રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે બેફિકરાઇથી પસાર થયેલી સિટી બસે ચાલીને જઇ રહેલા માતા-પુત્રને અડફેટે લીધા હતા જેમાં સાત વર્ષના બાળકનું તેની માતાની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની માતાને પણ ગંભીર ઇજા થવા પામી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડથી સાઇડમાં ચાલીને જતા માતા પુત્રને સિટીબસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી અડફેટે લીધા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે સીટી બસના ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નાસ્તો લઇને માતા-પુત્ર ચાલીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કણકોટ ગામના ક્રિષ્નાનગરમાં રહેતા હેતલબેન ભરતભાઇ ગોયલ (ઉ.વ.33) અને તેનો 7 વર્ષનો પુત્ર રાજવીર રવિવારે સવારે 11 વાગ્યે લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ પાસે નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લઇને માતા-પુત્ર ચાલીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને કણકોટના પાટિયા પાસે કોલેજના ગેટ નજીક પહોંચ્યા હતા ત્યારે રોડથી સાઈડમાં ચાલીને જતા માતા પુત્રને પાછળથી ધસી આવેલી સિટી બસે માતા-પુત્રને ઉલાળ્યા હતા. બસની ઠોકરથી બંને રસ્તા પર ફંગોળાયા હતા જેમાં બસના તોતિંગ વ્હીલ માસૂમ રાજવીર પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે હેતલબેનના પગ પરથી પણ બસના વ્હીલ ફરી વળ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા હેતલબેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસચાલક સામે ગુનો નોંધાયો
આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હેતલબેનના પતિ મજૂરીકામ કરે છે અને રાજવીર તેમનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. વહાલસોયા પુત્રનાં મોતથી ગોયલ પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. હાલ તાલુકા પોલીસે હેતલબેનની ફરિયાદ પરથી બસના ચાલક સામે BNS કલમ 125 એ, 125 બી, 106(1), 181 તથા એમવી એક્ટ કલમ 184 અને 177 મુજબ ગુનો નોંધી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.