back to top
Homeગુજરાતઅમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાનું નાક તોડ્યું:શાહના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે આંબેડકરની મૂર્તિ ખંડિત, રહીશો...

અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાનું નાક તોડ્યું:શાહના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે આંબેડકરની મૂર્તિ ખંડિત, રહીશો ધરણાં પર બેઠા; મેવાણીની ઉગ્ર આંદોલનની ચીમકી

કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્ત્વોએ તોડી નાખતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યા છે. વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણાં પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે પણ ઘટનાસ્થળે પહોંચીને આવાં અસામાજિક તત્ત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે. તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકો કહી રહ્યા છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી નહીં હટીએ. સાથે જે પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. હાલ તો ડો. બાબાસાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે. એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આંબેડકરની પ્રતિમાનું નાક તોડ્યું
મળતી માહિતી મુજબ શહેરના ખોખરા વિસ્તારમાં કે.કા.શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મેવાણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ​​​​​​​ભારતના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બાબાસાહેબના વિરુદ્ધમાં કરેલી કોમેન્ટના કારણે સમગ્ર ભારતના અને ગુજરાતના દલિતોમાં ભારે આક્રોશ છે. એ વાતના પડઘા હજુ શમ્યા નથી ત્યાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક ચાલીના નાકે બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરવાની બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા અને નાકને નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી છે. આ બધુ જાણીજોઇને થઇ રહ્યું છે. ગુજરાતના કેટલાક જાતિવાદી તત્વોને ભારતીય જનતા પાર્ટીની સરકાર પોષણ આપી રહી હોય, આ સંવિધાન વિરોધી સરકારની માનસિકતાના કારણે આવા તત્વોને આવુ બળ મળી રહ્યું છે કે દલિત સમાજની અંદર એક પ્રકારનો આક્રોશ ફેલાય એવા કૃત્યો કરવા. આ ગુજરાત અને દેશની શાંતિને ડહોળવાનો પ્રયાસ છે. દલિતોને જાણીજોઇને તેમની મશ્કરી કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ છે. એટલે હું માંગણી કરું છું કે ખોખરામાં બાબાસાહેબની પ્રતિમાને નુકસાન કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ 24 કલાકમાં એફઆઇઆર કરીને ધરપકડ કરવામાં આવે નહીંતર અમારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનવું પડશે. સીપી ઓફિસમાં કોંગ્રેસ ડેલિગેશન આવેદનપત્ર આપશે
આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે બાબાસાહેબની પ્રતિમાને ખડિત કરવાનો પ્રયાસ કર્યો છે. સીપી સાથે વાત કરી છે, આવાં તત્ત્વોને કડક સજા કરવાની માગ કરી છે. બાબાસાહેબની ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. તેઓ દેશના સંવિધાનના પ્રણેતા છે, દેશવાસીઓની લાગણી જોડાયેલી છે. આ સાથે સીપી ઓફિસમાં પણ કોંગ્રેસ ડેલિગેશન આવેદનપત્ર આપશે. ‘આવાં અસામાજિક તત્ત્વોની ધરપકડ કરી વરઘોડો કાઢો’
આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા અમરાઇવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે જણાવ્યું કે ખોખરામાં જયંતી વકીલની ચાલી પાસે વહેલી સવારે કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ડો. બાબાસાહેબની મૂર્તિને ખંડિત કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. મારું એમ માનવું છે કે જે પ્રમાણે સંસદમાં ગૃહમંત્રી દ્વારા બાબાસાહેબ વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ ભારતમાં જે પ્રમાણે આંદોલન થઇ રહ્યાં છે તે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક હીન કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. અમારી માગ છે કે તાત્કાલિક પોલીસ ફરિયાદી બને, અને આવાં અસામાજિક તત્ત્વોની ધરપકડ કરવામાં આવે અને તેનો વરઘોડો કાઢવામાં આવે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને જે રીતે વિધર્મીઓના વરઘોડા કાઢવાના શોખ છે. તો એમને જો બાબાસાહેબના સંવિધાનને નજરમાં રાખીને શપથ લીધી હોય તો એ સાબિત કરી બતાવે કે અમે બાબાસાહેબના સંવિધાનને માનીએ છીએ. 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે
મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક રહીશોને તેઓએ ખાતરી આપી હતી કે 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે. સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. રહીશોની જે માગ છે કે પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે ફરીથી આનાથી સારી પ્રતિમાને મૂકી અને તેનું અનાવરણ કરવામાં આવશે. આ કોઈ પક્ષનો વિષય નથી બાબાસાહેબ આંબેડકર તમામ લોકોના છે. જલદીથી જલદી કાર્યવાહી થાય તેના માટે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને પોલીસ સાથે પણ ચર્ચા કરી છે. તેમને ખાતરી આપી હતી કે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments