અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી પોલીસકર્મીઓને ડરાવનારા લુખ્ખાઓ રખિયાલ ગરીબનગર ચાર રસ્તા પાસે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) ઓફિસની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આવેલાં અકબરનગરના છાપરામાં રહેતા હતા. આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દીધાં હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ બંને આરોપીનાં ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું. અકબરનગરમાં મોટેભાગે ગેરકાયદેસર ઝુંપડાંઓમાં કોમર્શિયલ ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે. તે તમામ જગ્યાનો 2016માં સર્વે કરવામાં આવ્યો હતો જે અનેક કારણોસર બે વાર અટક્યો હતો. જે બાદ હવે ફરી મનપા દ્વારા નોટીસ પાઠવી બે દિવસની અંદર સર્વે હાથ ધરવામાં આવશે અને ગુનાખોરીનો અડ્ડો બનાવી બેઠેલા ઝુંપડાંઓને તોડી પાડવામાં આવશે. એક જ વ્યક્તિના પાંચથી સાત ઝુંપડાં
ગરીબ નગર ચાર રસ્તા પાસે ACP ઓફિસની પાછળના ભાગે આવેલા અકબરનગરના છાપરાને લઈને દિવ્ય ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં અકબરનગરના છાપરામાં અંદાજિત 500થી વધુ ઝુંપડાંઓ આવેલા છે. છાપરાઓમાં ગેરકાયદેસર રીતે દીવાલ સાથેની ઓરડીઓ અને ઝુંપડાં ઉભા કરી દેવામાં આવ્યા છે, પૂંઠા-પસ્તીનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. જેમાં એક જ વ્યક્તિના પાંચથી સાત ઝુંપડાંઓ આવેલા છે. આ છાપરામાં મોટાભાગે દારૂ-જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે અને કેટલાક અસામાજિક તત્વોએ કબજો પણ કરી લીધો છે. સંપૂર્ણ એરિયામાં માત્ર 15થી 20 પરિવાર જ રહે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આવેલા અકબરનગરના છાપરાઓમાં ત્રણથી ચાર ગલીમાંથી પ્રવેશ કરી શકાય છે. ACP ઓફિસની પાછળ જ રોડ તરફ આગળના ભાગે આખું પૂંઠાનું મોટું ગોડાઉન બનાવેલું છે. સંપૂર્ણ એરિયામાં માત્ર 15થી 20 પરિવાર જ રહે છે. બાકી કોમર્શિયલ તરીકે ઝુંપડાંઓનો ઉપયોગ કરી દેવામાં આવ્યો છે. દારૂથી લઈને જુગાર જેવી પ્રવૃત્તિઓ હાલમાં ધમધમી રહી છે. 2016માં સર્વે કરવામાં આવ્યો હતો
મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં બનેલા અકબરનગરના છાપરામાં વર્ષ 2016માં સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વે મુજબ 700 જેટલા ઝુંપડાંઓ હોવાના સામે આવ્યા હતા. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ લોકોને મકાનો ખાલી કરવા માટેની સૂચના આપી હતી. જેમાં કેટલાક લોકો ખાલી કરીને જતા રહ્યા હતા, પરંતુ ફરી પાછા આ જ સ્થળ ઉપર આવ્યા હતા. જે લોકોને મકાન મળવાપાત્ર હતું તેઓને ઓઢવ, વટવા ચાર માળીયા સહિત અલગ અલગ જગ્યાએ મકાનો પણ ફાળવવામાં આવ્યા હતા. જોકે ત્યાં રહેવા માટે નહોતા ગયા અને આ જ સ્થળ પર ઝુંપડાં બાંધીને ફરી રહેવા લાગ્યા હતા. માત્ર 300 ઝુંપડાંઓનો સર્વે થયો હતો
બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માર્ચ-એપ્રિલ 2024માં અકબરનગરના છાપરા જે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આવેલા છે તેને દૂર કરવા માટે સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઝુંપડાંઓમાં જઈને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જોકે વિવિધ કારણો અને અન્ય જગ્યાએ કામગીરીમાં કર્મચારીઓ ફાળવી દેવાતા સર્વે અધૂરો રહ્યો હતો. માત્ર 300 ઝુંપડાંઓનો સર્વે થયો હતો. છાપરાના ઝુંપડાં ગુનેગારોનું હબ
અકબરનગરના છાપરાના ઝુંપડાં ગુનેગારોનું હબ બની ગયેલા છે, જેમાં અસામાજિક પ્રવૃત્તિઓ ખૂબ ચાલી રહી છે. દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ત્યાં થતી હોય છે. સર્વે અધૂરો રહ્યો હોવાથી એક મહિના પહેલાં પણ સર્વે ફરી શરૂ કરીને કાર્યવાહી માટે જાણ કરવામાં આવી હતી. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી અનેક સર્વેયરો નોકરી છોડીને જતા રહ્યા હોવાથી અછત સર્જાઇ હતી. જેથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સર્વેયર મેળવીને કામગીરી કરવા માટે વહીવટી વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી હતી, પરંતુ તેઓ દ્વારા સર્વેયર મેળવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. બે દિવસમાં ફરી સર્વેની કામગીરી શરૂ કરાશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અકબરનગરના છાપરાનો સર્વે બે દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. 6 મહિના પહેલા સર્વેયરની અછતના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને બંધ કરેલા સર્વેને શરૂ કરી નોટિસ આપ્યા બાદ પ્લોટના તમામ ઝુંપડાંઓ દૂર કરવા બુલડોઝર ફેરવવાની તૈયારી કરી દેવામાં આવી છે. જે લોકોને મકાનો ફાળવવામાં આવ્યા હતા તે લોકોને મકાનોમાં પરત જવા અને ખાલી કરી દેવા જાણકારી આપી અને પ્લોટ ખાલી કરાવી કબજો મેળવવામાં આવશે. ઝુંપડાંમાંથી પોલીસને દેશી તમંચો પણ મળ્યો હતો
શનિવારે ડીસીપી, એસીપી અને ચારથી વધુ પીઆઇ સહિત 50થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ધ્રુવના એસ્ટેટ વિભાગ દ્વારા બંને ગુનેગારોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા મકાન ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે એક ઘરમાંથી દેશી તમંચો મળી આવ્યો હતો. જેને પોલીસ દ્વારા કપડામાં વીંટાળીને લઈ જવામાં આવ્યો હતો જો કે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.