સ્કાઉટ એન્ડ ગાઈડ, ઈકો ક્લબ, રેડ ક્રોસ અને નહેરુ યુવા કેન્દ્ર ચાલે છે. જોકે, હવે નવી શિક્ષણનીતિ આવી છે, તેમાં વિદ્યાર્થીઓએ મુખ્યત્વે ત્રણ પ્રવૃત્તિઓ એટલે કે, NCC, NSS અને સ્કાઉટ ગાઇડ તેમાંથી કોઈપણ એક પ્રવૃત્તિ ફરજિયાત રાખવાની હોય છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘના નેજા હેઠળ સ્કાઉટની પ્રવૃત્તિ ચાલે છે. ‘રાજકોટના 435 વિદ્યાર્થીને રાજભવનમાં એવોર્ડ અપાશે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં 53,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં રાજકોટમાં 5000 વિદ્યાર્થીઓ રજિસ્ટર થયેલા છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી 1100 જેટલા વિદ્યાર્થીઓ રાજ્યપાલ એવોર્ડમાં બેસવાના છે. ત્યારે તેમાં રાજકોટમાંથી 435 વિદ્યાર્થીઓ રાજ્યપાલ એવોર્ડ માટેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને તેઓને હવે પછી રાજભવનમાં રાજ્યપાલ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. ‘ધો. 6થી વિદ્યાર્થીઓ સ્કાઉટ એન્ડ ગાઈડની પ્રવૃત્તિમાં જોડાય’
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, સ્કાઉટ એન્ડ ગાઈડની પ્રવૃત્તિમાં ધોરણ 6થી વિદ્યાર્થીઓ જોડાતા હોય છે. જેમાં તેઓની પ્રવેશ પૂર્વે પરીક્ષા લેવામાં આવે છે. પ્રવેશ થયા બાદ તેઓની દિક્ષા વિધિ કરવામાં આવે છે. જે બાત તેઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સોપાન પાસ કરવાનું હોય છે. તૃતીય સોપાન પાસ થયા પછી તે વિદ્યાર્થી રાજ્યપાલ એવોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. જેમાં પ્રેક્ટીકલ અને થીયરી બંને 100-100 માર્કસના પેપર હોય છે. જેમાં થીયરી અને પ્રેક્ટીકલમાં વિદ્યાર્થીઓએ 60-60 એટલે કે 200માંથી 120 માર્ક ફરજિયાત લેવાના હોય છે. ‘વિદ્યાર્થીઓને સૂર્યની મદદથી દિશા નક્કી કરવાનું પણ શીખવાય છે’
સ્કાઉટ એન્ડ ગાઈડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સોપાનમાં સ્કાઉટ એન્ડ ગાઈડનુ ઝંડા ગીત, પ્રાર્થના, પ્રતિજ્ઞા ઉપરાંત ભારત દેશનું રાષ્ટ્રગીત હોય છે. આ સાથે જ હાઈક એટલે કે પર્યટનની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. જેમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોય છે. આ સાથે જ તેઓને 14 પ્રકારની ગાંઠો શીખવવામાં આવે છે, જે જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. ત્યારબાદ હાથ, માથું, ખંભા અને ઘૂંટણનો પાટો બાંધતા શીખવવામાં આવે છે. હોકાયંત્ર માફક કંપાસથી દિશા શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ જ્યારે પર્યટનમાં જાય ત્યારે તેમની પાસે કોઈ જ સાધનો હોતા નથી, પરંતુ તે સૂર્યની મદદથી દિશા નક્કી કરી શકે તેવું શીખવવામાં આવે છે. ‘કોરોના કાળમાં વિદ્યાર્થીઓએ સમાજની મદદ કરી હતી’
કોઈપણ જગ્યાએ ફલડ, ડિઝાસ્ટર સહિતની કુદરતી આફતો આવે તો તે વિદ્યાર્થી પોતે કઈ રીતે રહી શકે અને સમાજના અન્ય લોકો છે તેઓને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. કોરોના કાળમાં સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓએ ઘણા બધા લોકોને મદદ કરી હતી. જ્યાં પણ ફ્લડ કંટ્રોલ રુમ હોય કે કુદરતી આફત આવે ત્યારે એનસીસી અને એનએસએસની સાથે સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓ પણ લોકોને મદદરૂપ થતા હોય છે. રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારને કેન્દ્રમાં સરકારી નોકરીનો લાભ
વિશ્વના 217 જેટલા દેશોમાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે. ભારતના તમામ રાજ્યોમાં સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ ચાલે છે. સ્કાઉટ એન્ડ ગાઈડમાં રાજ્યપાલ એવોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થાય છે, તેના 2 વર્ષ બાદ તેઓ રાષ્ટ્રપતિ એવોર્ડ માટેની પરીક્ષા આપી શકે છે. ભારતમાં દર વર્ષે 200 જેટલા બાળકોને દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીને રેલવે સહિતની કેન્દ્ર સરકારની ભરતીમાં લાભ મળી શકે છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓમાં સ્કાઉટ એન્ડ ગાઈડના રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. સરકાર ગુજરાતને ગ્રાન્ટ આપવામાં ઉદાસીન
અંતમાં તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે NCC અને NSSની પ્રવૃત્તિઓ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. ગુજરાતને બાદ કરતા અન્ય રાજ્યોમાં સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન સંખ્યા મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. જેમાં વિદ્યાર્થી દીઠ એક વર્ષ માટે રૂ. 800ની ગ્રાન્ટ આપવામાં આવે છે. જેથી ફરી ગુજરાત સરકાર દ્વારા સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓ માટે સંઘને ગ્રાન્ટ આપવામાં આવે તો હાલ રાજ્યમાં 53 હજાર વિદ્યાર્થીઓ છે, તેમાંથી વધીને આ સંખ્યા અઢી લાખ સુધી પહોંચી શકે છે.