back to top
Homeગુજરાતરાજકોટ સમાચાર:સ્ટર્લિંગ હોસ્પિટલની દિવાલ પાસે કચરાના ઢગલામાં આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

રાજકોટ સમાચાર:સ્ટર્લિંગ હોસ્પિટલની દિવાલ પાસે કચરાના ઢગલામાં આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલની દિવાલ પાસે કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જોકે ફાયર બ્રિગેડે તુરંત દોડી જઈ આગ બુઝાવી હતી. આ અંગે ફાયર વિભાગે જણાવ્યું કે, આજે સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ આવેલા ક્વાર્ટરમાં હોસ્પિટલની દિવાલ પાસે થયેલા કચરાના ઢગલામાં આગ ભભૂકી હોવાની જાણકારી મળી હતી. જેને પગલે મવડી ફાયર સ્ટેશન અને રામદેવપીર ચોકડી ફાયર સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. તત્કાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. મનપા દ્વારા ત્રણ ફલેટને જપ્તીની નોટીસ અપાતા 10 લાખની રીકવરી
રાજકોટ કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ ઠંડી પડતી હોય તેમ આજે માત્ર 1 મિલ્કત સીલ કરવામાં આવી છે. જોકે પાંચ મિલકતોને સીલ કરી રૂપિયા 19.80 લાખની વસુલાત કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.1માં 150 ફુટ રોડ પર શાસ્ત્રી વિદ્યાલયનો નોટીસ સામે ચેક આવ્યો હતો. તો વોર્ડ નં.2માં ધ્રુવનગર રોડ પર લક્ષ્મી પ્રોવિઝન પાસે એક મિલ્કતને સીલની કાર્યવાહી કરતા રૂપિયા 70 હજારનો ચેક આવ્યો હતો. તેમજ વોર્ડ નં.7માં પ્રહલાદ પ્લોટ કોર્નરમાં આવેલ સમર્થ એપાર્ટમેન્ટના પ્રથમ, ત્રીજા અને ચોથા માળે ફલેટને નોટીસ આપતા કુલ રૂપિયા 10 લાખ જેવા ચેક આવ્યા હતા. વોર્ડ નં.16ના નવદુર્ગા રોડ પર પુનિત સોસાયટીમાં કેસર હાઉસને નોટીસ અપાતા ચેક મળ્યો થઇ હતો. જેને લઈને અત્યાર સુધીમાં વેરા વસુલાત શાખાની આવક રૂ. 327.27 કરોડ પર પહોંચી હતી. રૂ. 6 કરોડની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવાયું
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે આવેલ સરકારી ખરાબાના સર્વે નંબર 281માં આવેલ આશરે4200 ચો.મી.જમીનમાં ઔદ્યોગિક એકમોનું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ જમીનની અંદાજીત બજાર કિંમત રૂ.6.05 કરોડની હોવાનું જણાવાયું હતું. પ્રાપ્ત વિગત મુજબ મામલતદાર જી.બી.જાડેજા તથા નાયબ મામલતદાર હિતેન્દ્રસિંહ ચુડાસમા અને સર્કલ ઓફિસર સંજય રૈયાણી સહિતના દ્વારા પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે 4200 ચોમી જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. અને રૂ. 6.05 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ઈજારદારને 18 લાખનો દંડ ફટકાર્યો
​​​​​​​રાજકોટ જિલ્લામાં વર્ષ 2023-25 વચ્ચે આવશ્યક ચીજ વસ્તુઓ અંતર્ગત ખરીદવામાં આવતી તમામ એજન્સીઓ (મગફળી સિવાય)ના પરિવહનની કામગીરીનો ઈજારો શક્તિ સેલ્સ એજન્સી, રાજકોટને આપવામાં આવ્યો હતો. જે મુજબ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ખાતેથી સરકાર દ્વારા કરવામાં આવતી ફાળવણી મુજબ ઘઉં તેમજ ચોખાનો જથ્થો સમયસર ઉપાડી રાજકોટ જિલ્લાના તમામ ગોડાઉન ખાતે તેને પહોંચતો કરવાની કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ એજન્સી દ્વારા સપ્ટેમ્બર 2024ની ફાળવણી મુજબનો ઘઉં તેમજ ચોખાનો જથ્થો મુદત પ્રમાણે ઉપાડ કરવામાં આવ્યો ન હતો. તેથી ઘઉં-ચોખાનો રૂ. 18,25,788,52નો જથ્થો નિષ્ફળ ગયો હતો. જેને કારણે સરકારની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી હતી. એજન્સી દ્વારા ટેન્ડર અને કરારખતની શરતનો ભંગ કરાયા બદલ એજન્સીને જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટ દ્વારા રૂ. 18.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટના દેવેન્દ્ર યાદવને CMએ પાઠવી શુભેચ્છા
તાજેતરમાં એશિયન આર્મરેસલીંગ ફેડરેશન દ્વારા મુંબઈ ખાતે પેરા આર્મરેસલીંગ હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના દિવ્યાંગ ભાઇઓ-બહેનોએ શાનદાર પ્રદર્શન કરી 5 ગોલ્ડ, 3 સિલ્વર તથા 2 બ્રોન્ઝ સહિત કુલ 10 મેડલો જીત્યા હતા. આ સ્પર્ધામાં કોમલબેન પટેલ, દેવેન્દ્ર યાદવ, હરિશ વર્મા, ખોડાભાઇ જોગારાણા, રાજેન્દ્રસિંહ પરમાર, મયંક પટેલ(આંતરરાષ્ટ્રીય રેફરી) તથા અશફાક ધુમરા વિજેતા બન્યા હતા. જેમાં રાજકોટના દેવેન્દ્ર યાદવને શાનદાર પ્રદર્શન કરવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી અને આર્મરેસલીંગ સ્પોર્ટ્સ એસોસીએશનનાં હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી હતી. પાટણવાવમાં કાલે ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા.24 ડિસેમ્બરના રોજ ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે પાંચમી ઓસમ પર્વત આરોહણ-અવરોહણ (રાજયકક્ષા) સ્પર્ધા-2024 – 25 યોજવામાં આવશે. આ સ્પર્ધામાં રાજયના યુવક/યુવતીઓ ભાગ લેશે. જેના કારણે ઓસમ પર્વત ઉપર જતા પ્રવાસીઓ, યાત્રાળુઓ કે અન્ય વ્યકિતઓના યુવક/યુવતીઓની ટુકડીઓને આવવા-જવા માટેનો પ્રતિબંધક આદેશ નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ ઓસમ પર્વત ખાતે તા.23 ડિસેમ્બર ના રાત્રીના 12 વાગ્યાથી 24 ડિસેમ્બરના બપોરનાં 12 વાગ્યા સુધી ઓસમ પર્વતની સીડીના પગથિયા ઉપર સ્પર્ધકો સિવાયનાં પ્રવાસીઓ, યાત્રાળુઓ કે અન્ય વ્યકિતઓ ઓસમ પર્વતની સીડીના પગથીયા ધ્વારા ઉપર જવા કે નીચે ઉતરવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. 10 લાખની સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયુ
​​​​​​​રાજકોટ કલેકટર પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 10 પૈકી 1 કે જે જમીન જંગલ ખાતાને ભાદર -2 માં જંગલખાતાની જમીન સંપાદન કરવામાં આવેલ તેની જગ્યાએ ફાળવવામાં આવેલ છે તે જમીનમાં 150 ચો.મી.ના 4 ગોડાઉનનું દબાણ દૂર કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત અંદાજીત રૂ.10 લાખ થાય છે. ધોરાજી પ્રાંત અધિકારી, મામલતદાર ધોરાજી તથા મામલતદાર ઓફિસ સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત સાથે 150 ચો. મી. જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં દૂર કરવામાં આવશે SSCથી સ્નાતક સુધીના ઉમેદવારો માટે 50થી વધુ કંપનીમાં રોજગારીની તકો
​​​​​​​રાજ્ય સરકાર દ્વારા યુવા રોજગારી માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે. જેના અનુસંધાને મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ અને જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 27 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે બાલભવન ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં અલગ અલગ 50 થી વધારે ખાનગી એકમોના પ્રતિનિધી હાજર રહી ઈન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી હાથ ધરશે. આ રોજગાર ભરતીમેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને બી.ઈ. ઇલેક્ટ્રોનિક, મિકેનિકલ એન્જીનીયર તેમજ કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ અંગે વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, 1/3, બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ અથવા ફોન નંબર: 0281 2440419 પર સંપર્ક કરવા કચેરીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments