અમે વિચાર્યું હતું કે CBI તપાસ કરશે તો અમારી દીકરીને ન્યાય મળશે, પરંતુ આરોપીને જામીન મળ્યા બાદ એવું લાગે છે કે તંત્ર અમને હરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોલકાતામાં રેપ-હત્યાનો ભોગ બનેલી ટ્રેઈની ડૉક્ટર યુવતીની માતાએ 13 ડિસેમ્બરે બે આરોપીઓને જામીન મળ્યા બાદ આ વાત કરી હતી. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9મી ઓગસ્ટે બનેલી ઘટનાને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન દેશના બે નામાંકિત વકીલોએ પીડિતાનો કેસ લડવાનો પણ છોડી દીધો છે. 12 ડિસેમ્બરે ટ્રાયલ કોર્ટમાં પીડિતાનો પક્ષ રજુ કરવા માટે કોઈ નહોતું. બીજા દિવસે ત્રણ પૈકી બે આરોપીને જામીન મળી ગયા હતા. CBIની તપાસથી નિરાશ પીડિતાનો પરિવાર 19 ડિસેમ્બરે હાઈકોર્ટ પહોંચ્યો હતો અને નવેસરથી તપાસની માંગ કરી હતી. હવે સવાલ એ છે કે શરૂઆતથી જ અચાનક તપાસની માંગ કેમ ઉભી થઈ? 9 ઓગસ્ટથી અત્યાર સુધીમાં ડિસેમ્બરમાં શું થયું? આરોપીને જામીન કેવી રીતે મળ્યા? હવે પીડિત પરિવારનો કેસ કોણ લડશે? આ અંગે ભાસ્કરે તપાસ કરી હતી. ટ્રેઇની ડોક્ટરની માતાએ કહ્યું- પોલીસ હત્યારાઓને પકડી શકી નથી
પીડિતાની માતાએ કહ્યું, ‘મારી પુત્રીના હત્યારાઓને પહેલા જ દિવસે પકડી શકાયા હોત, પરંતુ કોલકાતા પોલીસે પ્રયાસ પણ કર્યો ન હતો. ઘટનાના એક મહિના પછી જ્યારે CBI એ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ અભિજિત મંડલની ધરપકડ કરી ત્યારે અમને લાગ્યું કે ન્યાય મળશે, પરંતુ નહીં. CBIએ 13 ડિસેમ્બર સુધીમાં તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવાની હતી, પરંતુ તેમ થયું નહીં. જેના કારણે બંને આરોપીઓને જામીન મળી ગયા હતા. અમે CBIની તપાસથી બિલકુલ સંતુષ્ટ નથી. જો CBI યોગ્ય રીતે તપાસ કરી રહી છે તો ધરપકડના 90 દિવસમાં ચાર્જશીટ કેમ રજુ કરવામાં આવી નથી? પીડિતાના પિતાએ કહ્યું- આરોપીઓ મોટાં માથાં, તેઓ અમારો જીવ પણ લઈ શકે છે
ટ્રેઈની ડૉક્ટરના પિતાએ કહ્યું, ‘આરોપીઓ મોટા માથા છે. અમે સામાન્ય લોકો છીએ. અમે કાયદાકીય માધ્યમથી જ ન્યાય માટે લડી શકીએ છીએ. હાઈકોર્ટે 19 ડિસેમ્બરે અમને ખાતરી આપી છે કે જો જરૂર પડશે તો તે પોતે આ કેસની દેખરેખ રાખશે. શું તમને બીક લાગે છે? આ સવાલ પર ટ્રેઈની ડોક્ટરના પિતાએ કહ્યું, ‘ડર! કઈ વાતનો ડર? તેઓ અમારો જીવ પણ લઈ શકે છે. અનાથી વધુ શું કરી શકશે. અમે મોતથી ડરતા નથી. અમે કોઈપણ ભોગે ન્યાય લઈને જ રહીશું. ગમે તે થાય, અમે હિંમત હારીશું નહીં. કેસ છોડનારા બે વકીલ કોણ છે, તેમના પાછળ હટવાનું કારણ શું હતું?
ટ્રેઈની ડૉક્ટરના પિતાએ કહ્યું, ‘અમે અમારા વકીલ તરીકે એડવોકેટ વિકાસ રંજન ભટ્ટાચાર્યને પસંદ કર્યા હતા. અમે ઈચ્છીએ છીએ કે તેઓ હાઈકોર્ટ અને સિયાલદહ કોર્ટમાં અમારો કેસ લડે. અમે સુપ્રીમ કોર્ટ માટે બીજા વકીલની શોધમાં હતા. ભટ્ટાચાર્યને આ ગમ્યું નહીં અને તમામ કોર્ટમાં અમારો કેસ છોડી દીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભટ્ટાચાર્યના વ્યસ્ત કાર્યક્રમના કારણે પીડિત પરિવારને નવો વકીલ શોધવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટના રેકોર્ડ મુજબ ભટ્ટાચાર્યએ 20 ઓગસ્ટ, 22 ઓગસ્ટ અને છેલ્લે 9 સપ્ટેમ્બરે પીડિતાના પરિવારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભટ્ટાચાર્યએ કહ્યું- આરોપીઓ સત્તામાં રહેલા લોકોની નજીકના છે
વિકાસ રંજન ભટ્ટાચાર્યએ કેસ છોડવાના તેમના નિર્ણય અને ટ્રેઈની ડૉક્ટરના પિતાના શબ્દો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું- આરોપીઓ સત્તામાં રહેલા લોકોની નજીકના છે. તેથી જો કેસને અસર થાય છે, તો તે આશ્ચર્યજનક નથી. જો કે, સંજોગો ગમે તેટલા ખરાબ હોય, કાયદા પર ભરોસો રાખવા સિવાય અમે કંઈ કરી શકતા નથી. ભટ્ટાચાર્યએ કેસ છોડ્યા પછી, વૃંદા અને તેની ટીમ સપ્ટેમ્બરથી તમામ કોર્ટમાં પીડિતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. 11 ડિસેમ્બરના રોજ, વૃંદા ગ્રોવર અને તેની ટીમે આ કેસથી પોતાને દૂર કર્યા હતા. વૃંદા ગ્રોવરે કેસ લડવાની કેમ ના પાડી?
પીડિતાના પિતાએ કહ્યું, ‘આ કેસની સુનાવણી 12 ડિસેમ્બરે થવાની હતી. તેના એક દિવસ પહેલા વૃંદા ગ્રોવરે મને મેસેજ કરીને કહ્યું હતું કે તે અમારો કેસ નહીં લડે. ‘ આ સિવાય તેણે કશું કહ્યું નહીં. અમારા વકીલ 12મી ડિસેમ્બરે કોર્ટમાં ન હતા. બીજા દિવસે પૂર્વ પ્રિન્સિપાલ અને પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જને જામીન મળી ગયા હતા. વૃંદા ગ્રોવરે અમારી સાથે જે કર્યું તે સંપૂર્ણ વિશ્વાસઘાત છે. હું અત્યારે કંઈ કહીશ નહીં, પરંતુ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે આ વિશ્વાસઘાતનો ચોક્કસ જવાબ આપીશું. હવે પીડિત પરિવારનો કેસ કોણ લડશે?
વૃંદા ગ્રોવરે કેસ છોડી દીધા બાદ પીડિતાના પરિવારે ડોક્ટરોને મદદ માટે અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળ જોઈન્ટ પ્લેટફોર્મ ઑફ ડૉક્ટર્સ (WBJPD)એ ઘણા વકીલો સાથે તેમની વાત કરાવી. આ પછી પીડિત પરિવારે સીનિયર વકીલ કરુણા નંદીને તેમનો કેસ લડવાની અપીલ કરી. કરુણા પહેલાથી જ આરજી કર રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. WBJPDના વરિષ્ઠ સભ્ય, ડૉ. કૌશિક ચાકીએ કહ્યું, ‘એડવોકેટ કરુણાએ ટ્રેઈની ડૉક્ટરના પરિવાર સાથે વીડિયો કૉલ પર વાત કરી હતી. પછી તેઓ તેમનો કેસ લડવા સંમત થયા. તેમની ચેમ્બરના એડવોકેટ સુદિપ્તા મૈત્રા હાઈકોર્ટમાં પીડિતાનો કેસ લડશે. સિયાલદહ કોર્ટમાં એડવોકેટ રાજદીપ હલધર, એડવોકેટ અમર્ત્ય ડે અને એડવોકેટ ત્વરિત ઓઝા પીડિતાનો કેસ લડશે. ‘4 મહિના પછી પણ પીડિતાની માતાનું નિવેદન લીધું નથી’
ડો.કૌશિક ચાકીએ દાવો કર્યો હતો કે CBIએ હજુ સુધી ડોક્ટરની માતાનું નિવેદન લીધું નથી. ડો. ચાકીના કહેવા પ્રમાણે, ‘સાક્ષીઓની યાદીમાં 123 લોકોના નામ હતા. 4 નવેમ્બરથી અત્યાર સુધીમાં 50 લોકોએ કોર્ટમાં જુબાની આપી છે. જેમાં પીડિતાના પિતા અને સીબીઆઈ અધિકારી સીમા પાહુજા પણ સામેલ હતા. CBIએ ચાર ડોક્ટરોના નિવેદન પણ લીધા હતા જેમની સાથે પીડિતાએ 9 ઓગસ્ટની રાત્રે સેમિનાર રૂમમાં ડિનર કર્યું હતું. આ સિવાય દિલ્હી ફોરેન્સિક ટીમના સાત ડોક્ટર, કોલકાતા ફોરેન્સિક ટીમના ત્રણ ડોક્ટર અને ચંદીગઢ ફોરેન્સિક ટીમના એક ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે CBIએ ચાર મહિના દરમિયાન ટ્રેઈની ડૉક્ટરની માતાની જુબાની લેવી જરૂરી સમજી નહીં. હાઇકોર્ટને 19 ડિસેમ્બરે આ અંગેની જાણ કરવામાં આવી હતી. જસ્ટિસ તીર્થંકર ઘોષે CBIને 26 ડિસેમ્બરે સ્ટેટસ રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. જજે મુખ્ય આરોપી સંજયને 100થી વધુ સવાલ પૂછ્યા
20 ડિસેમ્બરે રેપ-હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયને સિયાલદહ ટ્રાયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યે તેને જેલ વાનમાં કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જજે તેની 6 કલાક પૂછપરછ કરી. આ દરમિયાન તેને 100થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટમાં, સંજય રોયે ફરી જણાવ્યું હતું કે તેને ફસાવવામાં આવ્યો છે. અગાઉ 11 નવેમ્બરના રોજ જ્યારે તેને સિયાલદાહ કોર્ટમાં હાજર કર્યા બાદ પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસ વાનમાંથી બૂમો પાડી કહ્યું હતું, ‘હું તમને કહું છું કે તે વિનીત ગોયલ હતો જેણે સમગ્ર ઘટનાનું કાવતરું ઘડ્યું હતું અને મને ફસાવ્યો હતો.’ સંજયે 4 નવેમ્બરે પહેલીવાર મમતા સરકાર પર આરોપ લગાવ્યો હતો. સિયાલદાહ કોર્ટમાં તેને હાજર કરાયા પછી જ્યારે પોલીસ તેને બહાર લઈ ગઈ ત્યારે તે કેમેરા પર પહેલીવાર કહેતો જોવા મળ્યો કે મમતા સરકાર તેને ફસાવી રહી છે. તેને મોઢું બંધ રાખવા ધમકી આપવામાં આવી છે. CBIએ કહ્યું- ટ્રેઈની ડોક્ટરનો ગેંગરેપ થયો નથી
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટના રોજ ઓન ડ્યુટી ટ્રેઈની ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે રેપ-હત્યાના આરોપમાં સંજય રોયની ધરપકડ કરી હતી. તે કોલકાતા પોલીસમાં સિવિક વોલંટિયર તરીકે કામ કરતો હતો. CBIએ 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, જેમાં રેપ-હત્યાનો એકમાત્ર આરોપી તરીકે સંજયનું નામ આપવામાં આવ્યું હતું. એજન્સીએ કહ્યું કે ટ્રેઇની ડૉક્ટર પર ગેંગરેપ થયો નથી. ડો.ચાકીએ જણાવ્યું કે રેપ-મર્ડર કેસની સુનાવણી હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરે થશે. 2 જાન્યુઆરીએ ટ્રાયલ કોર્ટમાં અને 17 માર્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. જો 17 માર્ચ પહેલા પીડિતાની તરફેણમાં કેસ સંબંધિત કોઈ મોટો ડેવલપ ન થાય તો એડવોકેટ કરુણા નંદી સુપ્રીમ કોર્ટમાં મામલો ઉઠાવી શકે છે.