રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદી ચાલી રહી છે. દરમિયાન આજે વહેલી સવારથી જ ખેડૂતો તેમની વિવિધ જણસીઓ લઇને ઉમટી પડયા હતા. જેમાં ડુંગળી અને મગફળીની ભરપૂર આવક થતા માર્કેટિંગ યાર્ડ બહાર 900 કરતા વધુ વાહનનો ખડકલો જોવા મળ્યો હતો. યાર્ડ બહાર 8 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી. યાર્ડ ચેરમેન સહિતના અગ્રણીની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં ડુંગળીની 1,00,000 કટાની જ્યારે મગફળીની વધુ 75,000 ગુણીની આવક નોંધાઈ હતી. 800થી વધુ વાહનોમાં ડુંગળીની આવક
પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ જણસીઓની ખરીદી કરાઈ રહી છે. ત્યારે આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, કપાસ અને ડુંગળી સહિત જણસીઓ ભરીને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જેને લઈ મગફળી અને ડુંગળી ભરેલા વાહનોની 8 કિમી લાંબી લાઈનો જોવા મળી હતી. અંદાજે 800 કરતા વધુ વાહનોમાં ડુંગળી અને 600 જેટલા વાહનોમાં મગફળી આવતા ચેરરમેન સહિતનાની હાજરીમાં માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મગફળીની 75,000 ગુણીની આવક થઈ
રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન સહિતના આગેવાનો દ્વારા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચેરમેન જયેશ બોધરાની હાજરીમાં તમામ વાહનોને ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે વિવિધ જણસીઓની ઉતરાઇ કરવામાં આવી હતી. જેમાં મગફળીની 75,000 ગુણી આવક થઈ હતી. જ્યારે ડુંગળીની આવક 1,00,000 કટાની નોંધાઈ હતી. આજે ડુંગળી અને મગફળીની ખૂબ સારી આવક થતા માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં આ બંને જણસીઓ જોવા મળતી હતી. ડુંગળીનો ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ડુંગળીની આવકમાં મોટો વધારો થતાં ભાવો સતત ઘટી રહ્યા છે, જેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે બીજીતરફ ચાલુવર્ષે ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ ઉંચા હોવાથી ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેંચી રહ્યા છે. ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ વધુમાં વધુ બે હેક્ટર 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જોકે આ માટે એક બારદાનમાં 36 કિલો મગફળીની ભરતી હોવી તેમજ 200 ગ્રામ મગફળીમાં 140 ગ્રામ દાણા નીકળવા જરૂરી છે.