રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુતમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત્ છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં ગતરોજ દિવસ દરમિયાન અને આજે વહેલી સવારથી જ સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ છે. સુરતમાં બે દિવસથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા દિવસ દરમિયાન પણ વાહનચાલકોએ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તો સાથે એરપોર્ટ પર પણ વિઝિબિલિટી 200 મીટરથી ઓછી થઈ જતાં ગતરોજ 6 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડી હતી. તો આજે પણ સવારના ભારે સ્મોગ વચ્ચે દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈની ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની પણ સંભાવના
રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 80% કરતાં પણ વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે. આ ભેજ ઠંડીમાં વધારો થવા દેતું નથી. તથા દિવસ દરમિયાન પણ સૂર્યનાં સીધા કિરણો જમીન પર ન આવતા દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે. જ્યારે રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન વધુ રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે. એટલે કે, મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને લઘુતમ તાપમાન વધી રહ્યું છે, જેથી ઠંડીમાં રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસથી સુરતમાં હિલ સ્ટેશન જેવો માહોલ
સુરતમાં બે દિવસથી ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગતરોજ બપોર બાદ પણ રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી જોવા મળતા વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. તો આજે પણ વહેલી સવારથી ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. વાહનચાલકોને 20થી 25 ફૂટ દૂરનાં વાહનો પણ ન દેખાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ધુમ્મસથી વિમાન સેવાને અસર
આજે (23 ડિસેમ્બર) CAT-I/CAT-II લાઇટિંગ સિસ્ટમ ન હોવાને કારણે અને ઇંધણ બચાવવા માટે એરલાઇનોએ દિલ્હી (DEL), હૈદરાબાદ (HYD), અને ચેન્નઈ (MAA)માંથી સુરત માટેની ફ્લાઇટ્સ લગભગ 1થી 1.20 કલાક મોડી રવાના કરવાનો નિર્ણય લીધો છે. શહેરમાં ધુમ્મસના કારણે સુરત એરપોર્ટ પર વિમાન સેવાઓ પર અસર જોવા મળી છે. વિલંબનાં મુખ્ય કારણો
સુરત એરપોર્ટ પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે, જેને કારણે પાઇલટોને લેન્ડિંગ અને ટેકઓફમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, એરપોર્ટ પર કેટેગરી-I (CAT-I) અથવા કેટેગરી-II (CAT-II) લાઇટિંગ સિસ્ટમ ન હોવાને કારણે વિમાન સેવાઓ વધુ અસરગ્રસ્ત થઈ છે. ફ્લાઇટ સેવા પ્રભાવિત વિમાનોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા
વિઝિબિલિટીમાં ઘટાડાને કારણે એરલાઇન અને એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) બંને યાત્રિકોની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખી રહ્યા છે. વિમાનોને સુરત એરપોર્ટ નજીક હોલ્ડિંગ પેટર્નમાં રાખવા પડે છે, જે ઈંધણના વધુ વપરાશ તરફ દોરી જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇનોએ વિલંબિત ટાઇમટેબલની જાહેરાત કરી છે. ગતરોજ 6 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડી હતી
સુરતમાં રવિવારે સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા એરપોર્ટ પર વિઝિબિલિટી 200 મીટરથી ઓછી થઈ ગઈ હતી. જેથી 6 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સવારે 6.30 વાગ્ય પછી આવનારી ઇન્ડિગોની હૈદરાબાદ અને દિલ્હી તથા એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઇ ફ્લાઇટે હવામાં 14 રાઉન્ડ માર્યા બાદ લેન્ડ થઈ શકી હતી, જેથી ફ્લાઇટો મોડી પડી હતી. ત્રણે ફ્લાઇટે અંદાજે 11.50 લાખનું પેટ્રોલ બાળી નાખ્યું હતું. આ જ રીતે સુરતથી જતી ઇન્ડિગોની હૈદરાબાદ અને દિલ્હી તથા એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઇની ફ્લાઇટ ત્રણ કલાક મોડી ટેકઓફ થઈ શકી હતી. આ ઉપરાંત અન્ય 12 ફ્લાઇટ એક કલાક સુધી મોડી પડી હતી. આગામી 48 કલાક સ્થિતિ યથાવત્ રહેશે
ગુજરાતની આસપાસના ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તેની અસરોને કારણે અરબ સાગર તરફથી ભેજ ગુજરાત સુધી ખેંચાઈ આવે છે, જેથી ગુજરાતના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાની નજીક આવેલા જિલ્લાઓમાં અને પહાડી વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી આવતા પવનો બીજી તરફ અરબ સાગર તરફથી આવતા પવનો બંનેની દિશા વિરુદ્ધ હોવાથી વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેથી મહત્તમ તાપમાનમાં થોડા અંશે ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતા ઠંડીમાંથી રાહત મળી છે. હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના છે. નલિયામાં રાજ્યોનું સૌથી ઓછું 7.9 ડિગ્રી તાપમાન નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના નલિયામાં રાજ્યોનું સૌથી ઓછું 7.9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે નલિયામાં ભેજનું પ્રમાણ 87% જેટલું નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યનાં અન્ય ચાર મહાનગરોમાં અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 19.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 20.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. મહત્ત્વનું છે કે, આજે વહેલી સવારથી જ સુરતમાં ગાઢ ધુમ્મસ છવાયું છે, જેથી આજે સવારના 8:00થી 8:30 વાગ્યાની આસપાસ સુરતમાં ધુમ્મસનું પ્રમાણ 82% નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટના 87% અને પોરબંદરમાં 83% ભેજનું પ્રમાણ નોંધાતા ધુમ્મસની ચાદર છવાઈ હતી.