વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખંઘા રોડ ઉપર આર. આર. કેબલ કંપની પાસે મોડી રાત્રે આઇસર ટેમ્પોની અડફેટે આવી ગયેલા યુવાનનું સ્થળ ઉપર કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. આ યુવાન બાઇક ઉપર ઘરે જતો હતો. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ટેમ્પોચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સારવાર મળે તે પહેલાજ યુવકે દમ તોડ્યો
મળેલી માહિતી પ્રમાણે, વાઘોડિયા તાલુકાના રવાલ ગામના બારીયા ફળિયામાં રહેતો 26 વર્ષીય યુવાન સંજય દિનેશભાઈ મકવાણા મોડીરાત્રે કામ પતાવી પરત પોતાના ગામ રવાલ તરફ બાઈક ઉપર જતો હતો. દરમિયાન ખંઘા રોડ ઉપર કેબલ બનાવતી કંપની પાસે આઇશર ટેમ્પોની અડફેટે આવી જતાં અકસ્માતનો ભોગ બન્યો હતો. ટેમ્પોની અડફેટે આવી ગયેલ સંજય મકવાણા રોડ પર પટકાયો હતો, જેમાં તેણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઇ ગયો હતો. જોકે, યુવાનને સારવાર મળે તે પહેલાજ લોહીના ખાબોચીયામાં મોતને ભેટ્યો હતો. પરિવારજનોના હૈયાફાટ રુદનથી સન્નાટો
મળેલી માહિતી પ્રમાણે રાહદારી દ્વારા 108 એમ્બ્યુલન્સને કોલ કરાતા તુરતજ આવી પહોંચી હતી. પરંતુ એમ્બ્યુલન્સના ડૉક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. દરમિયાન ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટના અંગે પરિવારને જાણ કરતા તાત્કાલિક પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. ટેમ્પોચાલકની શોધખોળ
વાઘોડિયા પોલીસે લાશનો કબજો લઇ જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે બાઈકચાલકનુ મોત નીપજાવનાર આઇશર ટેમ્પોચાલકની શોધખોળ હાથ ધરી છે.