આજે વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે એ.બી.જ્વેલર્સ નજીક ફુલ સ્પીડમાં રિવર્સ આવી રહેલી એક કારે પાંચ વાહનને ઉડાડ્યાં હોવાની વિગત સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ હાલ સામે આવ્યા છે. રિવર્સ આવતી કારે અકસ્માત સર્જ્યો
અમદાવાદમાં જાણે અકસ્માતોની વણજાર લાગી હોય તેમ એકપછી એક અકસ્મતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં ત્યાં આજરોજ વધુ એક અકસ્માત સામે આવ્યો છે. અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે એક બેકાબૂ કાર ફુલ સ્પીડમાં રિવર્સ આવતી દેખાય છે અને આવીને ધડાકાભેર પાર્ક પાંચ જેટલાં વાહનોને અડફેટે લઈ દૂકાનમાં ઘૂસી જાય છે. જોરદાર અવાજ થતાં દુકાન બહાર સૂતેલા પણ જાગી ઊઠ્યા હતા. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર
હાલ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, કાર કોઈ વ્યક્તિ નશામાં ચલાવતો હતો અને સ્ટંટ કરવા માટે આ પ્રકારે રિવર્સ ગાડી ચલાવવી હોઈ શકે છે. અકસ્માત સર્જાયા બાદ ચાલક કાર સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ દ્વારા કારના નંબરના આધારે આરોપીને પકડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે .